સુરતમાં બેંક કર્મચારીએ ગળાફાંસો ખાધો, સુસાઇડ નોટમાં લખી ચોંકાવનારી વાત
![2 cases of suicide in Kutch](/wp-content/uploads/2024/12/image-ezgif.com-resize-80.webp)
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં (surat news) આપઘાતના કેસમાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. શહેરમાં એક બેંક કર્મચારીઓએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. તેણે આપઘાત કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટ (suicide note) પણ સામે આવી છે. જેમાં તેણે ઉઘરાણીવાળાના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. મૃતક એયુ સ્મોલ ફાયનાન્સ બેંકમાં (AU small finance bank) કામ કરતો હતો.
શું છે મામલો
સુરતના ઉતરાણ વિસ્તારમાં 30 વર્ષીય બેંક કર્મચારીએ વૃક્ષની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. બેંક કર્મચારીએ ગુજરાતીમાં લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને હું લેણામાં આવી આ પગલું ભરું છું.
Also read: સુરતમાં સગીરાએ મેડિકલ સ્ટોરમાંથી દવા લઇને જાતે પ્રસુતિ કરી, આ રીતે ફૂટ્યો ભાંડો
મૂળ ભાવનગર અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી હંસ સોસાયટીમાં 30 વર્ષીય હાર્દિક નારણભાઈ લુખી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે વર્ષની દીકરી છે. હાર્દિક અડાજણ ખાતે આવેલી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. ગત આઠ ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે ઘરેથી બેંક પર નોકરી પર જવાનું કહી નીકળી ગયો હતો. જોકે સાંજ થવા છતાં પણ પરત ફર્યો ન હોવાથી પરિવારજનો દ્વારા શોધખોળ હાથ કરવામાં આવી હતી. મોડી રાત્રે તેની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે ઉતરાણ પોલીસને જ જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી હતી. પોલીસે હાર્દિકનો મૃતદેહ લટકતી હાલતમાંથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ પોલીસે હાર્દિકનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
શું લખ્યું સુસાઈડ નોટમાં
મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, હું લેણામાં આવી આ પગલું ભરું છું, મારા બાળકોને પરિવારને સાચવજો, ઉઘરાણીવાળાથી પરિવારને સુરક્ષા અપાવજો. મારી ઉપર શેરબજારમાં દેવું થઈ ગયું છે. અડધું દેવું પરિવાર દ્વારા ચૂકવી દેવામાં આવ્યું છે અને જે ઉઘરાણી કરી રહ્યા છે તેમના વિશે પરિવારને જાણ છે. અમુક ઉઘરાણી વાળાના ટોર્ચરિંગ અને માનસિક ત્રાસ હવે મારાથી સહન નહીં થતો. સોરી આ અંતિમ પગલું ભરું છું.