ટ્રેન્ટ બૉલ્ટનો અનોખો રેકોર્ડ: વિશ્વનો એવો પહેલો ક્રિકેટર બન્યો જેણે…
![Trent Boult's unique record: He became the first cricketer in the world to](/wp-content/uploads/2025/02/trebt-world-record.webp)
જોહનિસબર્ગ: ન્યૂ ઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટે અનોખો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. લીગ ટી-20 ક્રિકેટમાં એક જ ફ્રેન્ચાઈઝી (મુંબઈ ઇન્ડિયન્સ)ના બૅનરમાં અલગ-અલગ ચાર ટીમ વતી ચાર ટાઇટલ જીતનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. ટૂંકમાં, તેણે એમઆઈની બ્લ્યુ જર્સીમાં ચાર ટ્રોફી જીતી છે.
![Trent Boult's unique record: He became the first cricketer in the world to](/wp-content/uploads/2025/02/trent.webp)
શનિવારે જોહનિસબર્ગમાં એમઆઈ કેપટાઉન નામની ટીમે સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમને સાઉથ આફ્રિકાની એસએ20 નામની ટૂર્નામેન્ટની ફાઇનલમાં 76 રનથી હરાવીને ટાઈટલ જીતી લીધું હતું.
એ સાથે એઇડન માર્કરમના સુકાનમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમે ટાઇટલની હેટ-ટ્રિક ગુમાવી છે.
બૉલ્ટ આ પહેલાં એમ આઈના બેનર હેઠળ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ) વતી આઈપીએલ (2020)નું ટાઈટલ, એમઆઈ ન્યૂ યોર્ક વતી અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (2023)નું ટાઈટલ અને એમઆઈ એમિરેટ્સ વતી યુએઇની આઈએલટી20 (2024)નું ટાઈટલ જીત્યો હતો.
શનિવારે જોહનિસબર્ગમાં એમઆઈ કેપ ટાઉન ટીમે આઠ વિકેટે 181 રન બનાવ્યા હતા. એના જવાબમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમ 18.4 ઓવરમાં 105 રનમાં આઉટ થઈ હતી. બૉલ્ટે ટ્રિસ્ટેન સ્ટબ્સની મહત્વની વિકેટ સહિત કુલ બે શિકાર કર્યા હતા. રબાડાએ સૌથી વધુ ચાર વિકેટ તેમ જ લિન્ડેએ બે વિકેટ હતી.
આ પણ વાંચો…ભાજપના આ એમએલએ હતા આઈપીએલમાં વિરાટની વિકેટ લેનાર પ્રથમ બોલર…
બૉલ્ટને મૅન ઑફ ધ ફાઇનલનો અને માર્કો યેન્સેનને ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.