કુંભના મેળાથી પીડાકારક દૂરી
![Devotees at a distance from Kumbh Mela, expressing longing and spiritual pain.](/wp-content/uploads/2025/02/painful-distance-kumbh-mela-spiritual-struggle.webp)
ચિંતન -હેમુ ભીખુ
આમ તો આ બહાનું છે કે કુંભના મેળામાં જઈ શકવાની સંભાવના નથી. દ્રઢ ઈચ્છાશક્તિ હોય, સ્પષ્ટ હેતુ હોય, ગુરુદેવના માર્ગદર્શન માટે વિશ્વાસ હોય અને ઈશ્વરને પામવાની અપાર શ્રદ્ધા હોય તો માર્ગ તો નીકળે જ. એ સિવાય બધાં જ બહાનાં. જવું જ હોય તો અત્યારે જ ચંપલ પહેરીને નીકળી જવાનું, આગળનો બધો જ રસ્તો પ્રશસ્ત થતો જશે.
કુંભના મેળા સુધી પહોંચવું જ હોય તો વિવિધ પ્રકારની સગવડતા માટેની ઈચ્છાને બાજુમાં મૂકી દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ જવાનું. સમગ્ર બ્રહ્માંડમાંથી આવેલા મહાત્માઓને મળવું જ હોય તો તે માટેનો પુરુષાર્થ વિના વિલંબે પ્રારંભ કરવાનો. પરમ સત્યને જાણવાની તત્પરતા હોય તો પ્રપંચ સમાન સંસારથી દૂર જવા માટેની માનસિકતા દ્રઢ કરવાની. શક્ય છે, કુંભના મેળા સુધી પહોંચવું શક્ય છે.
કેવો ભવ્ય માહોલ હશે તે જાણકારીનો વિષય નથી, એ માહોલમાં તો પ્રવેશ કરવાનો હોય. ત્યાં કેવી દિવ્ય અનુભૂતિ થઈ શકે તે પ્રતીત કરવાં ત્યાં જ જવું પડે. તે પ્રકારની માહિતી એકત્રિત કરીને, તેના વિશે જાણીને કશું પ્રાપ્ત ન થાય. આ માહોલમાં સંમિલિત થઇ તે સાક્ષાત્કાર કરવાનો વિષય છે. આ તો ત્યાં પહોંચીને, જાતે તેનો એક ભાગ બની ત્યાંની સાત્વિક સમગ્રતાને પામવાની તક છે. તક ગુમાવવી હોય તો બહાનું મળી રહેશે, અને તક ઝડપી લેવી હોય તો કારણો મળી જશે.
અલખની ધૂણી ધખાવીને જીવનને અલખ સાથે એકાકાર કરવાનો પ્રયત્ન કરનાર અવધૂત કેવાં હશે. હિમાલય કે ગિરનારની કોઈ ગુફામાં વર્ષોથી સાધના કરનાર વ્યક્તિ ક્યા સ્વરૂપે કુંભમેળામાં હાજરી આપતી હશે. આત્માનો સાક્ષાત્કાર કરી અસ્તિત્વને શૂન્યમાં સ્થાપિત કરવા સમર્થ તે યોગી કઈ અપેક્ષાએ અહીં મેળામાં આવતાં હશે.
ઈશ્વરની ભક્તિને સંપૂર્ણતામાં પામી, તે માટે સંપૂર્ણતામાં સમર્પિત રહેનાર ભક્ત કોના દર્શન માટે ત્યાં આવતા હશે. સંપૂર્ણ રીતે પવિત્ર થઈ જનાર મહાપુરુષ પણ કઈ ઈચ્છાથી ત્યાં ગંગામાં ડૂબકી લગાવતા હશે. એકાંતને કાયમનો સાથી બનાવનાર તે એકાંતી અહીંની લાખોની ભીડ વચ્ચે કેવી રીતે એકાંત જાળવી રાખતા હશે. પરમના સાંનિધ્યમાં રહેનાર તે મહાત્મા અહીં કોના સાનિધ્યની અપેક્ષાએ હાજર થતા હશે.
દુનિયાના વ્યવહારથી સાવ જ અલિપ્ત રહેનાર અહીં આટલા વિશાળ વ્યવહાર તથા આયોજનમાં કેવી રીતે ગોઠવાઈ જતા હશે. શરીરના દરેક ધર્મથી કાયમ માટે મુક્ત રહેનાર કુંભમેળામાં આવીને શરીરના ધર્મોનું કેવી રીતે આચરણ કરતાં હશે. કશે પણ જવાં માટે જેમને કોઈપણ માધ્યમની જરૂર ન હોય તે સર્વગામી કયા માધ્યમના સહારે ત્યાં ઉપસ્થિત થતા હશે. સમાજ સમક્ષ પ્રગટ થવાની જેમને ક્યારેય અભિલાષા ન હોય તેવાં અલિપ્ત કેમ આટલી મોટી સંખ્યામાં એક જ સ્થળે એકત્રિત થતા હશે. પાખંડ, અસત્ય, અધર્મ તથા પ્રપંચનો સદાય અસ્વીકાર કરનાર સંતજન અહીં ચોક્કસ પરિસ્થિતિને કેવી રીતે ચલાવી લેતા હશે. આ બધું જાણવા માટે કુંભના મેળે જવું જ પડે.
ત્યાં આવનાર દરેક બાબાજી જાતજાતના લોકો વચ્ચે પોતાની બ્રહ્મ-ઓળખ, પોતાની શાશ્વત સ્થિતિ, પોતાની પરમ દિવ્યતા, પોતાનો જ્ઞાનયુક્ત સંતોષ, પોતાની નિજાનંદ મસ્તી, પોતાનો આધ્યાત્મિક પુરુષાર્થ, પોતાની નિર્લેપ તટસ્થતા, પોતાનો નિર્મળ સ્વ-ભાવ, પોતાનું પરિપક્વ ધ્યાન, પોતાનો સંયમિત વિવેક, પોતાની પાવક પવિત્રતા, પોતાની અપાર કરુણા તથા પોતાની અકલ્પનીય દિવ્યતા કેટલી સહજતાથી જાળવી રાખતાં હશે.
સમગ્ર સમાજ સાથે વિશેષ પ્રકારનો શાબ્દિક કે અશાબ્દિક સંવાદ સ્થાપવા સાથે સાથે તે બધાથી અલિપ્તતા જાળવી રાખવાની તેમની ક્ષમતા કેટલી ભવ્ય અને દિવ્ય હશે. લાખોની મેદની વચ્ચે ક્યાંક તેઓ પણ નવી આશાનું કિરણ શોધતાં હશે. કુંભનો આ મેળો કદાચ તેમની માટે ઊર્જાના નવાં સંચાર માટે કે સતત ઊર્જાયુક્ત સ્થિતિમાંથી થોડો વિરામ મળે તે માટે પણ હોઈ શકે. વાસ્તવિકતા શું છે એ તો, તેમના સંપર્કમાં આવ્યા પછી, તેમની કૃપા હોય તો જ જાણમાં આવે. તેની માટે પણ ત્યાં કુંભના મેળામાં ત્યાં જવું જ રહ્યું.
આ બધું જાણવાની તાલાવેલી હોય, આ બધું જ સમજવાની જિજ્ઞાસા હોય તે સ્વાભાવિક છે. આ બધું જ જાતે જોવાની તમન્ના હોય, ત્યાંની પરિસ્થિતિ, ત્યાંના માહોલની અંદર પ્રવેશ કરી ઘણા બધા પ્રશ્નોના નિરાકરણ માટેની તૈયારી હોય તે પણ સ્વાભાવિક છે. છતાં પણ પગ રોકાઈ જાય છે. છતાં પણ શરીર આગળ નથી થતું. છતાં પણ મન પોતાને મનાવીને બેસી જાય છે. છતાં પણ જાતનું ઉપરાણું લેવાની આદત છૂટતી નથી. છતાં પણ પોતાની નિષ્ક્રિયતાને યોગ્ય સાબિત કરવાનો અભિગમ દૂર થતો નથી. એમ લાગે છે કે ઈચ્છાથી જ આ મહાન તક જતી કરવામાં આવે છે. એ વાત સાચી છે કે મન હોય તો કુંભમેળે જવાય.
ત્યાં કોણ કયું સ્વરૂપ ધારણ કરીને ત્યાં આવશે તે વિશે કોઈ અનુમાન ન થઈ શકે. કોઈક સ્વરૂપ તો તમારી પ્રકૃતિને અનુરૂપ હોવાનું જ. ક્યાંક તે બધા સિદ્ધપુરૂષોને પણ કોઈકની તલાશ હશે. તેમને પણ કોઈકને દર્શન આપવાની અભિલાષા હશે. કદાચ તે વ્યક્તિ તમે પણ હોવ. સંભાવના તો દરેક માટે છે. શરીરનું ઉપરાણું લેવું છે, સંસાધનો અને સામર્થ્ય હોવા છતાં મંડાણ નથી કરવું, અને પછી પરિસ્થિતિ અનુકૂળ નથી એમ કહી પરિસ્થિતિનો વાંક કાઢવો છે. સંજોગો પ્રતિકૂળ છે એમ કહી ખૂણામાં બેસી રહેવાથી ન કોઈ શંકાનું નિરાકરણ થાય કે ન કોઈ નવી દિવ્ય સંભાવના સ્થાપિત થાય. મળેલી તક ગુમાવાય નહીં. જો આ તક જતી રહેશે તો, ખબર નથી કે જીવનમાં બીજી તક મળશે કે નહીં. પાછળથી થનારો વસવસો વ્યર્થ છે.
પરિસ્થિતિ પીડા આપે છે. ખબર નથી પડતી કે કુંભના મેળે જવાશે કે નહીં. અદમ્ય ઈચ્છા છે પરંતુ તે ફળીભૂત થશે કે કેમ તે વિશે શંકા છે. સરવાળે એક જ વાત કહી શકાય કે દ્રઢ ઈચ્છાશક્તિનો અભાવ છે, પરિસ્થિતિનો વાંક કાઢવો યોગ્ય નથી.