તરોતાઝા

પ્રાણાયામ પ્રાણમય શરીરના સ્વાસ્થ્યની જ વિદ્યા છે

તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(2) પૂરક રેચક દરમિયાન શ્ર્વાસનળીના મુખને બંધ કરવાનું નથી. તેથી નાદ ઉત્પદન્ન થશે નહીં.

(3) પૂરક અને રેચકનું પ્રમાણ ઉજજાયીની જેમ 1:2 રાખવું. પ્રારંભમાં પૂરક 3 સેક્ધડનો અને રેચક 6 સેક્ધડનો કરવો. અભ્યાસ વધતાં આ સમયમર્યાદા ધીમેધીમે વધારવી.

(4) પૂરક દરમિયાન પેટ બહાર આવશે અને રેચક દરમિયાન પેટ અંદર જશે.

(5) પ્રારંભમાં અનુલોમ પ્રાણાયામનાં 3 આવર્તનો કરવાં. અભ્યાસ વધતાં આવર્તનો ધીમેધીમે વધારી શકાય છભે.

અપસ્મારના દરદી માટે પ્રાણાયામના અભ્યાસ વિશે કેટલીક વિશેષ સૂચનાઓ:

(1) ઉપરોક્ત બંને પ્રાણાયામનો અભ્યાસ એકસાથે શરૂ ન કરવો. અભ્યાસનો પ્રારંભ ઉજજાયી પ્રાણાયામથી કરવો. તેનો અભ્યાસ બરાબર સ્થિર થાય અને અનુકૂળ લાગે પછી અનુલોમવિલોમનો પ્રારંભ કરવો.

(2) આ બંને પ્રાણાયામમાં પૂરક-રેચકનું પ્રમાણ પ્રારંભમાં 3 સેક્ધડ અને 6 સેક્ધડ રાખવાનું છે. આટલા પ્રમાણમાં સ્થિર થયા પછી અનુકૂળ લાગે તો ખૂબ ધીમેથી અને સાવધાનીપૂર્વક આ સમયમર્યાદામાં વધારો કરવો.

(3) પ્રારંભમાં સવારે ઉજજાયી અને સાંજે અનુલોમવિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરવો. અભ્યાસથી સ્થિર થયા પછી બંને પ્રાણાયામ સવાર-સાંજ બંને વખત કરી શકાય છે.

(4) અપસ્મારના દરદીને પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવે ત્યારે તેનાં શરીર, મન, વ્યવહાર તથા તેના દરદના સ્વરૂપ પર આ અભ્યાસથી શું અસર પડે છે. તેનું જાગૃત નિરીક્ષણ કરતા રહેવું જોઇએ. જો કોઇ પણ સંયોગોમાં પ્રાણાયામના અભ્યાસની વિપરીત અસર જોવા મળે તો આ અભ્યાસ તરત બંધ કરી દેવો જોઇએ અને જાણકારની સલાહ લેવી જોઇએ.

(5) અપસ્મારના દરદીને કુંભકનો અભ્યાસ કરાવવો નહીં.

(6) પ્રાણાયામનો અભ્યાસ ખાલી પેટે જ કરવો જોઇએ. આ નિયમ માત્ર અપસ્મારના દરદી માટે જ નથી, સૌને માટે છે.

પ્રાણાયામ તો મહાસમર્થ સાધન છે. આપણાં જીવન અને વ્યક્તિત્વનાં અનેક પાસાંઓ પર પ્રાણાયામના અભ્યાસની અપરંપાર અસર થઇ શકે છે. તે સર્વનો વિચાર આપણે અહીં નહીં કરીએ. અહીં તો આપણે માત્ર એટલો જ વિચાર કરીશું કે  પ્રાણાયામના અભ્યાસ દ્વારા અપસ્મારની બીમારીમાં કઇ રીતે રાહત મળે છે.

(1) પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ પુષ્ટ અર્થાત્ બળવાન બને છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ સંયમિત બને છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ સુસંવાદી બને છે. અર્થાત્ પ્રાણના પ્રવાહો સમરૂપ બને છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણમય શરીર વિશુદ્ધ બને છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણની વિકૃતિઓ, વિસંવાદિતાઓ ધીમેધીમે પરંતુ નિશ્ર્ચયાત્મક રીતે દૂર થવા માંડે છે.

આપણે જોઇ ગયા છીએ કે પ્રાણમય શરીરની વિસંવાદિતા, અશુદ્ધિઓ અને નબળાઇ જ અપસ્મારનું પાયાનું કારણ છે. પ્રાણાયામનો શાસ્ત્રીય પદ્ધતિથી, ધૈર્યપૂર્વક અને દીર્ઘકાલપર્યત અભ્યાસ કરવામાં આવે તો તેના અભ્યાસથી પ્રાણમય શરીરનું આમૂલાગ્ર રૂપાંતર થાય છે. પ્રાણની નબળાઇ, વિસંવાદિતા, ઉચ્છૃંખલતા અને અશુદ્ધિઓ દૂર થાત છે.

આનો અર્થ એમ છે કે પ્રાણાયામના અભ્યાસથી અપસ્મારનું મૂળભૂત કારણ જ દૂર થાય છે.

(2) મગજ અને જ્ઞાનતંતુની નબળાઇ પણ અપસ્મારની બીમારીનું એક કારણ છે તે આપણે જોયું છે. મગજ અને જ્ઞાનતંતુના સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ ઘણો મૂલ્યવાન અભ્યાસ છે. પ્રાણાયામના દીર્ઘ અભ્યાસથી મગજ અને જ્ઞાનતંતુઓ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. આ રીતે પણ પ્રાણાયામના અભ્યાસથી અપસ્મારની બીમારીમાં રાહત મળે છે.

(3) આપણે જોઇ ગયા છીએ કે વાયુનો પ્રકોપ અપસ્મારનું એક કારણ છે. અપસ્માર વાઇનું જ દરદ છે.

પ્રામાયામનો સૌમ્ય અભ્યાસ વાયુના પ્રકોપને શાંત કરવામાં સહાયભૂત બને છે. આમ પ્રાણાયામ અનેક રીતે અપસ્મારની બીમારીમાંથી મુક્ત થવા માટે ઉપકારક બની શકે તેમ છે. હવે પ્રશ્ર્ન એ છે કે અપસ્મારનો દરદી પ્રાણાયામ કરી શકે તેવી સ્થિતિમાં જ ન હોય તો શું કરવું? તેની અપસ્મારની બીમારી એટલે હવે વધી ગઇ હોય કે દરદી પ્રાણાયામ કરી શકે તેમ જ ન હોય તો શું કરવું? આવા સંયોગોમાં બસ્તિ, ઔષધિપ્રયોગ આદિ ઉપાયો દ્વારા અપસ્મારની ચિકિત્સા કરવી. આ ઉપાયો દ્વારા આ દરદનું સ્વરૂપ હળવું બને અને દરદી પ્રાણાયામનો અભ્યાસ કરી શકે તેવી અવસ્થામાં આવે પછી પ્રાણાયામના અભ્યાસનો પ્રારંભ કરાવવો.

3. ઔષધિ-પ્રયોગ:
આયુર્વેદ અને એલોપથી – બંનેમાં અપસ્મારની સારવાર માટેના ઔષધિ-પ્રયોગો છે. આયુર્વેદમાં વાયુનું શમન થાય તેવી દવાઓ આપવામાં આવે છે. એલોપથીમાં પણ અનેક ઔષધિ-પ્રયોગો છે.
યૌગિક ચિકિત્સાની સાથે સૌમ્ય ઔષધિ-પ્રયોગો કરવામાં કાંઇ વાંધો નથી. આ માટે કુશળ ચિકિત્સકના માર્ગદર્શન પ્રમાણે ઔષધિ લેવી જોઇએ.

4. યૌગિક પરામર્શ:
યૌગિક પરામર્શ વિશે અલગ પ્રકરણમાં વિગતવાર વિચારણા થઇ છે. અહીં સંક્ષિપ્ય ઉલ્લેખ પર્યાપ્ય ગણાશે. અપસ્મારના દરદીના મનમાં કોઇક પ્રકારનો સંઘર્ષ હોવાનો સંભવ છે. માનસિક ગૂંચ, સંઘર્ષ, દ્વિધાભરેલી સ્થિતિ, ભય અને અસલામતીની લાગણી, પાપગ્રંથિ આદિ માનસિક તત્ત્વો અપસ્મારના દરદના કારણરૂપે હોઇ શકે છે.

દરદી પરામર્શકની સહાયથી પોતાના જીવનની સમસ્યાઓ અને મનની ગતિવિધિને પારખી શકે તો તેને આ સંઘર્ષમાંથી મુક્ત થવામાં સહાય મળે છે. દરદીની સમજની અવસ્થા હોય અને દરદીનું વલણ સહકારયુક્ત હોય તો પરામર્શકની સહાયથી દરદી પોતાની જાતને, પોતાની સમસ્યાને સમજી શકે છે. સમજના પ્રકાશમાં સમસ્યાઓનું જોર હળવું બને છે. આમ બની શકે તો અપસ્મારના દરદમાંથી મુક્ત થવામાં આ ઉપાય પણ એક મૂલ્યવાન સહાયરૂપ બની શકે તેમ છે.

સમાપન:
અપસ્માર એક મનોરોગ છે, છતાં તેનું સ્વરૂપ વ્યક્તિએ – વ્યક્તિએ ઘણું ભિન્ન હોય છે. આ બીમારીમાં વ્યક્તિગત ભિન્નતા ઘણી હોય છે.

અપસ્મારના દરદીની માનસિક અને શારીરિક અવસ્થા, તેની સમજનું ધોરણ, તેના વ્યક્તિત્વનો ઢાંચો- આવી અનેક બાબતોમાં દરદીની વ્યક્તિગત ભિન્નતાઓ પણ ઘણી હોય છે. શાણા ચિકિત્સક આ વ્યક્તિગત ભિન્નતાને બરાબર સમજીને તદનુરૂપ ઉપાયો યોજે છે. ક્યા દરદી માટે ક્યો ઉપાય ક્યારે અને ક્યા સ્વરૂપે પ્રયોજવો તેનો વિવેક આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે.

14. હિસ્ટીરિયાની યૌગિક ચિકિત્સા
હિસ્ટીરિયાનો રોગ અતિપ્રાચીનકાળથી પ્રચલિત છે. તેમ સૂચવતા ઐતિહાસિક ઉલ્લેખો જોવા મળે છે. પ્રાચીનકાળથી એમ માનવામાં આવતું હતું કે આ રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે, પરંતુ પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં સૈનિકોમાં પણ હિસ્ટીરિયાનાં લક્ષણો જોવા મળ્યાં, ત્યારથી આ ધારણા ખોટી સિદ્ધ થઇ છે. આધુનિક યુગમાં શારકો, બર્નહીમ, બેબીન્સકી, જાનેટ અને ફ્રોઇડ આદિ મનોવૈજ્ઞાનિકોએ હિસ્ટીરિયાના સ્વરૂપને સમજાવવાનો વિશેષ પ્રયત્ન કર્યો છે.

ફ્રોઇડ દમિત કામને હિસ્ટીરિયાનું કારણ ગણાવે છે. પાછળથી ફ્રોઇડના આ સિદ્ધાંતનો બહુ વિરોધ થયો છે. તીવ્ર માનસિક સંઘર્ષને કારણે વ્યક્તિત્વના સંગઠનની માત્રા ખૂબ ઘટી જાય છે. વ્યક્તિત્વનું સંગઠન છિન્નભિન્ન થઇ જાય છે. આ વિકૃતિને હિસ્ટીરિયા કહેવામાં આવે છે. હિસ્ટીરિયાનાં અનેક સ્વરૂપે છે. હિસ્ટીરિયાને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.

1. રૂપાંતરિત પ્રતિક્રિયાઓ:
આ વિકૃતિમાં વ્યક્તિનો તીવ્ર આંતરિક સંઘર્ષ બાહ્ય શારીરિક લક્ષણોરૂપે પ્ર્રગટ થાય છે. આ લક્ષણો શારીરિક બીમારીરૂપે પણ પ્રગટ થાય છે. આ રોગમાં વસ્તુત: દર્દીને કોઇ બીમારી હોતી નથી, પરંતુ વ્યક્તિ જ્યારે આંતરિક સંઘર્ષના વેગને સહન ન કરી ત્યારે તે શારીરિક લક્ષણોરૂપે અભિવ્યક્ત થાય છે, એટલે કે રૂપાંતરિત પ્રતિક્રિયાઓ આવેગાત્મક સંઘર્ષનું રૂપાંતર છે. રૂપાંતરિત પ્રતિક્રિયાઓનાં લક્ષણોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.

(1) સંવેદનાત્મક લક્ષણો:
દર્દી આંખ, કાન કે નાકની શક્તિ ગુમાવી બેસે છે. દર્દી આંધળો, બહેરો કે ઘ્રાણહીન બની જાય છે.  અહીં નોંધનીય બાબત એ છે કે દર્દીની આ જ્ઞાનેન્દ્રિયોગાં કોઇ ખામી નથી હોતી. પરંતુ આંતરિક સંઘર્ષને કારણે તે સંવેદનાની શક્તિ ગુમાવી બેસે છે.
 (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button