ભક્તો ભડક્યા: ગણેશમંડળો-મૂર્તિકારો સત્તાવાળાઓ સામે જનઆંદોલન કરશે કોેર્ટે ચીપિયો પછાડ્યો, બીએમસી ગભરાયું…
ગણપતિ બાપ્પાનું વિસર્જન અટવાયું પીઓપીની મૂર્તિઓનું વિસર્જન નહીં કરવા દેવા પર અદાલતના ડરે સુધરાઈ મક્કમ: મલાડ, કાંદિવલી સહિતના ઉપનગરોની બાવીસ ગણેશમૂર્તિઓ સાત દિવસે વિસર્જન ન થતા મંડપમાં પાછી લઈ જવાય:
![The POP idol could not be immersed during the Maghi Ganeshotsav](/wp-content/uploads/2025/02/ThePOPidolcouldnotbeimmersedduringtheMaghiGaneshotsa-ezgif.com-resize.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માધી ગણેશ જયંતિ નિમિત્તે સ્થાપના કરવામાં આવેલી સાત દિવસની અનેક ગણેશમૂર્તિઓના વિસર્જન હજી સુધી થઈ શક્યું નથી. આ મૂર્તિઓ પ્લાસ્ટ ઓફ પેરિસ (પીઓપી)ની બનાવવામાં આવેલી હોવાથી પોલીસ અને સુધરાઈએ તેના માર્વે બીચ પર વિસર્જન કરતા રોકી દીધા હતા. તેથી આ મૂર્તિઓ હવે પાછી ગણેશમંડપમાં તેના સ્થાપના સ્થળ પર કપડું ઢાંકીને મૂકી દેવામાં આવી છે. ગણેશભક્તો અને મંડળોમાં પ્રશાસન સામે ભારે નારાજગી છે. પાલિકા આ બાબતે મૌન ધારણ કરીને બેઠી છે જ્યારે આ બાબતે ગણેશમંડળોમાં વિરોધનો વંટોળ જાગ્યો છે. હવે ગણેશમંડળો તથા મૂર્તિકારોેએ રાજ્ય સરકારને આ બાબતે જનઆંદોલન કરીને ઘેરવાનું નક્કી કર્યું છે.
Also read : ચૂંટણી પહેલાં પોલીસ કર્મચારીઓની બદલીને હાઈ કોર્ટે યોગ્ય ઠેરવી
પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશમૂર્તિના વિસર્જનમાં વિધ્ન આવી ગયું છે ત્યારે રવિવારે પરેલમાં મૂર્તિકારોની એક બેઠક યોજાઈ હતી. ગણેશમૂર્તિકાર સંઘટનના અધ્યક્ષ પ્રશાંત દેસાઈએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે હાઈ કોર્ટે તો પીઓપી પર પ્રતિબંધ મૂકી દીધો પણ તે પહેલા પાલિકા, પોલીસ હોય કે કોર્ટ કે કોઈ પણ ઓથોરિટીે મૂર્તિકારોને વિશ્ર્વાસમાં લીધા નહોતા. અમને સાંભળ્યા વિના પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે માધી ગણેશજયંતિ નિમિત્તે સ્થાપવામાં આવેલી ઉપનગરમાં મલાડ, કાંદિવલી સહિત ઉપનગરમાં બાવીસ મંડળોની પીઓપીની ગણેશમૂર્તિના વિસર્જન કોર્ટના આદેશને પગલે થઈ શક્યા નથી. આ તમામ મંડળોની મૂર્તિ ફરી પાછી મંડપમાં મૂકી દેવામાં આવી છે.
પ્રશાસન તરફ નારાજગી વ્યક્ત કરતા પ્રશાંત દેસાઈએ વધુમાં કહ્યું હતું કે સાત દિવસના ગણપતિની મૂર્તિનું વિસર્જન થયું નથી અને હવે ૧૧ દિવસના ગણેશમૂર્તિના વિસર્જનનો સમય પણ આવી ગયો છે. અમે હવે આ મુદ્દે રાજ્ય સરકાર પાસે મદદની અપીલ કરવાના છીએ. મુખ્ય પ્રધાનને રવિવારે આ બાબતે પત્ર લખ્યો હતો અને હવે સોમવારે પણ ફરી મુખ્ય પ્રધાનને આ બાબતે ઘટતું કરવાની અપીલ કરવાના છીએ. જો સરકાર અમારી પડખે નહીં આવી તો અમે જનઆંદોલન કરવાનો નિર્ણય લીધો છે અને આ આંદોલન અમારું કાંદિવલીથી શરૂ થશે.
મલાડ, કાંદિવલી સહિત પશ્ર્ચિમ ઉપનગરમાં લગભગ બાવીસ મંડળોની પીઓપીની મૂર્તિના વિસર્જન અટકી ગયા છે. કાંદિવલી ચારકોપમાં આવેલા ગણેશમંડળમાં છેલ્લા ૧૦ વર્ષથી માધી ગણેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંડળના પદાધિકારીના જણાવ્યા મુજબ આ વર્ષે પણ સાત દિવસના માધી ગણેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા બાદ સાતમા દિવસે ગણેશમૂર્તિનું વિસર્જન કરવા માટે તેને માર્વે લઈ જવામાં આવી રહી હતી. જોકે પોલીસ દ્વારા અમને માર્વેમાં વિસર્જન માટે રાતના સમયે જતા અટકાવવામાં આવ્યા હતા.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
પોલીસના કહેવા મુજબ અમે માર્વેને બદલે અન્ય કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવું. અમે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા માગતા નથી. પરંતુ જયારે પીઓપીની મૂર્તિ બનાવવામાં આવી ત્યારે જ પાલિકા દ્વારા કે સરકારે કે અન્ય ઓથોરિટી દ્વારા અટકાવવામાં કેમ આવ્યા નહીં? હવે જ્યારે મૂર્તિ બનીને તહેવારની ઊજવણી થઈ ગઈ છે અને વિસર્જનનો સમય આવ્યો છે ત્યારે અમને વિસર્જન કરતા અટકાવવામાં આવ્યા છે તે અયોગ્ય કહેવાય. અમારા મંડળની મૂર્તિ અમે પાછી અમારા મંડપમાં લઈ આવ્યા છીએ. અમે પરંપરાગત રીતે મૂર્તિનું વિસર્જન કરવા માગીએ છીએ. હવે તે રાજ્ય સરકાર અને પાલિકાની જવાબદારી છે કે અમે મૂર્તિનું પરંપરાગત રીતે કેવી રીતે વિસર્જન કરીએ છીએ.
પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ માધી ગણેશોત્સવ માટે છ જાન્યુઆરી, ૨૦૨૫ના નિયમ મુજબ મંડળોને મંજૂરી આપતા સમયે તેમને સૂચનાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં મંડળો પાસેથી પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)નો ઉપયોગ નહીં કરવાનું લેખિતમાં પણ લેવામાં આવ્યું હતું. હાઈ કોર્ટના આદેશ મુજબ પીઓપીની મૂર્તિઓના વેચાણ અને નૈસર્ગિક જળસ્રોતમાં વિસર્જન પર પ્રતિબંધ છે.
Also read : મુંબઈગરા માટે ખુશખબર, આવી રહી છે નવી ડિઝાઈનની ટ્રેન અને સર્વિસ પણ વધશે
મૂર્તિઓના વિસર્જન માટે વોર્ડ સ્તરે કૃત્રિમ તળાવ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે. આર-મધ્ય વોર્ડ ગોરાઈ જેટ્ટીમાં નૈસર્ગિક વિસર્જન સ્થળ પર પ્રતિબંધ હોવાને કારણે મહારાણા પ્રતાપ ઉદ્યાન અને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં કૃત્રિમ વિસર્જન સ્થળ ઉલબ્ધ કરી આપવામાં આવ્યાં છે. કૃત્રિમ તળાવના વિસર્જન સ્થળો ૧૧ દિવસના વિસર્જન બાદ પણ વધુ બે દિવસ માટે ચાલુ રાખવાની સૂચના તમામ ડેપ્યુટી કમિશનરોને આપવામાં આવી છે.