મુંબઈને ધબડકા પછી મુલાની-કોટિયને બચાવ્યું, ગુજરાતે સૌરાષ્ટ્રને 216માં ઑલઆઉટ કર્યું
તામિલનાડુ સામે વિદર્ભના કરુણ નાયરની અણનમ સદી
કોલકતા/રાજકોટઃ રણજી ટ્રોફીનો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને એમાં આજે કોલકાતામાં હરિયાણા સામેની પાંચ દિવસીય મૅચના પ્રારંભિક દિવસે મુંબઈને એના બે બૅટરે ધબડકા પછી ઉગારી લીધું હતું. શમ્સ મુલાની (91 રન, 178 બૉલ, દસ ફોર) અને તનુષ કોટિયન (85 રન, 154 બૉલ, અગિયાર ફોર)ની જોડીએ આઠમી વિકેટ માટે 165 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈના માથેથી મુશ્કેલી દૂર કરી હતી.
મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસની રમતને અંતે મુંબઈનો પહેલા દાવનો સ્કોર આઠ વિકેટે 278 રન હતો. એક તબક્કે મુંબઈનો સ્કોર ચાર વિકેટ ફક્ત પચીસ રન હતો. 65 રન પર પાંચમી અને 94 રન પર છઠ્ઠી વિકેટ અને 113મા રને સાતમી વિકેટ પડી હતી. જોકે મુલાની-કોટિયનની જોડીએ ટીમની આબરૂ બચાવી હતી. 85 રન બનાવનાર કોટિયન સાથે મોહિત અવસ્થી (0) દાવમાં હતો. એ પહેલાં, મુંબઈના સ્ટાર ખેલાડીઓ સારું રમવામાં નિષ્ફળ ગયા હતા. સૂર્યકુમાર યાદવ ફક્ત નવ રન બનાવીને પેસ બોલર સુમિત કુમારના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. રહાણે 31 રન બનાવીને મુખ્ય પેસ બોલર પેસ બોલર અંશુલ કમ્બોજના બૉલમાં વિકેટકીપર રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ થયો હતો. હરિયાણાનો આ રોહિત શર્મા 31 વર્ષનો છે અને આ તેની 44મી ફર્સ્ટ-ક્લાસ મૅચ છે. તે હજી સુધી એકેય આંતરરાષ્ટ્રીય મૅચ કે આઇપીએલ નથી રમી શક્યો.
આ પણ વાંચો: મુંબઈ-હરિયાણાની રણજી ક્વૉર્ટર ફાઇનલ અચાનક લાહલીને બદલે કોલકાતામાં રાખવાનો નિર્ણય લેવાયો
શિવમ દુબે 28 રન અને શાર્દુલ ઠાકુર 15 રન બનાવીને આઉટ થયો હતો. યુવા ઓપનર આયુષ મ્હાત્રે (0) મૅચના પહેલા જ બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તેને કમ્બોજે ક્લીન બોલ્ડ કર્યો હતો. વિકેટકીપર આકાશ આનંદ (10)ની વિકેટ સુમિત કુમારે લીધી હતી. સિદ્ધેશ લાડ (4) પણ સારું રમવામાં નિષ્ફળ રહ્યો હતો. કમ્બોજે સૌથી વધુ ત્રણ વિકેટ તથા સુમિતે બે વિકેટ લીધી હતી.
રાજકોટની ક્વૉર્ટરમાં સૌરાષ્ટ્રની ટીમ ગુજરાત સામે પહેલા દિવસે માત્ર 216 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ ગુજરાતે વિના વિકેટે 21 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રના 216 રનમાં ઓપનર ચિરાગ જાની (69 રન)નું સૌથી મોટું યોગદાન હતું. ટીમનો તે એકમાત્ર હાફ સેન્ચુરિયન હતો. ચેતેશ્વર પુજારા માત્ર 26 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાતના પેસ બોલર ચિંતન ગજાએ સૌથી વધુ ચાર વિકેટ તેમ જ જયમીત પટેલ તથા સિદ્ધાર્થ દેસાઈએ બે-બે વિકેટ લીધી હતી.
સ્પિનર રવિ બિશ્નોઈ ગુજરાત વતી રમે છે અને તેણે તેમ જ અર્ઝાન નાગવાસવાલાએ એક-એક વિકેટ મેળવી હતી.
પુણેની ક્વૉર્ટરમાં કેરળ સામે જમ્મુ અને કાશ્મીરે આઠ વિકેટે 228 રન બનાવ્યા હતા, જ્યારે નાગપુરમાં તામિલનાડુ સામે વિદર્ભએ કરુણ નાયરના (100 નૉટઆઉટ, 180 બૉલ, એક સિક્સર, 14 ફોર) સૌથી મોટા યોગદાન અને ડેનિશ માલેવારના 75 રનની મદદથી છ વિકેટે 264 રન બનાવ્યા હતા.