![Four Naxalites killed in encounter in Gadchiroli](/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-23T205619.499.jpg)
બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુરના નેશનલ પાર્ક વિસ્તારમાં થયેલી અથડામણમાં 12 નકસલી ઠાર થયા હતા, જયારે 2 જવાન શહીદ અને 2 જવાન ઘાયલ થયા હતા. ઘટના સ્થળેથી ઘાયલોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસે શું કહ્યું?
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઈન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આજે સવારે અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષાદળોની એક ટુકડી નક્સલ વિરોધી અભિયાન માટે જતી હતી ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થયું હતું. પોલીસ અધિકારીના કહેવા મુજબ, પ્રાથમિક જાણકારી મુજબ અથડામણમાં 12 નક્સલી ઠાર થયા છે.
સ્થાનિક સ્વરાજ અને ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી વચ્ચે નકસલીઓ સામે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએ બીજાપુરના નેશનલ પાર્કના જંગલમાં નકસલીઓની હાજરીની માહિતી મળી હતી. જે બાદ ટીમ તરત જ નેશનલ પાર્ક જવા રવાના થઈ હતી. ઑપરેશન દરમિયાન નકસલીઓ તરફથી જવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં સુરક્ષાદળોએ ફાયરિંગ કરીને 12 નકસલીઓને ઠાર કર્યા હતા.
Also read: છત્તીસગઢમાં એસયુવી અને ટ્રક વચ્ચે અકસ્માત: 6 જણનાં મોત
બસ્તર પોલીસે જણાવ્યું કે, અથડામણની જગ્યાએથી ઑટોમેટિક હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા છે. નકસલીઓની સંખ્યા વધારે હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળ સતત નકસલીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, આ વર્ષે 1 ફેબ્રુઆરી, 2025 સુધી રાજ્યમાં થયેલી અલગ અલગ અથડામણમાં 50થી વધુ નકસલી માર્યા ગયા છે.
છત્તીસગઢ પોલીસના જણાવ્યા મુજબ, રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ થયેલી વિવિધ અથડામણમાં સુરક્ષાદળોએ 219 નકસલીઓને ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 2023માં છત્તીસગઢમાં ભાજપ સરકાર બની હતી અને વિષ્ણુ દેવ સાય મુખ્ય પ્રધાન બન્યા હતા. જે બાદ રાજ્યમાં નકસલ વિરોધી અભિયાનમાં તેજી આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માર્ચ 2026 સુધી રાજ્યને નકસલ મુક્ત કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.