ઉત્સવ

આજે આટલું જ : ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી…

-શોભિત દેસાઈ

તો આપણે વાત માંડવાની હતી ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી ભાષાની, પણ ગયા રવિવારે આપણે ચઢી ગયા 19 જાન્યુઆરીના પ્રવીણ જોશી અને ઓશોના લીલા સમાપ્તિ દિનના રવાડે. આજે એ વાતની શરૂઆત કરીએ.

Also read : સનાતન ધર્મ સામે દ્રાવિડિયનોને કેમ વાંધો છે?

એસ ધમ્મો સનંતનો ઓશોની ભગવાન બુદ્ધ ઉપરની વકતવ્ય શ્રેણી છે. મારા હિસાબે આખા જગતમાં પારાવાર સ્વીકારાયેલા અને એ વખતના કમનસીબ ભારત દ્વારા લગભગ અસ્વીકારાયેલા ભગવાન બુદ્ધ ઉપર આનાથી વધુ અધિકૃત અને અવર્ણનીય સુંદર, 120 વક્તવ્યોની શ્રેણી જગતમાં બેજોડ છે. પહેલા વક્તવ્યથી જ ઓશો જગતમાં જે હિન્દી ભાષા પાથરે છે કે બુદ્ધ હિમાલય જેવા છે. મહાન, બરફાચ્છાદિત પર્વતો તો જગતમાં ઘણા છે, પણ હિમાલય હિમાલય છે. હિમાલય અજોડ છે. હિમાલયની સરખામણી ફકત એક જ પર્વત સાથે થઈ શકે, સ્વયમ હિમાલય સાથે. બુદ્ધની સરખામણી બુદ્ધ સિવાય બીજા કોઈ પણ સાથે શક્ય જ નથી. એ ભગવાનશ્રી બુદ્ધની, જીવનની એક કશ્મકશની વાર્તા બુદ્ધના કોઈ અનુયાયી (લગભગ તો સ્વામી સત્યવેદાંત જ) ઓશોને લખી આપે છે અને 98મા લેકચરની શરૂઆત આ વાર્તાપઠનથી કરે છે.

સૂત્રસંદર્ભ: કથા એમ છે, ભગવાનનો પ્રભાવ દિનબદિન વધતો જતો હતો અને જે વસ્તુત: ધર્માનુરાગી હતા એ અતીવરુપથી આનંદિત હતા. એમનાં હૃદયકુસુમ પણ ભગવાનનાં કિરણોમાં ખીલતાં હતાં. એમના મનપંખી ભગવાન સાથે અનહદ અને અનંતના ઉડ્ડયન માટે તત્પર બનતા જતા હતા, પણ આવા લોકો તો દુર્ભાગ્યથી થોડા જ હતા. વધારે તો એવા હતા જેમના જીવનમાં ભગવાનની ઉપસ્થિતિ ભાલાની જેમ ભોંકાતી હતી. ભગવાનનો વધતો પ્રભાવ એમને ક્રોધના ઝેરથી ભરી રહ્યો હતો. ભગવાનનાં વચન એમને વિધ્વંસક લાગતાં હતાં. એમને લાગતું હતું કે આ ગૌતમ ઈશ્વરનો નાશ કરવા ઊતર્યો છે અને એમની વાતમાં થોડી સચ્ચાઈ પણ હતી. કારણકે ગૌતમ બુદ્ધની કેળવણી જેને આ મતાંધો ધર્મ સમજતા હતા એનાથી બિલકુલ વિરોધની હતી. ગૌતમ કોઈ ઔર જ ધર્મની વાત કરતા હતા. ગૌતમ વાત કરતા હતા શુદ્ધ ધર્મની. ગૌતમ પરંપરાવાદી નહોતા, ન સંપ્રદાયવાદી હતા, ન શાસ્ત્રોના પૂજક હતા, ન રૂઢિઓ અંધવિશ્વાસોના… ગૌતમનો ધર્મ અતીત પર નિર્ભર જ નહોતો. ગૌતમનો ધર્મ ઉધાર નહોતો. સ્વાનુભવ પર આધારિત હતો.

Also read : મારી ક્ષમાપનામાં જાયયમ Speed Breaker JEALOUSY

ગૌતમ સ્વયમ્ પોતે પોતાનાં શાસ્ત્ર હતા. ગૌતમનો ધર્મ સ્થિતિસ્થાપક નહોતો. આમૂલ ક્રાંતિકારી હતો. ધર્મ કેવળ ક્રાંતિકારી જ હોઈ શકે. ગૌતમની નિષ્ઠા સમાજમાં નહીં, વ્યક્તિમાં હતી અને ગૌતમની આધારશીલા મનુષ્ય હતો, આકાશના કોઈ પરમાત્મા કે દેવી-દેવતા નહીં…. ગૌતમે મનુષ્યની અને મનુષ્ય દ્વારા ચૈતન્યની પરમ પ્રતિષ્ઠા આદરી હતી. આ બધાથી રૂઢિવાદી, સડાઉ, ધર્મના નામે વિવિધ શોષણોમાં સંલગ્ન, પ્રકાર પ્રકારના પંડિત-પુરોહિતો અને તથાકથિત ધર્મગુરુઓમાં કોઈ પણ પ્રકારે ગૌતમને બદનામ કરવાની હોડ બકાઈ… એમણે એક સુંદરી નામની પરિવ્રાજિકાને વિશાળ ધનરાશિનો લોભ ધરીને રાજી કરી લીધી કે એ એટલે કે સુંદરી બુદ્ધની અકીર્તિ ફેલાવે. એ, સુંદરી, એ બધા સાથે સંલગ્ન થઈ ગઈ.

સુંદરી કઈ કક્ષાએ ઊતરી અને ભગવાન બુદ્ધ કઈ કક્ષાએ જીવન લઈ ગયા કે જ્યારે એમણે બુદ્ધ નામને યથાર્થતા ધરી, એ હવે પછીના કેટલાક રવિવાર સુધી ચાલશે એ સૌ માટે बुद्ध इच्छा बलियसी…

Also read : ગણપતિ બાપ્પાના જીવનમાંથી પણ મળે છે ઈન્વેસ્ટમેન્ટનો બોધ

બુદ્ધના અનુયાયીની હિન્દીનું શોભિત દ્વારા ગુજરાતી નવસંસ્કરણ કેવું લાગ્યું એ જરૂર જણાવજો.
ઘરની ભીંતોમાં ક્યાં કોઈ સમૃદ્ધ થાય છે!? સ્વીકારે છે અસીમને તો બુદ્ધ થાય છે….

આજે આટલું જ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button