આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ભાજપના ઉમેદવારને જીતાડશો તો કોઈનું મકાન નહીં તૂટે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ નેતાનો વીડિયો થયો વાઇરલ

વડોદરાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો (gujarat local body election campaign) હાલ પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન કરજણ પાલિકાની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ભાજપના ચાર ઉમેદવારોને જીતાડશો તો કોઈનું મકાન નહીં તૂટે, દગો કર્યો તો કોઈનું રહેશે નહીં તેમ કહેતા નજરે પડી રહ્યા છે. આમ કહી તેઓ મતદારોને ભાજપ તરફી મતદાન કરવા ધમકી આપતા હોવાની ચર્ચા થઈ રહી છે.

શું છે મામલો

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલે (Sathish Patel) કરજણની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ 7ની સીટના ભાજપ ઉમેદવારના પ્રચાર માટે ભાષણ કર્યું હતું. જેને લઈ વિવાદ સર્જાયો છે. તેમણે ભાષણ દરમિયાન કહ્યું કે, ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દઉં, જો દગો કર્યો તો એકેયના રહેવા પણ નહીં દઉં તેવું કહેતા તેમનો વીડિયો વાઇરલ થયો છે.

એક તરફ જિલ્લા ભાજપમાં આંતરિક કલહના કારણે પક્ષ છોડીને હોદ્દેદારો અને નેતાઓ-અગ્રણીઓ ભાજપ વિરુદ્ધ જ મેદાનમાં ઉતર્યા છે ત્યારે ભાજપ શાસિત પાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે જ કપરાં ચઢાણ છે. વોર્ડ નંબર 7માં ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલે કહ્યું કે, આ વખતે અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો એટલી ગેરંટી આપું છું કે કોઈનું મકાન નહીં તૂટવા દઉં અને સાથે એ પણ કહું છું કે, કોઈએ દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રહેવા દઉં. એટલે મિત્રો આ વખતે ભાજપને આ વિસ્તારમાંથી જીતાડવા હાંકલ કરું છું. સતિષ પચેલનો આ વીડિયો વાઇરલ થયા બાદ તેમણે મતદારોને ધમકી આપી હોય તેવી ચર્ચા શરૂ થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 16 ફેબ્રુઆરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button