ગાંધીનગર

કૃષિ ક્ષેત્રના વિકાસને મળી નવી દિશા: ગુજરાતમાં કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે 3,900 કરોડની સહાય

ગાંધીનગર: ભારતીય અર્થવ્યવસ્થામાં કૃષિ ક્ષેત્ર તેની કરોડરજ્જુ સમાન છે. દેશના ખેડૂતો લઘુત્તમ નુકશાન સાથે મહત્તમ આવક મેળવી શકે તે માટે અનેકવિધ નવતર પહેલો કરવામાં આવી છે. દેશના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા વર્ષ 2020માં ફાર્મ-ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 1 લાખ કરોડ સાથે “એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (AIF)” યોજનાની જાહેરાત કરી હતી, જે વર્ષ 2033 સુધી અમલમાં રહેશે. આ યોજના હેઠળ કૃષિ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ભારત સરકારની આ યોજનાનું ગુજરાતમાં સફળ અમલીકરણ થઇ રહ્યું છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ યોજના હેઠળ પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તથા એગ્રો પ્રોસેસિંગ જેવા વિવિધ એગ્રી ઈ‌ન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસને રૂ. 2 કરોડ સુધીની તમામ લોન ઉપર વાર્ષિક 3 ટકાની વ્યાજ સહાય, મહતમ 7 વર્ષ સુધીની મર્યાદામાં આપવામાં આવે છે.

રાજ્યમાં AIF અંતર્ગત 3500 પ્રોજેક્ટ્સને મંજૂરી

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે AIF અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના 3500 પ્રોજેક્ટ્સ માટે રૂ. 3900 કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં 643 સોર્ટીંગ અને ગ્રેડિંગ યુનિટ, 585 વેરહાઉસ, ૫૫૫ કસ્ટમ હાયરીંગ સેન્ટર, 540 પ્રાયમરી પ્રોસેસિંગ યુનિટ તેમજ 236 જેટલા કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઈનના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

AIF એક્સેલન્સ એવોર્ડ સમારોહ

કૃષિ પ્રધાને ઉમેર્યું કે, તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે “AIF એક્સેલન્સ એવોર્ડ સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ યોજનાના સફળ અમલીકરણ અને ઉત્કૃષ્ટ કામગીરીમાં ગુજરાત રાજ્ય પાંચમા ક્રમે આવતા કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડી-ગરમી માટે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી શું કહે છે, જાણો?

કોને મળી શકે લાભ?

અત્રે ઉલ્લેખનીય છે કે, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પ્રોસેસિંગ યુનિટ્સ અને અન્ય કૃષિ સંબંધિત માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે આ યોજનાનો લાભ – ખેડૂતો, કૃષિ ઉધોગ સાહસિકો, સ્વસહાય જુથો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, માર્કેટિંગ સહકારી મંડળીઓ (APMC) તેમજ અન્ય સંબંધિત સંસ્થાઓ લઇ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button