ધર્મતેજ

શાસ્ત્રોમાં એવાં સ્નાનનો એટલો મહિમા કેમ?


વિશેષ -રાજેશ યાજ્ઞિક

અમારા એક મિત્ર વિદેશમાં ગયા ત્યાં કોઈએ તેમને પ્રશ્ન કર્યો કે તમારા ધર્મમાં વાત વાતમાં નાહવાનું કેમ આવે છે?! પૂજા કરતા પહેલા નાહવાનું, મંદિરમાં જતાં પહેલા નાહવાનું, સ્મશાનમાં જઈને આવો ત્યારે નાહવાનું, મૃતકના ક્રિયા-કર્મ કરો તો નાહવાનું, ગ્રહણ પતે તો નાહવાનું…ઠેકઠેકાણે નાહવાનું વિધાન છે. આવું કેમ? વાત તો વિચારવા લાયક છે. અત્યારે કુંભમાં સ્નાનની ખૂબ ચર્ચા થઇ રહી છે, ત્યારે આ સવાલ વધુ સુસંગત પણ છે. સનાતન ધર્મનું નિષ્ઠા પૂર્વક પાલન કરનાર ઘણાએ આ વાત પર ક્યારેય ચિંતન નહિ કર્યું હોય. શાસ્ત્રો પ્રમાણે સ્નાન એ શૌચની એક મહત્ત્વપૂર્ણ ક્રિયા છે.

શૌચનો અર્થ શું?
આજે તો આપણે મળ-મૂત્રના ત્યાગને જ શૌચ સમજી લીધું છે. અવશ્ય એ પણ શૌચ જ છે. પરંતુ ધર્મ અને શાસ્ત્રો અનુસાર શૌચ તેનાથી પણ વધુ ગહન અર્થ ધરાવે છે. શૌચ અર્થાત શુચિતા, શુદ્ધતા, નિર્મળતા, પવિત્રતા. તેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સ્વચ્છતા પણ સામેલ છે. પણ તેનો અર્થ એ નથી કે આપણા શાસ્ત્રો માત્ર શારીરિક શુદ્ધિની વાત કરતા હોય. શૌચમાં બાહ્ય અર્થાત શારીરિક શુદ્ધિની સાથે અભ્યન્તર અર્થાત આંતરિક શુદ્ધિને પણ મહત્ત્વ અપાયું છે. બાહ્ય શુદ્ધિ સાબુ, માટી, પાણીથી થાય છે અને આંતરિક શુદ્ધિ આસક્તિ, દ્વેષ, વાસના વગેરે દૂર કરવાથી થાય છે. જેમનું બાહ્ય શુદ્ધિકરણ થાય છે તેમને આંતરિક શુદ્ધિકરણમાં મદદ મળે છે.

શૌચ એ ધર્મનું કેટલું મહત્ત્વનું અંગ છે તે એ વાતથી પણ ફલિત થાય છે કે અનેક શાસ્ત્રોમાં ધર્મના લક્ષણોમાં શૌચનો ઉલ્લેખ કરાયો છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કય, શ્રીમદ્ ભાગવત, મહાભારત, પદ્મપુરાણ, દિગમ્બર જૈનોના દસલક્ષણી ધર્મમાં પણ શૌચને ધર્મનું આવશ્યક અંગ કહેવાયું છે. મહર્ષિ પતંજલિ પણ શૌચ વિશે બહુ મહત્ત્વપૂર્ણ વાત કરે છે. તેઓ કહે છે કે, શરીરને શુદ્ધ રાખવાથી વૈરાગ્યનો જન્મ થાય છે. આપણને ચોક્કસ એ પ્રશ્ન થાય કે શરીરનું શુદ્ધિકરણ કરવાથી વૈરાગ્ય કેવી રીતે જાગે? જ્યારે આપણે શરીર શુદ્ધિની પ્રક્રિયા કરીએ ત્યારે ગંદકી બહાર નીકળે છે. જેમકે, આંખમાંથી, નાકમાંથી, કાનમાંથી મેલ નીકળે છે. મળ, મૂત્ર, ગળા-છાતીમાંથી કફ, ચામડીમાંથી પણ મેલ નીકળે છે. શૌચ ક્રિયાથી જ આપણને આપણામાં રહેલી ગંદકીનું જ્ઞાન થાય છે. એ પણ સમજાય છે કે અન્યોના શરીરમાં પણ આવી ગંદકી જ હોય છે. તેથી, ‘શૌચાત સ્વાન્ગજુગુપ્સા પરૈરસંસર્ગ:’ પોતાના શરીર પ્રત્યે અહમ અને અન્યના શરીર પ્રત્યે વિકાર ભોગવવાની મમતા, બંને શિથિલ થાય છે. જે રીતે શરીરની શુદ્ધિ માટે પ્રક્રિયા થાય તેમ મનની શુદ્ધિ માટે પણ શૌચ કર્મ કરવા શાસ્ત્રો કહે છે. મનુસ્મૃતિમાં મન, બુદ્ધિ અને આત્માની શુદ્ધિ માટે ઉપાય બતાવ્યા છે, તે મહત્ત્વપૂર્ણ છે. પાણી શરીરને શુદ્ધ કરે છે, સત્ય મનને શુદ્ધ કરે છે, જ્ઞાન અને તપ આત્માને શુદ્ધ કરે છે અને જ્ઞાન બુદ્ધિને શુદ્ધ કરે છે.

ધર્મમાં બતાવેલ વાતોને કેટલાક માત્ર અંધશ્રદ્ધા કહીને નકારી કાઢે છે. પણ આપણા શાસ્ત્રકારોએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખીને જ આચારો દર્શાવ્યા છે. આપણે સ્નાન કરવા વિશે વાત કરીએ છીએ; એટલે ઉદાહરણ તરીકે અંતિમ સંસ્કારમાં જઈ આવ્યા પછી સ્નાન કરવાની પરંપરા છે. ઘણા કહે છે સ્નાન ન કરીએ તો શું ફરક પડે છે? પણ જો વિજ્ઞાનની વાત માનીએ તો મૃતકના શરીરમાં અનેક પ્રકારના ઈન્ફેક્શન ફેલાઈ જવાની શક્યતા રહે છે, તેથી એવું માનવામાં આવે છે કે અંતિમ સંસ્કાર પછી ઘરે આવીને સ્નાન કરવું જોઈએ જેથી શરીરમાં કોઈ ચેપ ન લાગે.

આપણે તીર્થસ્થળોએ ગરમ પાણીના ઝરામાં સ્નાન કરીએ છીએ, અથવા તો કોઈ તીર્થમાં નદીઓના ઠંડા નીરમાં સ્નાન પણ કરીએ છીએ. થાળ કે ગરમ સ્નાનના ફાયદા વિજ્ઞાન પણ વર્ણવે છે. આરામ માટે ગરમ સ્નાન લેવાની ક્રિયાને હાઇડ્રોથેરાપી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ પ્રાચીન સંસ્કૃતિના સમયથી કરવામાં આવે છે. 32 ડિગ્રી જેટલા ગરમ પાણીમાં હાઈડ્રોથેરાપી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે. તે સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિસોલ અને એલ્ડોસ્ટેરોનનું ઉત્પાદન પણ ધીમું કરી શકે છે. ગરમ સ્નાન તમને થોડો સરળ શ્વાસ લેવામાં પણ મદદ કરી શકે છે. અભ્યાસ કહે છે કે જ્યારે છાતીને ગરમ પાણીમાં ડૂબવામાં આવે ત્યારે ઓક્સિજન પરિવહનમાં સુધારો થાય છે. આ તમામ પરિબળો સ્નાયુ તણાવ અને માનસિક તણાવ ઘટાડવા માટે ઉપયોગી થાય છે.

તો, ઠંડા પાણીએ સ્નાન કરવાના ફાયદા પણ વિજ્ઞાન બતાવે છે. ઠંડા પાણીનું સ્નાન સ્નાયુ પુન:પ્રાપ્તિમાં મદદ કરી શકે છે, પીડાને દૂર કરવામાં મદદ કરી શકે છે, તમારા મૂડને બુસ્ટ કરી શકે છે. તેથી ધર્મના આચારોને સીધા નકારી કાઢવાને બદલે ધર્મમાં શા માટે કોઈ આચરણ કહ્યા છે તેનો અભ્યાસ કરીએ તો જ્ઞાનના નવા દરવાજા અવશ્ય ખુલે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button