માનો યા ના માનોઃ દિલ્હીના સીએમ માટે હવે આ નામ આગળ આવ્યું, જાણો કોણ છે?
નવી દિલ્હીઃ દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) પાસેથી સત્તા મેળવનારા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે મુખ્ય પ્રધાન તરીકે કોની પસંદગી કરવી એના માટે ચર્ચા-વિચારણાનો દૌર ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તરફથી પ્રવેશ વર્માના નામ પર મહોર મારવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા ઐતિહાસિક વિજય પછી સીએમ ફેસ માટે મંથન ચાલુ છે ત્યારે આરએસએસવતી પ્રવેશ વર્માના નામ પર ગ્રીન સિગ્નલ આપ્યું હોવાનું કહેવાય છે ત્યારે સીએમની રેસમાં પ્રવેશ સાહિબસિંહ વર્મા સિવાય અન્ય નામ ચર્ચામાં છે.
અન્ય નામમાં વિજેન્દ્ર ગુપ્તા અને સતીષ ઉપાધ્યાયના નામનો પણ સમાવેશ થાય છે, જ્યારે મહિલા વિધાનસભ્યને પણ તક આપવામાં આવે તો નવાઈ નહીં, એમ પણ સૂત્રોએ દાવો કર્યો હતો. પાર્ટીમાં આ વખતે ચાર મહિલા વિધાનસભ્ય જીતી છે, જેમાં રેખા ગુપ્તા, શિખા રોય, પૂનમ શર્મા અને નીલમ પહેલવાનનો સમાવેશ થાય છે. રેખા ગુપ્તા શાલીમાર બાગ, શિખા રોયે ગ્રેટર કૈલાશથી, પૂનમ શર્મા વજીપુર અને નીલમ પહેલવાને નજફગઢ વિધાનસભાની સીટ પરથી જીત મેળવી હતી.
Also read : દિલ્હીમાં ભાજપ કોને બનાવશે મુખ્ય પ્રધાન, જાણો નવી વ્યૂહરચના?
અહીં એ જણાવવાનું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 48 બેઠક સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો, ત્યારથી હવે દિલ્હીમાં મુખ્ય પ્રધાનનું પદ કોને આપવામાં એના અંગે ચર્ચા બળવત્તર બની છે.