સૌરાષ્ટ્રના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ધાટન
રાજકોટ-મુંબઈ ફ્લાઈટના પ્રવાસીઓનું કરાયું સ્વાગત
રાજકોટ: સૌરાષ્ટ્રના પ્રથમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસરમાં 326 કરોડનાં ખર્ચે નવનિર્મિત અદ્યતન નવા ટર્મિનલનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે સવારે 7:30 કલાકે 23,000 ચો.મી.માં નવનિર્મિત આધુનિક ટર્મિનલને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહ દરમિયાન પ્રથમ ઉડાન તરીકે મુંબઈ-રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઇટના આગમન પર પ્રવાસીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
અત્રે ઉલ્લેખનીય છે કે 27 જુલાઈ 2023ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ સપ્ટેમ્બર 2023થી હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે પ્રારંભિક તબક્કામાં કામચલાઉ રીતે કાર્ગો બિલ્ડિંગમાં ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આધુનિક અને સુવિધાઓથી સજ્જ ટર્મિનલનું નિર્માણકાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો શુભારંભઃ કરોડો શ્રદ્ધાળુઓ કરશે દર્શન
ટર્મિનલની ક્ષમતા 2800 મુસાફરોના નિયંત્રણની
હીરાસર એરપોર્ટના નવું ટર્મિનલની ક્ષમતા એકસાથે 2800 મુસાફરોને નિયંત્રણ કરવાની છે. નવનિર્મિત ટર્મિનલમાં 3 બોર્ડિંગ ગેટ છે. જેમાંથી 2 મુસાફર બોર્ડિંગ બ્રિજ સાથે જોડાયેલા છે. તે ઉપરાંત 450 મુસાફરો માટેની બેઠક વ્યવસ્થાની સુવિધા છે. ટર્મિનલમાં 12 ઇમિગ્રેશન સેન્ટર અને 26 ઇમિગ્રેશન કાઉન્ટર તેમજ 2 કસ્ટમ કાઉન્ટર છે.