મહાકુંભમાં જઈ રહેલ પિકઅપ અને SUV વચ્ચે અકસ્માત: ત્રણ જણનાં મોત
![What is happening in Kutch? Where are the animal lovers? Another incident of such cruelty with Nandi](/wp-content/uploads/2025/01/Fatal-accident-in-Jalna.webp)
ભોપાલ: મધ્ય પ્રદેશન સતના જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં મહાકુંભ માટે શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલા પિકઅપ ટ્રક અને કાર વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 10 જેટલા લોકોને ઇજા પહોંચી છે.
એક જ પરિવારના ત્રણ લોકો બન્યા ભોગ
અકસ્માતની આ ઘટના 9 ફેબ્રુઆરીના રોજ સવારે 1.30 વાગ્યે સતના-ચિત્રકૂટ રાજ્ય ધોરીમાર્ગ પર બની હતી. અકસ્માતની ઘટનામાં પિકઅપ વાન ઊંધી વળતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં શ્રદ્ધાળુઓ સવાર હતા. વાહનમાં ભરેલો સામાન પણ રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માતની દુર્ઘટનામાં મૃતકોની ઓળખ મહેન્દ્ર પટેલ અને તેમની પુત્રી મનીષા પટેલ અને મનીષા પટેલના પુત્ર જીતેન્દ્ર પટેલ તરીકે થઈ છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણ લોકોમાં માતા, પુત્ર અને નાનાનો સમાવેશ થાય છે. એક જ પરિવારમાંથી ત્રણ જણનાં મોત થવાના અહેવાલથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
રસ્તા પર જોરદાર ટ્રાફિક જામ
અકસ્માતની ઘટના બાદ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે પોલીસે ક્રેનની મદદથી પિકઅપને હટાવીને રસ્તા પર પરિવહન રાબેતા મુજબ શરુ કરાવ્યું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે માહિતી આપતા જણાવ્યું હતું કે પિકઅપ ટ્રક મધ્યપ્રદેશના જબલપુરથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જઈ રહી હતી. તે જ SUVમાં લોકો પ્રયાગરાજથી ચિત્રકૂટ થઈને દમોહ જઈ રહ્યા હતા.
આ પણ વાંચો : પ્રાઈવેટ જેટથી મહાકુંભમાં પહોંચી સુપરસ્ટારની પત્ની, લગાવી સંગમમાં ડૂબકી
દસ લોકોને પહોંચી ઈજા
પોલીસે આગળ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનામાં બંને વાહનોમાં મુસાફરી કરી રહેલા અન્ય દસ લોકોને ઈજાઓ પહોંચી છે. ઘાયલોની સતના જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં ઘાયલ ડ્રાઈવર જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમને ખબર નથી કે વાહનો કઈ રીતે અથડાયા હતા. અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.