ફોકસ : કાશ્મીરને પ્રદૂષણમુક્ત કરવાની ઝુંબેશ ફેરવાઇ ગઈ લાખો રૂપિયાના બિઝનેસમાં!

-રેખા દેશરાજ
ધરતી પરનું સ્વર્ગ એટલે કાશ્મીર એવું કહેવામાં આવે છે. હિમાચ્છાદિત પર્વતો, વૃક્ષો, ઘરો સહિત સંપૂર્ણ વિસ્તારમાં ફક્ત બરફની ચાદર જોવા મળે. કાશ્મીરનો આ બ્લેક એન્ડ વાઇટ લૂક પણ જોવા જેવો હોય છે. તેથી જ અહીં પર્યટકોની ભીડ વધુ જોવા મળતી હોય છે. માણસો જ્યાં પહોંચે ત્યાં પ્રદૂષણ થવાનું નક્કી જ હોય. કાશ્મીરમાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી તેમની માટે સુવિધા વધારવા માટે વિવિધ માળખા-બાંધકામો કરાયા છે, વાહનોની વધતી અવરજવર પ્રદૂષણના મુખ્ય કારણ બન્યા છે. જે હવે ચિંતાનો વિષય બન્યો છે.
કાશ્મીરને પ્રદૂષણમાંથી મુક્ત કરવા માટે ઘણી સંસ્થાઓ અને પ્રશાસન તરફથી ઝુંબેશો હાથ ધરવામાં આવી છે ત્યારે અમુક સ્વયંસેવકો કહો કે યુવાનો પણ આ તરફ આગળ આવ્યા છે અને પોતપોતાની રીતે નવા આઇડિયાનો ઉપયોગ કરીને કાશ્મીરને પ્રદૂષણમુક્ત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. બે મિત્રએ કાશ્મીરને પ્રદૂષણમુક્ત કરવાનું બીડું ઝડપ્યું હતું, પણ હવે તેમની આ ઝુંબેશ નવા બિઝનેસમાં ફેરવાઇ ગઇ છે અને તેઓ વર્ષે આ ઉદ્યોગથી એક-બે નહીં, પણ 30-30 લાખ રૂપિયા કમાવી રહ્યા છે.
કાશ્મીરના રહેવાસી યુવાનો શેખ યમીન અને તેનો મિત્ર ઝુબેર અહેમદ ભાટ તેમના વતન શ્રીનગરમાં બરફની જાડી ચાદર પથરાય તેની કાગડોળે રાહ જોતા હોય છે. બાળપણમાં તેઓ બરફના બોલ બનાવીને એકબીજાને મારવાની રમત રમતા, સ્નોમેન બનાવતા. દિવસ દરમિયાન નીલા રંગનું સ્વચ્છ આકાશ રહેતું. ખીણપ્રદેશને કોઇ અડી શક્યું પણ ન હોય એવી શુદ્ધ હવા રહેતી હતી. આ રહી બાળપણની વાત, પણ હાલમાં તેઓને આવો મોકો બહુ ઓછો મળે છે અને તેનું કારણ છે હિમવર્ષાનું ઘટતું પ્રમાણ.
યમીન જણાવે છે કે એક વખત એવો હતો જ્યારે અમારા ઘૂંટણ સુધીની બરફની ચાદરમાંથી અમને પસાર થવું પડતું હતું. હિમવર્ષા એટલે અમારી માટે એક ઉજવણી સમાન હતી. બપોરના સમયે લોકો પોતાના છાપરા પરથી, પ્રાંગણમાંથી બરફ સાફ કરતા નજરે પડતા. વૃક્ષો પણ બરફથી ઢંકાયેલા જોવા મળતા હતા. આ બરફને પ્રકૃતિ તરફથી મળેલી ગિફ્ટ માનવામાં આવતી હતી.
આ દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. સંપૂર્ણ વર્ષ જ્યાં પર્યટકોની અવરજવર રહેતી હતી ત્યાં હવે ફક્ત વર્ષમાં એક-બે વખત જ પર્યટકો આવે છે. જે સ્વચ્છ આકાશ જોવા મળતાં હતાં તે હવે સ્મોગ હેઠળ ઢંકાઇ ગયા છે. દેશના સૌથી પ્રદૂષિત 10 શહેરોમાં કાશ્મીરનો સમાવેશ થયો છે. કાશ્મીરે હવે પોતાની સુંદરતા ગુમાવી દીધી છે એમ કહેવું યોગ્ય રહેશે, એવી વેદના યમીને ઠાલવી હતી.
27 વર્ષના યુવાન યમીનને કાશ્મીરના પ્રદૂષણની ચિંતા સતાવવા લાગી. તેનું મન મૂંઝાતું રહ્યું. આમાંથી ખીણ પ્રદેશને કેવી રીતે મુક્ત કરવો એ વિશે તે દિવસ-રાત વિચાર કરવા લાગ્યો.
યમીન જણાવે છે કે પહેલા જે રસ્તા પરથી પસાર થવા માટે અડધો કલાકથી વધુનો સમય લાગતો નહોતો ત્યાંથી પસાર થવામાં હવે એક કલાકથી વધુનો સમય લાગવા લાગ્યો છે. વાહનોની અવરજવર વધવા લાગી છે. આ વાહનોથી પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ખીણપ્રદેશ સિવાય હવે આ પ્રદૂષણ આસપાસના પર્વતો સુધી ફેલાઇ રહ્યું છે.
યમીનની ચિંતા વધી ગઇ અને એક દિવસ તેણે પોતાની વ્યથા મિત્ર ઝુબેર અહેમદ સાથે ચા પીતા-પીતા શેર કરી. તેમની વચ્ચે થયેલી ચર્ચાઓ બાદ જે ઉકેલ નીકળ્યો તે હતો કર્વ ઇલેક્ટ્રિક. આ બાઇક હાલમાં પર્યટકો અને સ્થાનિકો માટે બેસ્ટ ટ્રાન્સપોર્ટેશનનું સાધન બની છે.
આખરે 2022માં બન્ને મિત્રએ મળીને ઇ-બાઇક કર્વ ઇલેક્ટ્રિકને લોન્ચ કરી. આ બાઇકે લોકોમાં કાશ્મીરમાં ફેલાતા પ્રદૂષણને ડામવા અંગે જાગરૂકતા ફેલાવવાનું પણ કામ કર્યું તથા રોજિંદા ઉપયોગ માટે પણ આ બાઇક આશીર્વાદરૂપ બની.
પ્રદૂષણરહિત હોવાની સાથે આ બાઇકની ડિઝાઇન કાશ્મીરના જનજીવનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. કાશ્મીરના સાંકડા રસ્તાઓ, ટ્રાફિક વગેરે બાબતો પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. બે વર્ષમાં જ અમને અમારી ઝુંબેશનું ફળ દેખાવા લાગ્યું. 7500 વૃક્ષો દ્વારા જેટલો કાર્બનડાયોક્સાઇડ શોષી લેવામાં આવે છે તેટલો કાર્બન ઓછો થયો. સ્થાનિક લોકોએ પણ અમારી આ ઝુંબેશને એક જવાબદારી રીતે સ્વીકારી. એ વાતનો અમને આનંદ છે, એમ યમીન જણાવે છે.
કાશ્મીરને પ્રદૂષણમુક્ત કરવાની બન્ને મિત્રની આ ઝુંબેશ બિઝનેસમાં ફેરવાઇ. 14 લાખ રૂપિયાથી શરૂ કરેલો ઉદ્યોગ હવે લાખો રૂપિયામાં ફેરવાઇ ગયો છે. ગયા વર્ષે તેમને વર્ષે 30 લાખ રૂપિયાની કમાણી થઇ હતી. હવે આ મિત્રોએ કમાણી પંચાવન લાખ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે.