ટ્રાવેલ પ્લસ : અમાપ વ્યોમ સુધી વ્યાપેલા દુર્ગમ પહાડો વચ્ચે વસેલું મનમોહક સામ્રાજ્ય મિડલ લૅન્ડ – સ્પિતિ

-કૌશિક ઘેલાણી
હિમાલયના ઊબડખાબડ રસ્તા પર બુલેટ ચાલી રહ્યું છે અને અહીંનો ઠંડો વાયરો જાણે એકદમ ઉત્સાહિત થઈને મીઠો આવકારો આપી રહ્યો છે. વાદળોની દોડતી સેના મને જોઈને હરખઘેલી થઈને સ્મિત આપી રહી છે. આજુબાજુનાં વૃક્ષો જાણે કુદરતના અંગરક્ષકો હોય એવી મુદ્રામાં વિરાજમાન દીસી રહ્યા છે.
દૂર દેખાતા બરફાચ્છાદિત પહાડોમાં રહેલ મેગ્નેટ મને જાણે એની તરફ ખેંચતું હોય, મારું મન બુલેટના હેન્ડલ પર લાગેલા નાના નાના રંગબેરંગી ફ્લેગ્સની જેમ પવનના સંગીતમાં નાચતું હોય એવો ભાસ સ્પષ્ટપણે અનુભવી રહ્યો છું.
આવા સમયે કોઈ દૃશ્ય આંખે વળગી જાય અને બુલેટ સાઈડમાં એમ જ ઊભું રાખીને કોઈ નશીલા કશ માફક એક ઊંડો શ્વાસ કુદરતના ઘૂંટડા ભરતો હોઉં એવો અનુભવ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક છે એમ માણી રહ્યો છું. હવે મને એમ જ લાગી રહ્યું છે કે જેટલા દૂર આ વાદીઓ, પહાડીમાં નીકળી પડ્યો છું એટલો જ હું ખુદની નજીક આવી રહ્યો છું.
મિડલ લૅન્ડ સ્પિતિની આ જ તો ખાસિયત છે કે એ આ પ્રકારનો જાદુઈ અનુભવ દરેક જીવમાત્રને કરાવે છે. જીવંતતાને વીસરતાં જતાં આપણે ભૌતિકતાના નશામાં ચૂર થઈ ગયા છીએ. નિસર્ગના સંપર્કમાં મળતાં સુકુનને ફાઈવસ્ટાર હોટેલ્સ ને મોંઘા રિસોર્ટમાં શોધવાની ખોટી મથામણમાં પડેલો આ માણસ કુદરતના સંપર્કમાં રહેતાં જીવ આગળ બુદ્ધિમત્તાની સાપસીડીમાં થાપ ખાઈ બેઠેલો છે. એટલે જ થોડું સુકુન પોતાને માટે શોધી કાઢવું જ જોઈએ તો જરૂરિયાતનું ચક્ર ક્યારેક નહીં થંભે.
આપણ વાંચો: કુદરતનો અલાયદો આવાસ હિમાલયનો આલીશાન વૈભવ – વિશ્વ પ્રસિદ્ધ બરફાચ્છાદિત શિખરો
ઊબડખાબડ રસ્તાઓ, બાળકો માફક દોટ લગાવતાં વાદળો, ક્યારેક ભૂખરા તો ક્યારેક રાખોડી તો વળી ક્યારેક અવનવા રંગો સજીને ઊભેલા પહાડો કોઈ નવા જ ગ્રહ પર આવ્યા હોઈએ એવો અનુભવ કરાવે જે આશરે 12774 ફૂટની ઊંચાઈ પરના અફાટ સૌંદર્ય વચ્ચે એકલા અટૂલા હોવા છતાં પોતાની જાતને મળી રહ્યા હોય એવું મહેસૂસ થાય ત્યારે આ સ્થળ પ્રત્યે આપોઆપ લગાવ થઈ જાય. ભારતીય ઉપમહાદ્વીપ અને યુરેશિયા વચ્ચે એક મજબૂત દીવાલ તરીકે ઊભેલા હિમાલયમાં આશ્ચર્યમાં ગરકાવ થઈ જવાય એવા ખૂંદાયેલા અથવા તો ન ખૂંદાયેલ અઢળક સ્થળો આવેલાં છે.
અહીં ખુલ્લાં વિશાળ બર્ફીલાં મેદાનો, ક્યાંક અવનવા રંગોના પથ્થરના પહાડો, ક્યાંક વાદળો સાથે હળીમળીને રહેતા બર્ફીલા પહાડો તો વળી ક્યાંક સહેજ કોઈ આંગળી મારે ને ઢળી પડે તેવા માટીના પહાડો આવું તો કેટકેટલુંય વૈવિધ્ય હિમાલયમાં ભરેલું છે. જેણે હિમાલય જોયો જ નથી તેમના માટે કલ્પનામાં પણ ન સમાઈ શકે તેવી રચનાઓ કુદરતે અહીં કરી છે. આ પ્રદેશને સ્પિતિના નામે ઓળખવામાં આવે છે. આ પ્રદેશ જેટલો સૌમ્ય છે એટલા જ અહીંના લોકો પણ સૌમ્ય છે.
ભારત અને તિબ્બતની વચ્ચે આવેલો જમીનનો ટુકડો એટલે સ્પિતિ વેલી જયાં કુદરતે ખુલ્લા મનથી રંગો પૂર્યા છે. દરેક મહિનામાં અહીં અલગ જ રંગોમાં કુદરત સજેલી દેખાય. સ્પિતિનાં દૃશ્યો અન્ય પહાડી વિસ્તારોથી ખાસ્સા પ્રમાણમાં અલગ છે. અહીંની પહાડીઓ વૃક્ષરહિત અને બરફની સફેદ ચાદરોમાં વીંટળાયેલા પહાડોનો ઠંડોગાર વગડો છે.
આપણ વાંચો: Climate Change: હિમાલય ક્ષેત્રમાં વધી જળવાયુ પરિવર્તનની અસરો, આ રાજ્યોમાં પૂરનું જોખમ વધ્યું
હરિયાળી નહિવત્ હોવા છતાં અહીંનું સૌંદર્ય અદ્ભુત અને મનને ઠારે તેવું છે. તેના માટે તો બસ એવું જ કે તમે ત્યાં ગયા વગર તે સ્થળને જાણી શકો, પણ માણી ન શકો. મુખ્યત્વે બૌદ્ધ અને હિંદુધર્મનો પ્રભાવ અહીં જોવા મળે છે અને અહીંના બૌદ્ધ મઠો નજીકથી પસાર થતા પણ ‘ૐ મણિ પદ્મે હમ’ મનમાં એક અલગ જ પ્રકારની ચેતના જગાવી જાય છે. ટૂંકમાં, હિમાલયમાં વસેલુ આ ઠંડું રેગિસ્તાન આપણી કલ્પનાઓથી પરે છે.
હિમાચલ પ્રદેશના શિમલાથી સ્પિતિ જતા રસ્તાઓ પરથી નજર ક્ષણવાર માટે પણ હટે નહીં એવા સુંદર લૅન્ડસ્કેપ નજર સમક્ષ શિમલા છોડતાં જ તરવરવા લાગે. શિમલાથી કિન્નોર વિસ્તારમાં પ્રવેશીએ કે ઠેર ઠેર રસ્તાની કિનારી પર જ લચી પડેલાં સફરજનનાં વૃક્ષો દેખાય એને જોઈ એમ થાય કે આમાં ફળ વધુ છે કે પાન? આગળ રિકંગ પિયો, સાંગલા જેવાં સ્થળો પર પથ્થરની કુદરતી કોતરણીવાળા વિશાળ પહાડો વચ્ચેથી પસાર થતાં વિશાળ સતલુજ નદી આંગળી પકડીને કુદરતનાં અજોડ સર્જન એવા સ્પિતિ વેલી તરફ દોરી જાય.
અહીંના પહાડોએ મને લગભગ અવાચક કરી મૂક્યો જાણે મારી વાચા સંપૂર્ણપણે હરાઈ ગઈ હોય. એક પછી એક વળાંકો લઈને કિન્નોર કૈલાસને પાછળ મૂકીને સ્પિતિ તરફ આગળ વધ્યો કે રસ્તાની સાથે સાથે કંપની આપતી સતલુજ નદી એક ઊંડો રાગ છેડતી પ્રચંડ ધ્વનિ સાથે વહેતી હોય, વાદળો જાણે મારા જ સ્વાગતની તૈયારીઓમાં આમ તેમ દોડતા હોય એમ આ રસ્તાઓ પસાર કરતાં કરતાં ધીરે ધીરે કુદરતની અજાયબીમાં પ્રવેશ કર્યો.
આપણ વાંચો: ‘શિંદે અને ફડણવીસને હિમાલય મોકલાવો’ ઠાકરે જૂથના આ નેતાએ કરી માગ
હા અહીં રસ્તાઓ થોડા અઘરા છે, ચોમાસામાં અને શિયાળામાં તો થોડી મુશ્કેલી જરૂર પડે, પણ અહીંના સૌંદર્ય સામે એ મુશ્કેલી ખૂબ જ ઝાંખી છે. આ રસ્તો વર્ષના 365 દિવસો દરમ્યાન ચાલુ હોય છે. સ્પિતિનાં નાનાં નાનાં ગામડાઓમાં વસતા લોકોની જીવનશૈલી, તેમનું સંઘર્ષમય જીવન અને તેમની સાદગી તેમને આવી કુદરતી ભવ્યતાની ભેટ આપે છે.
સ્પિતિ સર્કિટની શરૂઆતમાં જ સૌથી પહેલાં નાકો ગામ આવે છે. અહીં અંદાજે 40 થી 50 આસપાસ સુંદર ઘર છે, અહીંના લોકો ખૂબ જ પ્રેમાળ છે જ્યાં હોમસ્ટે લઈ શકાય અને અહીંની સ્થાનિક વાનગીઓ ખાઈને સ્થાનિક લોકો સાથે એકાદ દિવસ હિમાચલી મહેમાનગતિ માણી શકાય. ગામની વચ્ચે જ એક ખૂબ જ સુંદર તળાવ છે.
રિયો પુરઞાલના બર્ફીલા ઢોળાવમાંથી વહેતાં પાણીથી સર્જાયેલા આ તળાવ આસપાસ મહાલવાની તક ચુકાય એવી નથી. આ ગામ રિયો પુરઞાલ પહાડના બેકડ્રોપને શોભાવતું ગામ છે જે હિમાચલ પ્રદેશનો સહુથી વધુ ઊંચાઈ ધરાવતો પહાડ છે જેની ઊંચાઈ 22000 ફૂટ કરતાં પણ વધુ છે. અહીં એક નાનકડી મોનેસ્ટ્રી છે.
અહીંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત કોઈ પણના માનસપટ પર ગજબની સ્મૃતિ ઉપસાવી જશે, જાણે કુદરત જાતે જ ધરતી પર મહાલવા નીકળી પડે છે. આમ જોઈએ તો સ્પિતિના રસ્તાઓ જ તેનું આકર્ષણ છે સ્પિતિ ટ્રાવેલિંગ એટલે રોડ ટ્રાવેલિંગ. મંજિલ કરતાં રસ્તાઓ ખૂબસૂરત લાગે એ સામાન્ય કહેવત અહીં સાચા અર્થમાં પરિપૂર્ણ છે.
શહેરના ટ્રાફિક જામ અને સિગ્નલો વચ્ચે અટવાયેલા આપણે અહીં કંઈક અલગ જ શાતા મેળવીએ છીએ. નાકોથી આગળનો પડાવ તાબો ગામ આવે છે જ્યાં ખૂબ જૂની મોનેસ્ટ્રી છે, મેડિટેશનની ગુફાઓ છે તેને અજંતા ઑફ હિમાલયા પણ કહેવાય છે. અહીં 1000 વર્ષ આસપાસ જૂનાં ભીંતચિત્રો, સ્કલ્પચર, પાંડુલિપિઓ વગેરે સચવાયેલાં છે.
આપણ વાંચો: હિમાલયન મોનાલની રાજધાની અને શિવનો સાક્ષાત્કાર – ચોપતા – ચંદ્રશિલા
તાબો મઠ હિમાલયના સૌથી જૂના મઠમાંથી એક છે. અહીં નજીકમાં જ ગ્યુ ગામમાં આવેલ ગ્યુ મોનેસ્ટ્રીમાં કોઈ પણ કૃત્રિમ રસાયણોના ઉપયોગ વગર સચવાયેલું 500 વર્ષ જૂનું મમી મળી આવ્યું છે જેના નખ અને વાળ પણ વધી રહ્યા છે. સ્થાનિકોને મતે એ બૌદ્ધ સાધુ સાંધા તેનજીગનું મમી છે. સ્પિતિ વેલી આસ્થા અને અનેક રહસ્યોનું સંગમ છે.
સર્પાકાર રસ્તાઓની મજા માણતાં માણતાં આગળ વધીએ કે પિન અને સ્પિતિ નદીના સંગમ એવા ધનકાર પહોંચીએ કે આભા થઈ જઈએ એવાં દૃશ્યો નજર સમક્ષ ખડાં થઈ જાય. પૃથ્વી કરતાં સાવ જ અલગ ધરતીની રચના હોય તે પ્રકારનાં દૃશ્યો અહીં સર્જાય છે. અહીં આંખ પહોંચે એટલા વિશાળ પટમાં અલગ અલગ ધારાઓ ભેગી થઈને પિન અને સ્પિતિ નદી એકમેકમાં ભળે છે. અહીં સુધી પહોંચ્યા પછી શારીરિક થાક હોવા છતાં માનસિક રીતે એટલા પ્રફુલ્લિત થઈ જવાય છે કે જરા પણ થાકનો એહસાસ થતો નથી.
હજુ તો સ્પિતિની શરૂઆત થઈ છે. ભારતની આ અનન્ય ભૂમિ પર શાબ્દિક અને વિઝ્યુઅલ સફરને આવતા અઠવાડિયે આગળ ધપાવીશું જેમાં વિશ્વના સહુથી ઊંચા ગામ, વિશ્વની સહુથી ઊંચી પોસ્ટ ઑફિસ, એશિયાના સહુથી ઊંચા સસ્પેન્શન બ્રિજ અને આવાં અવનવાં સ્થળો પર ભ્રમણ કરીશું.