‘થોડો તો વિચાર કરો…’ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝાટકી; જાણો શું છે મામલો
![Supreme Court of India asks Gujarat to reconsider FIR against Congress MP over poem](/wp-content/uploads/2025/02/supreme-court-asks-gujarat-to-reconsider-fir.webp)
નવી દિલ્હી: સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસની ઝટકાણી કાઢી (Supreme court pulls up Guj Gov) હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરવા બદલ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી (Imran Pratapgarhi) વિરુદ્ધ જામનગરમાં FIR નોંધવામાં આવી હતી. આ FIRને રદ કરતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો ઉધડો લીધો હતો. બેન્ચે ગુજરાત સરકારને કહ્યું કે “થોડો તો વિચાર કરો, સર્જનાત્મકતા મહત્વપૂર્ણ છે, આ કવિતા કોઈપણ સમુદાય વિરુદ્ધ નથી.”
આ મામલે નોંધાઈ FIR:
ઇમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર ‘એ ખૂન કે પ્યાસોં બાત સુનો’ કવિતા શેર કરી હતી, ત્યાર બાદ જામનગર પોલીસે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી હતી. FIRમાં તેમના પર ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઇમરાન પ્રતાપગઢીએ ગુજરાત હાઈકોર્ટમાં FIR રદ કરવા અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી. ત્યારબાદ તેમણે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેન્ચે કહ્યું કે હાઇકોર્ટે કવિતાનું યોગ્ય અર્થઘટન કર્યું નથી. જસ્ટીસ ઓકાએ ગુજરાત સરકારના વકીલ એડવોકેટ સ્વાતિ ઘિલડિયાલને કહ્યું, “કૃપા કરીને કવિતા પર થોડું મગજ લગાવો. સર્જનાત્મકતા પણ મહત્વપૂર્ણ છે.”
Also read: મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટે પીઆઇએલ પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
જસ્ટિસ ઓકાએ કહ્યું, “તે કોઈ ધર્મની વિરુદ્ધ નથી. આ કવિતા પરોક્ષ રીતે કહે છે કે ભલે કોઈ હિંસા ભડકાવવાનો પ્રયત્ન કરે, પણ આપણે હિંસામાં સામેલ નહીં થઈએ. આ કવિતા આવો સંદેશ આપે છે. તે કોઈ ચોક્કસ સમુદાયની વિરુદ્ધ નથી, જરા ધ્યાન આપો. હાઈકોર્ટે કવિતાના અર્થની કદર કરી નથી. તે આખરે એક કવિતા છે.”ઇમરાન પ્રતાપગઢી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, “જજે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આ ચિંતાજનક છે. રાજ્ય સરકારના વકીલે વધુ સમય માંગ્યો હતો, ત્યાર બાદ બેન્ચે આ મામલાની સુનાવણી માટે ત્રણ અઠવાડિયા પછીની તારીખ આપી હતી. ગયા મહિને, સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોઈપણ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.
ઇમરાન પ્રતાપગઢીની સ્પષ્ટતા:
પ્રતાપગઢી પર ઘણી કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા, FIRમાં રાષ્ટ્રીય એકતાને ખલેલ પહોંચડવા અને સમાજમાં વેરભાવ ઉભો કરવા જેવા આરોપ લાગવવામાં આવ્યા હતાં. પ્રતાપગઢી દ્વારા પોસ્ટ કરાયેલ 46-સેકન્ડના વિડિયો ક્લિપને આધારે આ FIR નોંધવામાં આવી હતી. વિડિયોમાં એક કાર્યક્રમમાં તેમના પર ફૂલોનો વરસાદ થતો જોવા મળ્યો હતો. FIRમાં આરોપ મૂકવામાં આવ્યું હતું કે વિડિયો સાથે જોડવામાં આવેલી કવિતામાં ઉશ્કેરણીજનક શબ્દો હતા. ઇમરાન પ્રતાપગઢી સ્પષ્ટતા કરી હતી કે આ કવિતા “પ્રેમ અને અહિંસાનો સંદેશ” આપે છે. તેમણે કહ્યું હતું કે FIRનો તેમને હેરાન કરવા માટે નોંધવામાં આવી છે.