પતિની હત્યા કર્યા બાદ બૉયફ્રેન્ડની મદદથી મૃતદેહ ઠેકાણે પાડ્યો: બન્નેની ધરપકડ
![Ahmedabad NRI Murder](/wp-content/uploads/2025/01/Ahmedabad-NRI-Murder.webp)
મુંબઈ: દારૂ પીને મારપીટ કરનારા પતિની ગળું ચીરીને કથિત હત્યા કર્યા બાદ પત્નીએ બૉયફ્રેન્ડની મદદથી મૃતદેહ ઠેકાણે પાડ્યો હોવાની ઘટના મલાડમાં બની હતી. મૃતદેહને ચાદરમાં વીંટી બૉયફ્રેન્ડ સાથે સ્કૂટર પર લઈ જનારી પત્ની સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ હતી, જેને પગલે ચાર કલાકમાં જ પોલીસે ગુનો ઉકેલી બન્નેની ધરપકડ કરી હતી.
માલવણી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ પૂજા ચૌહાણ (30) અને ઈમરાન મોહમ્મદ રિઝવાન તરીકે થઈ હતી. હત્યાના આરોપસર બન્નેની ધરપકડ કરાઈ હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ માલવણીના સોહમ કમ્પાઉન્ડ નજીક નિર્જન સ્થળે શખસનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી રવિવારની વહેલી સવારે પોલીસ ક્ધટ્રોલ રૂમને મળી હતી. માહિતીને આધારે માલવણી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગળું ચીરી શખસની હત્યા કરવામાં આવી હોવાનું જણાતાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
કેસની તપાસ માટે પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. એક ટીમ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી હતી. એક કૅમેરામાં સ્કૂટર પર સવાર મહિલા અને યુવાન મૃતદેહ ઘટનાસ્થળે લઈ જતાં નજરે પડ્યાં હતાં. પોલીસે સંબંધિત દિશામાંના વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં બન્ને જણ ગામદેવી મંદિર પરિસર તરફથી આવ્યા હોવાનું જણાયું હતું. એ વિસ્તારમાં તપાસ કરતાં મૃતકની ઓળખ રાજેશ ચૌહાણ (30) તરીકે થઈ હતી.
આ પણ વાંચો : મુંબઈગરા માટે ખુશખબર, આવી રહી છે નવી ડિઝાઈનની ટ્રેન અને સર્વિસ પણ વધશે
પોલીસ માલવણી ગેટ નંબર-6 સ્થિત રાજેશના ઘરે પહોંચી ત્યારે લોહીના ડાઘ જોવા મળ્યા હતા. પોલીસે રાજેશની પત્નીને તાબામાં લઈ પૂછપરછ કરતાં શરૂઆતમાં તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા, પરંતુ પછી ગુનાની કબૂલાત કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
પૂજાએ પોલીસને જણાવ્યું હતું કે રાજેશને દારૂ પીવાનું વ્યસન હતું. રોજ રાતે દારૂ ઢીંચીને ઘરે આવ્યા પછી તે પૂજાની મારઝૂડ કરતો. પતિના ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભર્યું હતું. રવિવારના મળસકે રાજેશ અને બન્ને સંતાન ભરઊંઘમાં હતા ત્યારે પૂજાએ રાજેશનું ગળું ચીર્યું હતું. પછી તેમની સાથે જ રહેતા રિઝવાનને ઊંઘમાંથી જગાડ્યો હતો. રાજેશના મૃતદેહને ઠેકાણે પાડવા ચાદરમાં વીંટી બન્ને જણ સ્કૂટર પર ઘરેથી 500 મીટરના અંતરે નિર્જન સ્થળે લઈ ગયા હતા. રિઝવાન અને પૂજા એક જ ગામનાં વતની છે. કામની શોધમાં મુંબઈ આવેલો રિઝવાન બે-ત્રણ મહિનાથી પૂજાના ઘરે રહેતો હતો અને તે ભાઈ જેવો હોવાનું પૂજાએ પતિને કહ્યું હતું.