ખ્યાતિ કાંડઃ ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો, વાંચીને ચોંકી જશો
![New revelation in Khyati scandal: Sarpanch gave commissions to nearby hospital doctors](/wp-content/uploads/2024/11/khyati-scandal-sarpanch-doctors-commission.webp)
અમદાવાદઃ શહેરની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ કાંડમાં (khyati multispeciality hospital) બે દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચે 5670 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી 8 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 105 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ 7 સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. પોલીસે 19 ઈલેકટ્રોનિક પુરાવા, 36 ફાઇલો અને 11 રજીસ્ટર કબ્જે કર્યા હતા. તેમજ 34 બેંક એકાઉન્ટની વિગત પણ મેળવી હતી. ચાર્જશીટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ગમે તેમ કરીને રૂપિયા લાવો
ચાર્જશીટમાં થયેલા ખુલાસા મુજબ, એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની સારવાર બાદ ઓબ્ઝર્વેશન માટે BAMS ડૉક્ટરોને રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત મારો કાપો પણ રૂપિયા લાવોના ધ્યેય સાથે હૉસ્પિટલ ચાલતી હતી. દર્દીઓ વધારવા માટે ડૉક્ટરોને ટાર્ગેટ આપવામાં આવતો હતો અને એન્જિયોગ્રાફી બાદ દર્દીઓનું નિરીક્ષણ બીએચએમએસ અને બીએએમએસ ડૉક્ટર્સ કરતા હતા. તેમજ ઓપરેશન બાદ દર્દીઓની તકેદારી પણ રાખવામાં આવતી નહોતી.
Also read: ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસોઃ PMJAY નો લાભ લેવા કરવામાં આવતી હતી આવી કરતૂત
ચિરાગ રાજપૂતની બે દીકરીઓ નોકરી કરતી ન હોવા છતાં ચૂકવાતો હતો 1-1 લાખનો પગાર
દર મહિને ડાયરેક્ટર્સની બે મીટિંગ થતી હતી. જેમાં હૉસ્પિટલનો કારોબાર કેવી રીતે વધારવો અને સરકારી યોજના હેઠળ વધુમાં વધુ દર્દીઓને સરકારી યોજના હેઠળ નાના ક્લિનિક ધરાવતાં ડૉક્ટર્સને મળી દર્દી રિફર કરવા રૂપિયા આપતા હતા. ખ્યાતિના સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત પણ મુખ્ય સૂત્રધાર છે. રાહુલ જૈન હૉસ્પિટલનું હાઉસ કીપિંગ, સિક્યુરિટી સ્ટોર, પરચેઝ, એચ.આર, એકાઉન્ટ્સ એન્ડ ફાયનાનન્સની કામગીરી સંભાળતો હતો. ચિરાગ રાજપૂતની બે દીકરીઓ હૉસ્પિટલમાં નોકરી ન કરતી હોવા છતાં એલોટમેન્ટ લેટર આપીને માસિક એક-એક લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો. આરોપી સંજય પટોલિયા વિરુદ્ધ 40થી વધુ સાક્ષીએ નિવેદન નોંધાવ્યા હતા તેમજ તેની વિરુદ્ધ 8 દસ્તાવેજી પુરાવા છે. ચિરાગ રાજપૂત વિરુદ્ધ 42 સાક્ષીઓએ નિવેદનો નોંધાવ્યા હતા અને 6 દસ્તાવેજી પુરાવા પણ ક્રાઈમ બ્રાંચને મળ્યા છે. જ્યારે રાજશ્રી કોઠારી સામે 39 સાક્ષીએ નિવેદન આપ્યા હતા.
શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.