ઈન્ટરવલ

પત્ની પીડિત પતિ જાયે તો જાયે કહાં?

વ્યંગ -ભરત વૈષ્ણવ

આજે સીધી વાત કરવી છે. નો બકવાસ. સ્પ્રાઇટના ટેગને ફોલો કરવું છે. ઘુમાવી ફીરાવીને વાત જ નથી કરવી. કદાચ થોડા ફોલોઅર ઘટી જાય. ખાસ કરીને મહિલા ચાહકો. હું (અ)ફર છું. જે થવાનું હોય તે થાય. આ પણ બકવાસ થઇ ગયો ઠાકુર!

પત્નીનો ત્રાસ પતિને હોય છે. પત્નીનો ત્રાસ પત્નીને હોતો નથી.( લેસ્બિયન લગ્નમાં એક પાર્ટનર પતિ અને એક પાર્ટનર પત્નીનો રોલ ભજવે છે.) પત્નીનો ત્રાસ ઓછોવતો.

(કયાં સુધી ઠાકુર મિંયાની જેમ તંગડી ઊંચી રાખો છો. વેલણ, સાણસી, સાવરણી, બલોયા, તવેથાના મારથી ઘાયલ થાવ છો!) સોરી ઓછો શબ્દ ડિલિટ કરજો પ્રૂફ રીડર મહાશય. પત્નીનો ત્રાસ ૨૪ ગુણ્યા સાત ગુણ્યા ૩૬૫ હોય છે. તમે મૂંછમાં હસો છો, તમે પોતે પણ પત્ની અત્યાચાર મોરચાના સભ્યો છો!

ડોમેસ્ટિક વાયોલન્સના કેસો માત્ર પતિ પર થાય છે. પતિ પત્નીના ત્રાસથી પોલીસમાં ફરિયાદ કરવા જાય તો તેની ફરિયાદ નોંધવાને બદલે બાયલાનો થપ્પો લગાવી કાઢી મુકવામાં આવે છે! પતિને પણ ડોમેસ્ટિક એકટની જોગવાઈનો સમાન લાભ મળવો જોઇએ. પતિની દશા કેવી થાય? ઘરે પત્નીનો ત્રાસ સહન કરે અને બહાર તમાચો મારીને ગાલ લાલ રાખે!

કોરોનાકાળ પહેલાં પુરુષો ઘરકામ કરતા હતા. બિચારા પતિઓ આ લાચારીને પુરુષ-સ્ત્રી સમાનતાનો માસ્ટર સ્ટ્રોક ગણાવે. જાયે તો જાય કહાં? પતિની લાચારીના ઘણા જોકસ, ટુચકા પ્રચલિત છે.
મર્દ તરીકે ઓળખાતી આ પુરુષજાતિને આંસુ પાડવાનો કાયદાએ અધિકાર આપ્યો નથી અને સમાજે તેને સ્વીકાર્યો પણ નથી. તે જ્યારે ચૂપચાપ સહન કરે છે તો તેને નાર્મદ કહેવામાં આવે છે તે જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે તેને ક્રૂરતામાં ખપાવી દેવામાં આવે છે. કાયદાથી બંધાયેલી પુરુષજાતની આ સ્થિતિનો લાભ, કેટલીક સ્વચ્છંદી મહિલાઓએ ઉઠાવી લીધો છે. કેટલીક સ્ત્રીઓ પોતાની સ્વચ્છંદતાને કાયદેસર મળેલી સ્વતંત્રમાં ખપાવી રહી છે અને તેને રોકનાર પુરુષને અત્યાચારના કાયદા હેઠળ સળિયા પાછળ ધકેલી દે છે. આ પ્રકારનો અનોખો સંઘ રચવા પાછળ પત્ની અત્યાચાર પીડિત પુરુષોનો હેતુ માત્ર સમાન ન્યાયની માગણી છે અને કેટલી મહિલાઓ દ્વારા થતા કાયદાના દુરૂપયોગ રોકવાનો આશય છે. દર વરસે ૧૯મી નવેમ્બરે પત્ની પીડિત અત્યાચાર દિવસની ઉજવણી કરે છે. જોગાનુજોગ આ દિવસ દુર્ગાદેવી તરીકે ઓળખાતા લોખંડી મહિલા શાસક પ્રિયદર્શિની ઇંદિરા ગાંધીનો જન્મ દિવસ છે!

અમદાવાદમાં ચાલતા પત્ની પીડિત પુરુષ સંઘમાં સભ્યોની સંખ્યા એક બે નહીં, પરંતુ ૬૮ હજાર સુધી પહોંચી ગઈ છે. આ સંસ્થામાં સામાન્યથી લઈને એનઆરઆઇ, ડૉક્ટર, આર્મીના જવાનો પણ સભ્ય તરીકે જોડાયા છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાના પતિ અને સાસરિયાઓની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા જાય છે.

કેટલાક ઉદાહરણ સિવાય તમે મારી વાત માનશો નહીં? ખરુંને? અમે પણ પૂરતા દારૂગોળા સાથે પતિ પર થતા અત્યાચારને ઉજાગર કરવા તૈયાર છીએ!

ફ્લાઇટ માટે લાંબા સમય સુધી વેઇટ કર્યુ હશે અને ફ્લાઇટ કેન્સલ થવાના લીધે કદાચ લાંબો સમય એરપોર્ટ પર વીતાવ્યો હોઈ શકે, પરંતુ કોઈપણ વ્યક્તિ એરપોર્ટ પર જ રહેતી હોય તેવું નહીં સાંભળ્યુ હોય, પણ એક ચાઇનીઝ એવો છે જે છેલ્લા ૧૪ વર્ષથી એરપોર્ટ પર રહે છે. આ વ્યક્તિનું નામ વેઇ જિયાનગુઓ છે. તે બેજિંગનો છે. ૨૦૦૮માં પત્ની સાથે ઝગડો થતાં તે ઘર છોડીને આવ્યો હતો. તેના પછી બેજિંગનું ઇન્ટરનેશનલ એરપોર્ટ તેના માટે ઘર બની ગયું છે. આ એરપોર્ટના ત્રણ ટર્મિનલ છે અને તેમાં તે ટર્મિનલ બે પર રહે છે. જો કે શરૂઆતના કેટલાક દિવસ તે રેલવે સ્ટેશન પર સૂઈ ગયો હતો. તેનું કહેવું છે કે હું મારી મરજીથી અહીં ખાઇ પી શકું છું. હું ઘરે પરત નહીં જાઉ. મને ત્યાં કોઈ આઝાદી નથી. મારા કુટુંબનું કહેવું છે કે મારે ઘરે રહેવું હશે તો દારૂ અને સિગારેટ છોડવી પડશે. જો હું તેમ નહીં કરુ તો મને દર મહિને મળતું હજાર યુઆન (લગભગ બાર હજાર રૂપિયા)નું સરકારી ભથ્થુ મારે તેમને આપી દેવું પડશે. આમ થાય તો પછી હું મારા માટે સિગારેટ અને આલ્કોહોલ કેવી રીતે ખરીદી શકું. આ વ્યક્તિનું ઘર એરપોર્ટથી ફક્ત ૧૯ કિ.મી.ની દૂરી પર છે.

ઇરાનના મેહરાન કરીમી ૧૮ વર્ષ સુધી પેરિસના એરપોર્ટ પર શરણાર્થી તરીકે રહ્યા હતા.

નાનપુરાના રહેવાસી અજિત પટેલના કેસ પરથી સ્પષ્ટ થઈ આવે છે કે હવે પતિઓ પર પણ ત્રાસ ગુજારનારી પત્નીઓની કમી નથી. અજિતને લગ્નના બીજા દિવસે ખબર પડી કે પત્ની જાનકીને જમવાનું બનાવતા આવડતું નથી. ઉપરાંત તે ૭૦ વર્ષની પોતાની માતા સાથે પણ રહેવા તૈયાર નથી. આખરે પત્નીથી કંટાળી અજિતે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી જે દાવા અરજી આખરે કોર્ટે મંજૂર રાખી હતી.
અમદાવાદમાં પત્નીઓના ત્રાસ સામે લડતી સંસ્થામાં કામ કરતા પતિએ જ પત્નીના ત્રાસથી કંટાળીને ભયંકર પગલું ભરી લીધું છે. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે ફરિયાદના આધારે પુષ્પા નામની મૃતકની પત્નીની તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈએ ફરિયાદમાં પોતાના ભાઈને જે પીડા સહન કરવી પડતી હતી તે અંગે ગંભીર બાબતો પોલીસને જણાવી છે. ફરિયાદ મુજબ કીર્તિ દેવડા નામના મૃતક તેમના કાકા દશરથ દેવડા દ્વારા ચલાવાતી સંસ્થા ‘પત્ની અત્યાચાર વિરોધ સંઘ’માં કામ કરતા હતા. જોકે, તેઓ જ પોતાની પત્નીથી એટલા ત્રાસી ગયા હતા કે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યાની ઘટના બની છે. ફરિયાદ મુજબ ૩૦ જૂનના રોજ પત્નીએ ઘર સાફ કરવા જેવી સામાન્ય બાબતે પતિને કથિત રીતે સાવરણીથી ફટકાર્યો હતો.

સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચેના તકરાર અને ઝઘડાઓ થતા હોય છે. તો આ પ્રકારની ઘટનામાં લાગી આવતા પત્ની ક્યારેક જીવન ટૂંકાવી દેતી હોવાની ઘટના સામે આવતી હોય છે. ભારતમાં સ્ત્રી અત્યાચારના કિસ્સા ગલીએ ગલીએ છે, પણ પુરુષ અત્યાચારના કેસ જ્વેલ્લે જ બહાર આવતા હોય છે, પણ અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં એક પત્ની અને તેના પુત્રના ત્રાસના કારણે પતિ એવા પિતાએ જીવન ટૂંકાવ્યું છે.

રાજસ્થાનના ભીવાડીના એક પતિ પોતાની પત્નીના ત્રાસથી કંટાળી જઈને કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ શિક્ષક સરકારી શાળામાં પ્રિન્સિપાલ છે. તેમણે પોતાની પત્ની પર આરોપ મૂકતા કહ્યું હતું કે, તે છેલ્લા ૧ વર્ષથી ઢોરમાર મારી રહી છે. હવે તે આવા ત્રાસમાંથી છુટકારો મેળવવા માગે છે. તેમણે પુરાવા તરીકે ઘરના સીસીટીવી ફૂટેજ પણ શેર કર્યા છે.
પત્નીનો ત્રાસ સામાન્ય પતિને હોતો નથી. અમદાવાદમાં પત્રકાર તરીકે કામ કરતા પતિએ પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી તેનો વીડિયો પણ વાયરલ કર્યો. ગુજરાતના એક સનદી અધિકારી તેની સનદી પત્નીનો ત્રાસ સહન કરે છે!

પત્નીના ત્રાસથી વજન ઘટવાની ચકચારી ઘટના સૌને વિચારમાં મુકી દે છે.

પુરુષના કહેવા મુજબ, તેની પત્ની નાની નાની બાબતો પર મોટો હોબાળો કરતી હતી, જેના કારણે તેને તેના પરિવારના સભ્યોને સંબંધીઓ સામે શરમજનક બનવું પડતું હતું, પરંતુ ભવિષ્યમાં તેનું વર્તન બદલાઈ શકે છે, તેવી આશામાં તે શાંત રહ્યો હતો. પત્ની પર માનસિક ત્રાસનો આરોપ લગાવતા. પુરુષ બૅંકમાં કામ કરે છે, જ્યારે મહિલા હિસારમાં જ એક ખાનગી શાળામાં ભણાવે છે. લગ્ન બાદ બંનેને એક પુત્રી છે, જે હાલમાં તેના પિતા સાથે રહે છે. પુરુષે દાવો કર્યો હતો કે, લગ્ન સમયે તેનું વજન ૭૪ કિલો હતું, જે પાછળથી સતામણીને કારણે ઘટીને ૫૩ કિલો થઈ ગયું છે તેવો દાવો કર્યો હતો. જેને માન્ય રાખીને હાઇ કોર્ટે છૂટાછેડા આપી દીધા!

સાયણ ગામે પરિવાર સાથે રહેતા પરપ્રાંતીય યુવાનને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા રૂપિયાની ખોટી માગણી કરી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોય. ત્યારે સાસરિયાઓના ત્રાસે નાસીપાસ થઈને યુવકે આત્મહત્યા કરવા માટે કોણ કોણ અને કેમ જવાબદાર છે તેમના નામ જોગ એક વીડિયો બનાવી વાઇરલ કરી ટ્રેન નીચે પડતું મુક્યું હતું.

છેલ્લે તો ઉત્તરપ્રદેશના મઉમાં ગજબની ઘટના થઇ ગઇ. આદિ કાળમાં આપણે ઝાડ પર રહેતા હતા. એક પત્ની પીડિત અબળ (અબળાનો પુલિંગ શબ્દ!) નરને વૃક્ષ પર રહેવાની નોબત આવી. ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં આવેલા બસારથપુર ગામમાં પત્નીના ત્રાસથી પતિ છેલ્લા એક મહિનાથી ૧૦૦ ફૂટ ઊંચા તાડના ઝાડ પર રહે છે. ઝાડ પર એ ખાઈ-પીને સૂઈ જાય છે. પત્ની વારંવાર મારપીટ કરતી હોવાથી પતિની આ સ્થિતિ સર્જાઈ હોવાનું તેના પિતાએ કહ્યું હતું.

ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં આવેલા બરાસથપુર ગામનો એક કિસ્સો આખાય વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રામપ્રવેશ નામનો એક માણસ તેની પત્નીના ત્રાસથી ઘરે આવતો નથી. એટલું જ નહીં, એ ૧૦૦ ફૂટ ઊંચા તાડના ઝાડ પર ચડીને રહે છે. ઘરના સભ્યો ખાવા-પીવાનું નીચે મૂકી દે છે. એ રસ્સીથી ખેંચીને ખાઈ-પી લે છે અને પછી તાડ પર જ સૂઈ જાય છે. મોડી રાત્રે બધા સૂઈ જાય ત્યારે એ નીચે ઊતરીને કુદરતી હાજતે જઈ આવે છે એ સિવાય દિવસ આખો ૧૦૦ ફૂટ ઊંચે ચડીને રહે છે. જો કોઈ તેને સમજાવવા જાય છે તો એ ઈંટ અને પથ્થરો ફેંકે છે એટલે કોઈ તેની નજીક જતું નથી. ગામના લોકોએ આ અંગે ફરિયાદ કરી હતી. તાડનું ઝાડ ગામની વચ્ચોવચ હોવાથી ઉપરથી બધાના ફળિયામાં જોઈ શકાય છે. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે આવીને તેને સમજાવ્યો હોવા છતાં એ માણસ ઘરમાં રહેવા તૈયાર નથી.

હે રામ. બિચારો પુરુષ, તે પણ પત્ની પીડિત પતિ જાયે તો જાયે કહાં! અમને એવો વિચાર આવે છે કે સમાજમાં લગ્ન પ્રસંગે થતા ગંજાવર ખર્ચના કુરિવાજો અને કુરૂઢિઓ દૂર કરવા સમૂહ લગ્નો દિવસે ને દિવસે લોકપ્રિય થઇ રહ્યા છે. આ પેટર્ન પર પત્ની પીડિત પતિઓને પત્નીઓના ત્રાસથી મુક્ત કરવા સમૂહ છૂટાછેડાનો સમારોહ શું ન યોજવો જોઇએ? શું કહો છો પત્ની દ્વારા પ્રતાડિત પીડિતાત્માઓ? તમે નહીં બોલો તો તેને નવગુણ નહીં, પણ અવગુણ માનવામાં આવશે. તમારો સમય શરૂ થાય છે, સર!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત