Delhi Results: 2020ના રમખાણવાળા વિસ્તારોમાંથી ભાજપ-આમ આદમી પાર્ટીને કેટલી મળી સીટ?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 48 અને આમ આદમી પાર્ટીએ 22 સીટ જીતી હતી. કૉંગ્રેસ ખાતું પણ ખોલી શકી નહોતી. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી હતી.
નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં 2020માં રમખાણ થયા હતા. અહીંયા વિધાનસભાની 6 સીટ આવે છે. જેમાં બંને પક્ષોને ત્રણ-ત્રણ સીટ મળી હતી. 2020માં વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થયાના થોડા દિવસો બાદ સીલમપુર, ઘોંડા, બાબરપુર, ગોકલપુરી (એસસી), મુસ્તફાબાદ અને કરાવલ નગરમાં રમખાણ થયા હતા. જે પૈકી સીલમપુર, બાબરપુર અને ગોકલપુરીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. જ્યારે ઘોંડા, મુસ્તફાબાદ અને કરાવલ નગરમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
Also read: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો
સીલમપુરથી આપના ઉમેદવાર ચૌધરી ઝુબૈર અહમદે ભાજપના અનિલ કુમાર શર્માને 42,477 મતથી હરાવ્યા હતા. ગોપાલ રાયે બાબરપુર સીટથી ત્રીજી વખત જીત મેળવી હતી. આ સીટ પર પણ આપનો કબજો રહ્યો હતો. ગોકુલપુરી સીટથી આપના ઉમેદવાર સુરેન્દ્ર કુમારે જીત મેળવી હતી.
હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર કેટલા મતથી બન્યા વિજેતા
જ્યારે ઘોંડા સીટ પરથી ભાજપના અજય મહાવરે 26,058 મતથી જીત હાંસલ કરી હતી. જ્યારે કરાવલ નગર સીટથી ભાજપના કપિલ મિશ્રા જીત્યા હતા. તેમણે આપના મનોજ કુમાર ત્યાગીને 23,355 મતથી હાર આપી હતી. મુસ્તફાબાદ સીટ પરથી ભાજપના મોહન સિંહ બિષ્ટ 17,578 મતથી જીત્યા હતા. આ બેઠક પરથી આપના ઉમેદવારને 67,637 મત મળ્યા હતા. જ્યારે દંગાના આરોપમાં જેલમાં બંધ એઆઈએમઆઈએમના તાહિર હુસૈનને 33,474 મત મળ્યા હતા.