સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કરી લાલ આંખ
પ્રદેશ નેતાગીરી અસંતુષ્ટો પર રાખી રહી છે નજર
![BJP leaders celebrating victory with placards after winning 215 uncontested seats in local body elections.](/wp-content/uploads/2025/02/bjp-local-body-polls-victory.webp)
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (local body election) હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે લાલ આંખ કરી છે. પક્ષે ટિકિટ ન આપતાં કેટલાક બળવાખોરોએ અપક્ષ દાવેદારી નોંધાવી હતી. ભાજપે આવા કાર્યકરો, નેતાઓ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે અને પક્ષ વિરોધીઓને હાંકી કાઢવામાં આવ્યા છે.
ગુજરાત ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ છે. ટિકિટ ન મળવાથી ભાજપના નારાજ કાર્યકર, નેતાઓ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે. અમુક જગ્યાએ કૉંગ્રેસ અને આપનો સાથ લઇ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેથી ઘણી જગ્યાએ ભાજપ વિરુદ્ધ ભાજપ જોવા મળી રહ્યું છે. રાજકીય સ્થિતિ બેકાબૂ બનતાં પ્રદેશ નેતાગીરીએ બળવાખોરો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
Also read: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન મુદ્દે અનેક તર્કવિતર્ક
આ કાર્યવાહી અંતર્ગત દાહોદમાં 18 હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેડા જીલ્લામાં મહેમદાવાદ-ચકલાસીના કુલ 34 નેતાઓને પક્ષમાંથી હાંકી કઢાયા હતા. જૂનાગઢમાંથી પણ 10 હોદ્દેદારોને હાંકી કાઢવામાં આવ્યા હતા. આણંદ અને ધંધૂકામાંથી 4 નેતાઓને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કુલ 60થી વધુ હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાલ ગુજરાત ભાજપમાં જે પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે તે જોતાં આગામી દિવસોમાં વધુ બળવાખોરો સામે પગલાં લેવામાં આવી શકે છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થશે.