ધર્મતેજ

વિષ્ણુ એટલે અખિલ બ્રહ્માંડના નિયંતા


અલૌકિક દર્શન -ભાણદેવ

ભગવાન વિષ્ણુના મસ્તકની ચારે તરફ પ્રકાશનું વર્તુળ છે. પ્રકાશવર્તુળ દ્વારા ચતુર્થ પરિમાણ સૂચિત થાય છે. આ સ્થૂળ જગત ત્રિપરિમાણયુક્ત જગત છે. આ ત્રિપરિમાણયુક્ત જગતથી જે પર છે તે ચતુર્થ પરિમાણમાં છે તેમ કહી શકાય. ભગવાન વિષ્ણુની ચેતના આ ચતુર્થ પરિમાણની ચિન્મય ચેતના છે તેમ આ પ્રકાશવર્તુળથી સૂચિત થાય છે. ભગવાન વિષ્ણુ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ-ત્રણે ભૂમિકાથી પર છે, તેથી તેમને તુરીય-તત્ત્વ પણ કહેવામાં આવે છે. પ્રકાશવર્તુળ દ્વારા આ તુરિયાવસ્થા પણ સૂચિત થાય છે.

ભગવાન વિષ્ણુની છાતી પર એક ઊભી રેખાનું ચિન્હ છે. તેને શ્રીચિન્હ્ કે શ્રીવત્સ કહે છે. ભગવાન વિષ્ણુ શ્રીપતિ છે, અર્થાત્ મહાલક્ષ્મીના અધિપતિ છે. મહાલક્ષ્મી વિષ્ણુની અભિન્ન શક્તિ છે. મહાલક્ષ્મી આ ચિન્હ્રૂપે ભગવાન વિષ્ણુની છાતી પર બિરાજમાન છે. આ શ્રીવત્સ દ્વારા એમ સૂચિત થાય છે કે ભગવાન શ્રીવિષ્ણુ પોતાની મહાશક્તિ મહાલક્ષ્મીને પોતાના સ્વરૂપમાં, પોતાના હૃદયમાં જ ધારણ કરે છે. વિષ્ણુની શક્તિ શ્રીવિષ્ણુથી અભિન્ન છે.ભગવાન વિષ્ણુના ગળામાં વૈજયંતીમાળા શોભાયમાન છે. આ વૈજયંતીમાળા વિષ્ણુનું સદાવિજયી સ્વરૂપ સૂચિત કરે છે. સ્વરૂપત: જ માળા વિજયનું પ્રતીક છે.

માળા માટે એક શબ્દ ‘હાર’ છે. જે હારે છે તે વિજયીના ગળામાં હાર પહેરાવી પોતાની હાર કે શરણાગતિ સ્વીકારે છે અને જેના ગળામાં હાર પહેરાવે છે તેનો વિજય માન્ય કરે છે. ભગવાન વિષ્ણુના ગળાની માળાનું નામ જ વૈજયંતી છે. અર્થાત્ ભગવાન વિષ્ણુ સદાવિજયી અને સર્વવિજયી છે. વિષ્ણુ સર્વોચ્ચ શક્તિ છે. અન્ય કોઈ તત્ત્વ તેને અતિક્રમી શકે નહીં, તેને પરાસ્ત કરી શકે નહીં. વિષ્ણુ ભગવાનની આ સર્વોચ્ચતા દર્શાવતી વૈજયંતીમાળા તેમના ગળમાં સદા શોભાયમાન રહે છે.

ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ આકાશવિહારી અને તીવ્રગતિમાન પક્ષી છે. ગરુડની ગતિ ઊર્ધ્વગતિ ગણાય છે. વિષ્ણુના વાહન ગરુડના પગમાં સર્પ પણ છે. ગરુડની ઊર્ધ્વ ગતિ દ્વારા પ્રાણ કે ચેતનાની ઊર્ધ્વગતિ સૂચિત થાય છે. સર્પ પ્રાણ કે ચેતનાની નિમ્નગતિનું પ્રતીક છે. નિમ્નગામિની ચેતના (સર્પ)ને નિયંત્રણમાં લઈને ઊર્ધ્વગામિની ચેતના જ્યારે ઊર્ધ્વગતિ કરે ત્યારે તે ચેતનામાં વિષ્ણુતત્ત્વ પ્રગટે છે, ત્યારે ગરુડ પર વિષ્ણુ આરૂઢ થાય છે.

સર્પને પગમાં લઈને ગરુડ જ્યારે આકાશમાં ઊડે ત્યારે તે વિષ્ણુનું વાહન બને છે. આ ઘટના દ્વારા એમ સૂચિત થાય છે કે નિમ્નગામિની ચેતના કે પ્રાણની ગતિ ઊર્ધ્વગામી સિદ્ધ થાય ત્યારે તે ચેતના વિષ્ણુચેતનાના પ્રાગટ્ય માટે ઉપર્યુક્ત ચેતના છે, ત્યારે તે વિષ્ણુનું વાહન બને છે. આ રીતે પગમાં સર્પ લઈને આકાશમાં ઊડતા ગરુડ દ્વારા એક મૂલ્યવાન આધ્યાત્મિક સત્ય પ્રગટ થાય છે. આપણે જોયું કે વિષ્ણુના સ્વરૂપનાં અનેક લક્ષણો દ્વારા અનેકવિધ આધ્યાત્મિક સત્યો વ્યક્ત થાય છે. ભગવાન વિષ્ણુની પરમોચ્ચ ચેતનાની લાક્ષણિકતાઓ પણ આ લક્ષણો દ્વારા સાંકેતિક સ્વરૂપે અભિવ્યક્ત થાય છે.

આનો અર્થ કોઈ એમ ન સમજે કે વિષ્ણુનું સ્વરૂપ એક સાંકેતિક કલ્પના કે કવિકલ્પના છે. આપણે ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ જાણીએ છીએ તે કોઈ પ્રતિભાવાન ચિત્રકાર કે શિલ્પકારની માત્ર મન:કલ્પના છે તેવું નથી.

ભગવાન વિષ્ણુનું આ શંખ-ચક્ર-ગદા-પદ્મધારી ચતુર્ભુજ સ્વરૂપ એક સત્ય છે. ભગવાન વિષ્ણુનું આ સાકાર સ્વરૂપ
પણ તેટલું જ સત્ય છે, જેટલું સત્ય તેમનું નિરાકાર સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ, સર્વવ્યાપી સ્વરૂપ એક અબાધિત સત્ય છે, તે જ રીતે તેમનું સગુણ-સાકાર સ્વરૂપ પણ અબાધિત સત્ય છે.

ભગવાન વિષ્ણુનું આ સગુણ-સાકાર સ્વરૂપ ક્યાં છે? તે સ્વરૂપે તેમના નિત્યધામ વૈકુંઠમાં નિત્ય સ્વરૂપે તો છે જ, પરંતુ ગમે તે સ્થાને, ગમે તે સમયે તે પ્રગટ પણ થાય છે, તેથી તેઓ સર્વગામી ગણાય છે.ભગવાન વિષ્ણુનું આ વૈકુંઠધામ અને તેમનું સગુણ-સાકાર સ્વરૂપ કયા સ્થાનવિશેષમાં છે? તેઓ ક્યાં બિરાજમાન છે?

આ પ્રશ્ર્નનો ઉત્તર, સમજણની સરળતા માટે વિભાગપૂર્વક રજૂ કરવામાં આવે છે:

1. ભગવાન વિષ્ણુનું વૈકુંઠધામ અને તેમનું સગુણ-સાકાર સ્વરૂપ આ ત્રિપરિમાણયુક્ત-સ્થૂળ, સૂક્ષ્મ કે કારણજગતમાં નથી.

2. તેમનું સ્થાન આ બ્રહ્માની રચેલી સૃષ્ટિમાં નથી.

3. તેમનું સ્થાન સ્થૂળ, સૂક્ષ્મ અને કારણજગતથી પર, બ્રહ્મલોકથી પણ પર ત્રિપરિમાણયુક્ત જગતથી બહાર ચિન્મય જગતમાં છે.

4. બ્રહ્માની રચેલી સૃષ્ટિ શાશ્ર્વત નથી. ચિન્મય જગત શાશ્ર્વત છે.

5. આમ છતાં આ ત્રિપરિમાણયુક્ત સ્થૂળ કે સૂક્ષ્મ જગતમાં પણ તેઓ સગુણ-સાકાર-રૂપે ગમે ત્યારે પ્રગટ થઈ
શકે છે.

6. સાધકની ચેતના વિકસતી-વિકસતી આ ત્રિપરિમાણાત્મક જગતને ભેદીને જ્યારે બહાર નીકળી શકે ત્યારે તેને ગમે તે સ્થાન પરથી ગમે તે સમયે આ ચિન્મય જગત અને પરમાત્માના સગુણ-સાકાર સ્વરૂપની અનુભૂતિ થઈ શકે છે.

7. ભક્તોની આવી અનુભૂતિઓ નક્કર હકીકત છે, કલ્પના નથી.

8. આપણી પાસે ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ આવ્યું છે તે આવા સિદ્ધપુરુષોની અનુભૂતિ પર પ્રતિષ્ઠિત છે, તેથી કાલ્પનિક નથી જ.

વિષ્ણુ એટલે પરમાત્મા, વિષ્ણુ એટલે સર્વોચ્ચ ચૈતન્ય, વિષ્ણુ એટલે અખિલ બ્રહ્માંડના નિયંતા. વિષ્ણુ અનંત છે, તેથી અનંતરૂપ પણ છે. તે સગુણ છે, નિર્ગુણ છે, સાકાર છે, નિરાકાર છે અને બીજું ઘણુંયે હશે, આપણે બધું જાણતા નથી, બધું જાણી શકીએ તેમ નથી. સાધારણ રીતે એમ માની લેવામાં આવે છે કે નિર્ગુણ કરતાં સગુણ નિમ્ન ભૂમિકાનું સ્વરૂપ ગણાય અને નિરાકાર કરતાં સાકાર નિમ્ન ભૂમિકાનું સ્વરૂપ ગણાય, પરંતુ આ માન્યતા સત્ય પર પ્રતિષ્ઠિત નથી. પરમાત્માનું કોઈ એક સ્વરૂપ પરમાત્માના અન્ય સ્વરૂપ કરતાં નાનું પણ નથી અને મોટું પણ નથી. પરમાત્માનાં બધાં સ્વરૂપો દ્વારા તે એક જ પરમાત્મા સૂચિત થાય છે, તેથી ભગવાનનાં બધાં સ્વરૂપો સમાન સ્વરૂપે મહત્ત્વનાં છે, બધાં પાસાંનું સમાન મૂલ્ય જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button