ધર્મતેજ

સત્યનું ઉચ્ચારણ કદાચ ન થાય, તો બીજાનાં સત્યનો સ્વીકાર કરવાનું શીખીએ


માનસ મંથન -મોરારિબાપુ

धरम न दूसर सत्य समाना | आगम निगम पुरान बखाना ॥
सत्य मूल सब सुक्रित | बेद पुरान बिदित मनु गाए ॥

આપણે સાથે મળીને સંવાદ કરીશું. કોઈ ઉપદેશ નથી. આપણે સંવાદ કરીશું, કેમ કે આ શાસ્ત્ર સંવાદનું છે. જેમને સંવાદનો અભ્યાસ નથી એમને વિવાદનો સમય મળી જાય છે ! તો, ‘રામચરિતમાનસ’માં જે રૂપે સત્યનું દર્શન થાય એ તમારી સામે મૂકીને હું વાતો કરીશ. કોઈ વાત તમારા મનમાં ન બેસે તો તમે અવશ્ય સ્વતંત્ર છો. તમે પૂછી પણ શકો છો અને તમારી વાત પણ મૂકી શકો છો. આ સંવાદ છે. આ સંવાદમાં તમારું સૌનું સ્વાગત છે.

‘માનસ’ને આધારે હું આપને નિવેદન કરવા માગું છું કે એક જ સત્ય ‘માનસ’માં પાંચ રૂપમાં પ્રગટ થાય છે. સૌથી પહેલા તો સત્ય આપણા વિચારમાં હોવું જોઈએ. મારું સ્પષ્ટ માનવું છે, તમે સંમત થાવ કે ન થાવ, તમારી નિજતા પર હું જરાય પ્રહાર નહિ કરું. ક્યારેક ક્યારેક માણસ ઉચ્ચારમાં સત્ય પણ લાવે છે, એનું સ્વાગત છે, પરંતુ એના વિચારમાં સત્ય નથી હોતું ! એ મોટી સમસ્યા છે. ઘણાં લોકો મળે છે, તો ઉપર ઉપરથી તો કહે છે,‘ખુશ રહો, ખુશ રહો.’ પરંતુ અંદરથી તો એને લાગે છે કે આ મારો પ્રતિસ્પર્ધી છે! ક્યારેક વિચારમાં સત્ય નથી હોતું.

બીજું ઉચ્ચારનું સત્ય. ગાંધીબાપુને એક અભ્યાસ થઇ ગયો હતો. સત્યનું પણ એવું છે. મારી સમજ મુજબ સત્યનો પણ એવો અભ્યાસ થઇ જાય કે પછી તમે ચાહો તો પણ ખોટું ન બોલી શકો. ત્રીજું આચારમાં સત્ય. જેવું વિચાર્યું, એ બોલ્યા અને જેવું આપણે બોલ્યાં એવું જ કરી બતાવ્યું. બહુ કઠિન છે. આ મારગ જ કઠિન છે. આચારનું સત્ય; એ ત્રીજી ધારા છે એક જ સત્યની. મારા ‘માનસ’નું આ પંચમુખી સત્ય છે. ગાંધીબાપુએ પરમેશ્વર સત્ય છે, ત્યાંથી શરૂ કર્યું હતું; અને અભ્યાસ વધી ગયો, અનુભવમાં-આચારમાં આવી ગયું ત્યારે એમણે કહ્યું કે, સત્ય જ પરમેશ્વર છે. પરંતુ મારા અનુભવમાં બીજા બે દર્શન પણ આવી રહ્યા છે.

ચોથું સત્ય, સ્વીકારનું સત્ય. જ્યારે આપણે સત્ય વિચારીએ, સત્ય બોલીએ, સત્ય આચરણમાં ઉતારતાં ઉતારતાં બીજાના સત્યનો પણ સ્વીકાર કરીએ,એનું સન્માન કરીએ, ત્યારે જ આપણી સત્યની યાત્રા સંપન્ન થઇ શકે. સ્વીકાર નથી થઇ શકતો! ઘણું મુશ્કેલ છે. મેં ઘણીવાર આ પીડા વ્યક્ત કરી છે. મારા જીવનની યાત્રામાં મેં એવાં ઘણાં લોકો જોયા છે કે જે સત્ય જ બોલે છે, પરંતુ બીજાના સત્યનો સ્વીકાર નથી કરી શકતાં ! મૂર્તિ તૂટી, મૂર્તિ ખંડિત થઇ ગઈ! પંચમુખીમાંથી એક માથું કપાઈ ગયું ! મારા આ વક્તવ્યને અન્યથા ન લેશો, પ્લીઝ, કે બાપુએ કહ્યું છે કે ખોટું બોલો! નહિ; પરંતુ દુનિયામાં આવું ચાલી રહ્યું છે. કદાચ કોઈ પરિસ્થિતિવશ કે કોઈ મજબૂરીને કારણે ખોટું બોલવું પડે, આ કળિયુગ છે ! એ સારું નથી, ખોટું બોલવું જ ન જોઈએ, પરંતુ કદાચ બોલવું પડે, સત્યનું ઉચ્ચારણ કદાચ ન થાય, તો પણ પ્લીઝ, બીજાના સત્યનો સ્વીકાર કરવાનું શીખશો, તોય સત્ય ઘણી કૃપા કરશે.

લોકો સત્યનારાયણની કથા કરાવે છે, એમાં ‘स्कंध पुराणे रेवाखंडे पंचमो अध्याय’ એમ કરીને પૂરું થાય છે. એમાં એક કઠિયારો છે. હું વર્ણની વાતોમાં બહુ જવા નથી માંગતો. પરંતુ એક ઉપેક્ષિત વ્યક્તિ છે કઠિયારો. તો, કઠિયારાની કથા છે. એ બીચારો ઉપેક્ષિત છે. એક વણિકની કથા છે. એક વૈશ્યની કથા છે, સાધુ વાણિયો છે. પછી એક બ્રાહ્મણની કથા છે અને એક સમ્રાટ, ક્ષત્રિય રાજાની પણ કથા છે. એટલું જ નહીં, લીલાવતી-કલાવતી બહેનોની કથા છે. એનો મતલબ એ થયો કે સત્ય પર કોઈનો અધિકાર નથી. કઠિયારાનું સત્ય હોય છે. સાધુ-વણિકનું પણ સત્ય હોય છે. ક્ષત્રિયનું પણ સત્ય હોય છે અને બ્રાહ્મણનું પણ સત્ય હોય છે. અરે છોડો ! કોણ કહે છે કે માતાઓને અધિકાર નથી? કલાવતી અને લીલાવતીને પણ પોતાના સત્યનો અધિકાર છે. તો, વિશાળ દૃષ્ટિએ સત્યનારાયણની કથા આવી. સત્ય કંઈ મોટા કુળમાં જ હોય એવો કોઈનો ઈજારો નથી, સત્ય કોઈનો એકાધિકાર નથી; અને ક્યારેક-ક્યારેક તો આપણે ગામડાંઓમાં જોઈએ છીએ કે કેટલાંક નાનાં માણસોમાં જે સત્ય હોય છે, એ સત્ય તો દંડવત કરવા પ્રેરે એવું હોય છે.

સત્ય પર કોઈનો અધિકાર નથી કે એ કોઈ એક વર્ણનું જ હોય, કોઈ મોટા કુળમાં હોય. નહીં, સત્ય સૌનું છે. રામ એક છે, પરંતુ ગોસ્વામીજી લખે છે, એ જ સત્ય અનેક રૂપમાં પ્રગટ થાય છે. આપણા હાથમાં જે નવ દિવસ આવ્યા છે એમાંથી આવી પળ છૂટી ન જાય. ક્યારેક ક્યારેક કહેવાતા જ્ઞાનીઓ વર્તમાન
ચૂકી જાય છે. કેટલાંક કલાકો મળ્યા છે, તો જે આવ્યું છે એને ગુમાવીએ નહીં.

રામનું સ્મરણ કરો, સત્યનું આચરણ. ઉચ્ચારણ જ નહીં, આચરણ પણ. જે માણસ સો એ સો ટકા સત્ય બોલે, સત્ય જીવે એ એની સાથે સાથે રામનું સ્મરણ, એટલે કે તમારા જે ઇષ્ટદેવ હોય, મને કોઈ વાંધો નથી. એનું સ્મરણ રાખો. એ માણસ કળિયુગમાં જીવન પૂરું થાય એ પહેલાં ઈશ્વરને પામી લે, એ હકીકત છે. પણ એમાંયે,જરાયે કંઈ સત્યમાં કાણું પડ્યું હોય, તપ એક જન્મમાં નહિ પતે, બીજો જન્મ લેવો પડે, એટલું બધું પાછું કરવું પડે. સહેજ પણ અસત્ય આવ્યું તો ચૂક્યા.

सत्यमेव जयते न अनृतम्|- આ જે વાક્ય છે. સત્યમાં જ શક્તિ છે. હવે આપણે પળે પળે અસત્ય બોલવું પડે. હં ! દિવસે દિવસે નહિ, આ જન્મારામાં નહિ, ક્ષણે ક્ષણે બોલવું પડે, એવી પરિસ્થિતિમાં રામ મળે ક્યાંથી? રામ તો બહુ તૈયાર છે આવવાને, પણ આપણે તૈયાર નથી. કેવળ સત્ય બોલો, બાપ! અને કેવળ આચરો.

સત્યનો સ્વીકાર થવો જોઈએ. આપણી તકલીફ એ છે કે અન્યના તેજને આપણે સહન નથી કરી શકતાં ! કમ સે કમ બીજાના સત્યનો આપણે સ્વીકાર કરીએ. આજે ધર્મમાં, દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક કંઈકને કંઈક તકલીફ કેમ થાય છે ! કેમ કે બીજાના સત્ય ને ન સ્વીકારવાની એક પ્રકારની જિદ્દ લઈને બધાં બેઠાં છે ! જિદ્દ ઘટે છે વિવેકથી અને વિવેક આવે છે સત્સંગથી. એટલે સત્સંગ ખૂબ કરો.
(સંકલન: જયદેવ માંકડ.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button