કેજરીવાલના હારનું એક મોટું કારણ છે આ મહિલા, જે એક સમયે તેમની કોર ટીમમાં હતી…
નવી દિલ્હી: દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીને જીતનો સ્વાદ મળી રહ્યો છે. જો કે સત્તારૂઢ આમ આદમી પાર્ટીને જોરદાર ફટકો લાગ્યો છે. જો કે ભાજપની આ જીત માટે અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે પરંતુ સૌથી વધુ મહત્વની ભૂમિકા સ્વાતિ માલીવાલની રહી છે. એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી અંગત મનાતા સ્વાતિ માલીવાલે ભલે ચૂંટણીમાં સીધી રીતે પ્રચાર ન કર્યો હોય પણ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ વિરુદ્ધમાં મોરચો માંડ્યો હતો.
Delhi Election Results: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારના આ રહ્યા 5 કારણો
દ્રૌપદી વસ્ત્રાહરણની તસવીર કરી શેર
હવે આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં દ્રૌપદી વસ્ત્રાહરણની તસવીર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલ પર તેમના નિવાસસ્થાને હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. સ્વાતિએ આ મામલે અરવિંદ કેજરીવાલ પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી.
અહંકાર તો રાવણનો પણ…..
તેના થોડા સમય બાદ સ્વાતિ માલીવાલે X પર બીજી પોસ્ટ પોસ્ટ પણ કરી છે. ટ્વીટમાં તેમણે લખ્યું કે અહંકાર તો રાવણનો પણ નહોતો રહ્યો. તેમની આ ટ્વીટ અરવિંદ કેજરીવાલની બેઠકના પરિણામો જાહેર થયા બાદ આ પોસ્ટ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે સ્વાતિએ આ ટ્વિટ કેજરીવાલની હાર પર કટાક્ષ કરવા માટે કર્યું છે.
AAPથી રાજ્યસભામાં પહોંચ્યા
જાન્યુઆરી 2024માં આમ આદમી પાર્ટીએ સ્વાતિ માલીવાલને રાજ્યસભામાં મોકલ્યા હતા. માર્ચ 2024માં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ સ્વાતિ માલીવાલ વિદેશની યાત્રા પર નીકળી ગયા હતા. જો કે માલીવાલે વિદેશ યાત્રાનું કારણ અંગત હોવાનું જણાવ્યું હતું. મે મહિનામાં અરવિંદ કેજરીવાલ જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તે તેમને મળવા પણ પહોંચી હતી. જો કે બાદમાં અરવિંદ કેજરીવાલના અંગત સચિવ સાથે થયેલા ગેરવ્યવહારમાં પાર્ટીએ અંગત સચિવનો પક્ષ લેતા સ્વાતિ આમ આદમી પાર્ટીના વિરોધમાં ઊભી રહી હતી.
અરવિંદ કેજરીવાલ સાથે રાજનીતિમાં પ્રવેશ
સ્વાતિ કેજરીવાલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત અરવિંદ કેજરીવાલ સાથે કરી હતી. બંનેએ પહેલા ઍક્ટિવિસ્ટ અને બાદમાં અન્ના આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે દિલ્હીમાં આપની સરકાર બની ત્યારે અરવિંદ કેજરીવાલે સ્વાતિને મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. એક રેલીમાં અરવિંદ કેજરીવાલે સ્વાતિને સિંહણ ગણાવી હતી. જાન્યુઆરી 2024માં જ્યારે દિલ્હીની 3 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ ત્યારે સુશીલ ગુપ્તાના સ્થાને સ્વાતિને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. એક સમયે સ્વાતિની ગણતરી AAPના ટોચના નેતૃત્વમાં થતી હતી.
કઈ રીતે બની આપનો કાળ?
માલીવાલે સમગ્ર ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સીધો પ્રચાર નહોતો કર્યો, પરંતુ વીડિયો અને ફોટોગ્રાફ્સ દ્વારા તેમને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના દિલ્હીના વિકાસ અંગે આપેલા બધા જૂના નિવેદનો ઉઠાવ્યા હતા. માલીવાલે ચોખ્ખું પાણી, દિલ્હીના રસ્તાઓ અને ગંદકી અંગે દરેક વિસ્તારની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં માલીવાલે આ મુદ્દાઓને લઈને અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનનો પણ ઘેરાવ કર્યો હતો.