નેશનલ

Arvind Kejriwal ની હારમાં કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દીક્ષિત નિર્ણાયક બન્યા, જાણો કારણ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અને આમ આદમી પાર્ટીના હારના અનેક કારણો પ્રકાશમાં આવ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal) હાર પાછળ કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત જવાબદાર હોવાનો તર્ક ચર્ચામાં છે. જેમાં કોંગ્રેસ ઉમેદવારના લીધે મતોનું વિભાજન થયું અને જેના કારણે ભાજપ ઉમેદવાર પરવેશ વર્માની જીત નિશ્ચિત થઇ હતી.

આ પણ વાંચો: સ્વાભિમાનથી મોટું કંઈ નથી, દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના પુત્રએ પોતાની જ પાર્ટીર્ને કરી ટકોર…

કોંગ્રેસે કોઈ ઉમેદવાર ન ઉતાર્યો હોત કેજરીવાલ બેઠક બચાવી શક્યા હોત

ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ આ બેઠક 4,089 મતોના માર્જિનથી જીતી હતી, જ્યારે સંદીપ દીક્ષિતને 4,568 મત મળ્યા હતા .આ આંકડાઓ કેજરીવાલની હાર પર સીધી અસર કરે છે. રાજકીય વિશ્લેષકોનો મત છે કે જો કોંગ્રેસે કોઈ ઉમેદવાર ન ઉતાર્યો હોત તો કેજરીવાલ પોતાની બેઠક બચાવી શક્યા હોત.

સંદીપ દીક્ષિત ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર

સંદીપ દીક્ષિત દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર છે. વર્ષ 2013માં કેજરીવાલે નવી દિલ્હીની આ જ બેઠક પરથી શીલા દીક્ષિતને 25,000 મતોના મોટા માર્જિનથી હરાવીને કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત લાવ્યો હતો. હવે 12 વર્ષ પછી તેમના પુત્રએ કેજરીવાલના હારમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની ચર્ચા છે.

સંદીપ દીક્ષિત અરવિંદ કેજરીવાલની હારનું કારણ બન્યા

દિલ્હીમાં ભાજપ તરફ અગ્રેસર છે જ્યારે આપની હાર થઈ છે. જેમાં મતોના વિભાજનમાં પ્રભાવ હોવા છતાં કોંગ્રેસ ફરી એકવાર પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ. આ ચૂંટણી મોટાભાગે ભ્રષ્ટાચારના આરોપો પર લડવામાં આવી હતી. જેમાં ભાજપે દારૂ કૌભાંડ અને શીશમહલ વિવાદ માટે કેજરીવાલને નિશાન બનાવ્યા હતા.દિલ્હીના રાજકીય પરિદૃશ્યમાં મોટા પરિવર્તન આવી રહ્યા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે આ ચૂંટણીમાં કોંગ્રેસના સંદીપ દીક્ષિત અરવિંદ કેજરીવાલની હારનું કારણ બન્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button