દિલ્હીમાં ભાજપ કોને બનાવશે મુખ્ય પ્રધાન, જાણો નવી વ્યૂહરચના?
![Jammu Kashmir today BJP seat, legislative party leader will be elected](/wp-content/uploads/2024/11/BJP-Flag.webp)
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીના (Delhi Election) પરિણામોએ સતારૂઢ આમ આદમી પાર્ટીનો સફાયો બોલાવતા ભારતીય જનતા પાર્ટીને બહુમત આપ્યો છે. દિલ્લીમાં ભાજપે 27 વર્ષ બાદ સત્તાની દોર મેળવી છે. જ્યારે હવે મુખ્ય પ્રધાનના નામ પર ભાજપમાં મહામંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના આગામી મુખ્ય પ્રધાન ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ હશે. વળી પાર્ટી મહિલા ધારાસભ્યને પણ મુખ્ય પ્રધાન બનાવી શકે છે.
સાંસદ નહિ બને મુખ્ય પ્રધાન
દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીન સફાયા બાદ હવે 27 વર્ષ બાદ સત્તા ભાજપના હાથમાં આવી છે. ચૂંટણીમાં જીત બાદ ભાજપમાં મુખ્ય પ્રધાન પદના નામને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન ફક્ત ચૂંટાયેલા ધારાસભ્યમાંથી જ હશે. કોઈ સાંસદને મુખ્ય પ્રધાન મળે તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.
મહિલા બની શકે છે CM
રાજકીય સૂત્રોએ વધુમાં જણાવ્યુ છે કે આ વખતે એક મહિલા ધારાસભ્યને પણ મુખ્ય પ્રધાન તરીકે રજૂ કરવામાં આવી શકે છે. આ સાથે, કેબિનેટમાં મહિલાઓ અને દલિત સમુદાયના પ્રતિનિધિત્વને પણ પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. ભાજપ દિલ્હી સરકારમાં સમાજના તમામ વર્ગોને ભાગીદારી આપીને વિપક્ષના પ્રચારને ખોટો પાડવાનો પ્રયત્ન કરી શકે છે.
કેજરીવાલને હાર આપનારા બની શકે છે CM
દિલ્હીમાં ભાજપે મહત્વપૂર્ણ જીત મેળવી છે. ભાજપે દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જ હાર આપી છે. ત્યારબાદ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકેની રેસમાં ઘણા નેતાઓના નામની ચર્ચા છે. જેમાં નવી દિલ્હી બેઠક પરથી AAP વડા અરવિંદ કેજરીવાલને હારનો સ્વાદ ચખાડનાર દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાહિબ સિંહ વર્માના પુત્ર પરવેશ સાહિબ સિંહ વર્માનું નામ મોખરે છે.
આ પણ વાંચો : દિલ્હી ચૂંટણીઃ ‘આપ’ અને કોંગ્રેસ અંદરોઅંદર લડતા રહે તો ગઠબંધનની શું જરુર, યુબીટીનો સવાલ
સંઘના કાર્યકર તરીકે સતીશ ઉપાધ્યાયનું નામ
તે ઉપરાંત આપનું વર્ચસ્વ હોવા છતાં 2015 અને 2020 બંનેમાં રોહિણીથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા ભાજપના વરિષ્ઠ નેતા વિજેન્દ્ર ગુપ્તાનું નામ પણ ચર્ચામાં છે. તેમણે દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તે ઉપરાંત આ વખતે CMના ચહેરા તરીકે સતીશ ઉપાધ્યાયનું નામ પણ ચર્ચામાં છે. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ, દિલ્હી યુવા મોરચાના વડા અને NDMCના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી છે. વળી તેમનો સબંધ સંઘ સાથે પણ રહ્યો છે.