ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

ક્યારેક કૂવો પણ તરસ્યા પાસે જાય!
તરસ્યો માણસ કૂવા પાસે જાય કે કૂવો તરસ્યા પાસે આવે? તરસ છીપાવવા તરસ્યાએ જ કૂવા પાસે જવાનું હોય ને તમે કહેશો. જોકે, આ અજબ દુનિયામાં ગજબ ઘટના બનતી જ હોય છે. એટલે કૂવો તરસ્યા પાસે ચાલીને ગયો હોય એવી ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના એક ગામની એક પ્રાથમિક શાળાના અમિત વર્મા નામના શિક્ષકે એવું પહેલ કરી છે જે ‘તસ્મૈ શ્રી ગુરુવે નમ:’ની ભાવનાને સાર્થક કરે છે. વાત એમ છે કે એક જ પરિવારની મીના અને ગજરાજ નામની ચોથા ધોરણમાં ભણતી બે બાલિકા અચાનક શાળાએ આવતા બંધ થઈ જતા શિક્ષક વર્માને આશ્ર્ચર્ય થયું. તપાસ કરતા જાણ થઈ કે બંને બાલિકા ઘરકામમાં મદદરૂપ થાય એ માટે તેમને નિશાળે નહોતા મોકલવામાં આવતી. વરિષ્ઠ શિક્ષકની પરવાનગી લઈ અમિત વર્મા ચોથા ધોરણના બધા વિદ્યાર્થીઓને લઈ મીનાના ઘરે પહોંચ્યા અને એના ઘરની બહાર જ ભણાવવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં આ પ્રયાસનો વિરોધ થયો, પણ મિસ્ટર વર્મા શિક્ષણનું મહત્ત્વ સમજાવતી કથા કહેવા લાગ્યા અને એમાં ગામવાસીઓને રસ પડવા લાગ્યો. અંતે એક દિવસ સોનાનો સૂરજ ઉગ્યો અને મીના – ગજરાજ શાળાએ ભણવા આવવાની શરૂઆત થઈ. ઝાંસીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે મિસ્ટર વર્માની પ્રશંસા કરી છે. આજનો વિદ્યાર્થી દેશનું ભવિષ્ય છે અને અમિત વર્મા જેવા શિક્ષકની સંખ્યા વધે તો દેશનું ભાવિ કેવું ઉજજવળ બને એ સમજાવવાની જરૂર ખરી?

લ્યો કરો વાત!
ભારતીય સ્ત્રીને પરિણીત સ્ત્રીને મન મંગળસૂત્ર (એક સેરનું, બે સેરનું કે બે વાટકીવાળું કે પછી ફેન્સી)નો મહિમા અનેરો હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના એક ગામમાં ચારો ચરતી વખતે ઘાસમાં પડેલું મંગળસૂત્ર ભેંસના પેટમાં પહોંચી ગયું. ૨૫ ગ્રામ વજનનું દોઢ લાખ રૂપિયાનું ઘરેણું ગાયબ થતા મહિલા બેબાકળી બની ગઈ અને નક્કી આ ભેંસ ગળી ગઈ એવું તારણ નીકળતા એને પશુઓની હોસ્પિટલ લઈ જવામાં આવી. મેટલ ડિટેકટરથી ખાતરી થયા પછી ડૉક્ટરોએ બે કલાક ભેંસનું ઓપરેશન કરી મંગળસૂત્ર બહાર કાઢ્યું. ભેંસને ૬૦ ટાંકા આવ્યા અને ડૉક્ટરોએ ચારો નીરતી વખતે લોકોને સજાગ રહેવાની અપીલ કરી.

મેળાની મોજ, યુદ્ધનું બ્યુગલ
મેળો ઉત્સવની ઉજવણીનું પ્રતીક છે. મેળાની ભીડમાં પાછળ ખિસ્સામાં રહેલું પાકીટ ચોરાઈ જાય તો ક્યારેક આગળ ખિસ્સાની પાછળ રહેલું દિલ પણ ચોરાઈ જાય. આ મહેલમાં ભાઈ બહેન કે દોસ્તારો બાળપણમાં છૂટા પડી જાય અને એ જ મેળામાં વર્ષો પછી ભેગા પણ થઈ જાય. શરદ ઋતુની ફસલની ઉજવણી માટેના સુકોટ ફેસ્ટિવલ ઉજવવા તાજેતરમાં રાજસ્થાનના અજમેર આવેલા ઈઝરાયલી પર્યટકો વતન પાછા ઉતાવળા થયા છે. હમાસ આતંકીઓએ કરેલા હુમલાના કારણે ઊભી થયેલી કટોકટીમાં દેશની સુરક્ષા માટે આ પર્યટકો પહેલી ફ્લાઇટ પકડી પાછા જવા માગે છે. ઈઝરાયલમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના માટે લશ્કરમાં ફરજ બજાવવી ફરજિયાત છે. દેશદાઝનો પડઘો હિમાચલ પ્રદેશમાં પણ સાંભળવા મળ્યો. રાજ્યના કુલુ જિલ્લાની સહેલ કરવા આવેલા પચાસેક ઈઝરાયલીઓ મોજ મજા પડતી મૂકી દેશસેવાને પ્રાધાન્ય આપવા સ્વદેશ પાછા ફરવા ઉતાવળા થયા છે. ૧૯૪૮માં આઝાદી મેળવનાર અને આશરે એક કરોડની વસતી ધરાવતા આ દેશને સંઘર્ષ અને અથડામણ કોઠે પડી ગયા છે, પણ લોકોના દેશપ્રેમ – દેશદાઝ અવર્ણનીય છે. એટલે જ મેળાની મોજ કે આહલાદક પ્રદેશનું વાતાવરણ પડતું મૂકી વતનની મદદે દોડી જવાનું મન થાય.

શુકની વાણી, પોલીસે પિછાણી
શુક એટલે પોપટ, રાતા નાકનું ને કોટે કાળા કાઠલાવાળું લીલા રંગનું પંખી. શીખવ્યું હોય તો માણસના જેવા ઉચ્ચાર કરે છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં આવા પક્ષીઓના શિકારની મનાઈ હતી. મનુષ્ય પોતાના મનોરંજન માટે પાંજરામાં પૂરેલા પોપટને બોલતા શીખવે છે. અલબત્ત ક્યારેક એની બોલ બોલ માલિકને કફોડી સ્થિતિમાં પણ મૂકી દે છે. જોકે, બે લાખ રૂપિયાની બોલીમાં ખરીદવામાં આવતા અને સૌથી વધુ વાતોડિયા પોપટની ઓળખ ધરાવતા આફ્રિકન ગ્રે પોપટનું વાણીના જોરે માલિક સાથે રીયુનિયન શક્ય બન્યું હતું. બન્યું એવું કે ત્રણેક વર્ષ પહેલા આ પોપટ ફ્રાન્સમાંથી ચોરાઈ ગયો હતો. ગયા અઠવાડિયે પંખીઓની લે વેચ કરતો વિક્રેતા ફ્રાન્સના મર્સેલ નામના શહેરમાં આ પોપટને ગેરકાયદે વેચવાની કોશિશ કરી રહ્યો હતો. રાઉન્ડ પર નીકળેલી પોલીસનું ધ્યાન આ પોપટ પર પડ્યું અને શંકા પડતા તેણે વિક્રેતાની પૂછપરછ કરી. એવામાં પોપટ ‘યાકો, યાકો, યાકો’ એમ બોલ્યો. ફ્રાન્સમાં અનેક લોકો પોપટનું નામ યાકો રાખતા હોય છે. નામ સાંભળી એક પોલીસમેનના કાન સરવા થયા કારણ કે એક સાથી પોલીસનો યાકો નામનો આફ્રિકન ગ્રે પોપટ ૨૦૨૦માં ચોરાયો હતો. પોપટના માલિક પોલીસે તેના સહયોગીઓને કહી રાખ્યું હતું કે જો એ માનવ વસતી વચ્ચે આવશે તો જરૂર પોતાનું નામ બોલશે. તરત માલિકને બોલાવવામાં આવ્યો. એને જોઈ તરત પઢેલો પોપટ ‘યાકો યાકો’ બોલ્યો, ચોરી પકડાઈ ગઈ અને પોપટનું પોલીસ સાથે પુનર્મિલન થયું. ભણેલું – પઢેલું ક્યારે કેવી રીતે કામમાં આવી જાય ને!

કેહતા હૈ દિલ રાસ્તા મુશ્કિલ…
૭૨ વર્ષ પહેલા ગીતકાર શૈલેન્દ્રએ ‘શ્રી ૪૨૦’ ફિલ્મ માટે લખેલા રોમેન્ટિક ગીતની પંક્તિઓ ‘કેહતા હૈ દિલ રાસ્તા મુશ્કિલ, માલૂમ નહીં હૈ કહાં મંઝિલ’ બેંગ્લુરુના રહેવાસીઓ માટે અલગ જ અંદાજનો ભાવાર્થ ધરાવે છે. આઈટી ઈન્ડસ્ટ્રીના પાટનગરની ઓળખ ધરાવતું બેંગ્લુરુ ટ્રાફિકની ભયંકર સમસ્યા માટે નામચીન છે. જોકે, શહેરના ટ્રાફિકની તકલીફનો ઉપયોગ અંગત લાભ માટે કરવા ’વેસ્ટમાંથી બેસ્ટ’ જેવો કીમિયો પ્રકૃતિ શર્મા નામની મહિલાએ શોધી કાઢ્યો છે. સોશિયલ મીડિયા પર વિશિષ્ટ વિચાર વ્યક્ત કરતા મિસ શર્મા જણાવે છે કે ટ્રાફિકના પ્રોબ્લેમને જ સોલ્યુશન બનાવી દો. ટ્રાફિક જામ થાય એ પહેલા બોયફ્રેન્ડ – ગર્લફ્રેન્ડને મળવાનું રાખો અને ટ્રાફિક જામ શરૂ થાય એટલે તમારા વાહનમાં બેસી જાઓ. વાહનોની ભીડના કારણે નક્કી કરેલા સ્થળ સુધી પહોંચતા ખાસ્સી વાર લાગશે અને એટલે વધુ સમય એકબીજાની કંપનીમાં પસાર થશે. એથી વધુ મહત્ત્વ વાત એ છે કે ટ્રાફિકના કારણે તમારો – તમારી પાર્ટનર અકળાઈ જાય છે, પિત્તો ગુમાવે છે કે કેમ એનો પણ ખ્યાલ આવશે. ટૂંકમાં એકબીજાના સ્વભાવનો પરિચય થશે એ વાત પર ભાર આપવામાં આવ્યો છે. રસ્તો કાપવો મુશ્કેલ છે પણ એ મુશ્કેલી એકબીજાને ઓળખવામાં મદદરૂપ થઈ રહી છે એ ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો અલાયદો નમૂનો છે.

એક સેક્ધડમાં કેટલી સેક્ધડ હોય?
એક કલાકમાં ૬૦ મિનિટ હોય અને એક મિનિટમાં ૬૦ સેક્ધડ હોય એ હિસાબે એક કલાકની ૩૬૦૦ સેક્ધડ થાય એ જાણકારી તો બધા પાસે હશે પણ એક સેક્ધડમાં કેટલી સેક્ધડ? રજૂઆતમાં કશીક ભૂલ લાગે છે એવું તમે માની લીધું હશે. ના, કશી જ ભૂલ નથી. ત્રણ વૈજ્ઞાનિકોને એક સેક્ધડનું આવું અકલ્પનિય વિભાજન કરવા માટે આ વર્ષે ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યું છે. આ અનોખું વિભાજન અંગ્રેજીમાં એટોસેક્ધડ તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિક ભાષામાં એક સેક્ધડના અબજ ભાગ કર્યા પછી પ્રત્યેક અબજ ભાગના ફરી અબજ ભાગ કરવામાં આવે એનો પ્રત્યેક ભાગ એટો સેક્ધડ તરીકે ઓળખાય છે. સાદી ભાષામાં કહીએ તો ૧૩.૮ અબજ વર્ષના બ્રહ્માંડના ઈતિહાસમાં જેટલી સેક્ધડ છે એટલી એટોસેક્ધડ એક સેક્ધડમાં હોય. મગજ ચકરાવે ચડી જાય એવું આ સંશોધન મહત્ત્વનું છે કારણ કે એટમના ઇલેક્ટ્રોનની સ્પીડ એટોસેક્ધડમાં માપવામાં આવે છે. હાઈડ્રોજનના એટમ ફરતે એક ચક્કર લગાવવા ઇલેક્ટ્રોન ૧૫૦ એટોસેક્ધડનો સમય લે છે. આ નવા સંશોધનને કારણે વૈજ્ઞાનિક જાણકારી વધુ ઝડપથી મળી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button