Happy Birthday: હૉસ્ટેલમાં સજારૂપે આ મહાન કલાકારની બાજુનો રૂમ મળતો કારણ કે…
સર્જનશીલતા સાથે જ્યારે સરળતા ભળે ત્યારે લોકો તમારી તરફ આપોઆપ ખેંચાઈ છે. આજના બર્થ ડે સેલિબ્રિટી આમાનાં એક છે, તેમનો પોતાનો એક ક્લાસ છે, પણ તેમણે માસ (Mass)ને પોતાની સાથે જોડ્યો છે. એક સમયે માત્ર અઘરી ઉર્દૂમાં ગાવામાં આવતી ગઝલો એક ખાસ વર્ગ જ સાંભળતો અને સમજતો હતો અને સામાન્ય જન સુધી ગઝલ ઓછી પહોંચતી, પરંતુ એક નવોદીત ગાયક આવ્યો અને તેણે સાદીસીધી હિન્દીમાં સૌને સમજાય અને આનંદ આવે તેવી ગઝલો ગાવાનું શરૂ કર્યું અને આજે તેમની હયાતી ન હોવા છતાં ગઝલગાયકીના બાદશાહ તરીકે તે સૌની હૃદય પર રાજ કરે છે. જી હા આજે સૂરસમ્રાટ જગજીત સિંહનો જન્મદિવસ છે.
Also read : ‘જવાનો સમય આવી ગયો છે….. ‘, સિનિયર બચ્ચનની પોસ્ટથી લોકો ચિંતામાં
ગઝલોને ઘર ઘર સુધી પહોંચાડનારા જગજીત સિંહે આકાશવાણીમાં કામ કર્યું, લગ્ન સમારંભોમાં ગાયુ અને ત્યારબાદ તેમને ધીરે ધીરે નામના મળી અને અંતે તેઓ શિખર સર કરી શક્યા. ગઝલ ગાયકી સાથે તેમના પંજાબી થપ્પા અને ભજનો પણ એટલા જ લોકપ્રિય થયા. લોહરી સમયે Ay taa jag diyaan lohriyaa, saadhi ka di lohri akkhaan અય તા જગ દીયા લોહરીયા, સાધી કા દી લોહરી આંખન સાંભળી એવું કોઈ નહી હોય જેમની આંખો ભીની ન થઈ હોય.
ખૈર આજે તેમના જન્મદિવસે અમે તેમના કોલેજના દિવસોની એક ખાસ વાત તમારી સાથે શેર કરવાના છીએ. Baat Niklegi Toh Phir: The Life and Music of Jagjit Singh, સત્યા શરણ દ્વારા લખાયેલી તેમની બાયોગ્રાફી છે. તેમાં આ કિસ્સો લખ્યો છે. જગજીત સિંહ જલંધરની DAV Collegeમાં બીએસસી કરતા હતા. તેમની સાથે ભણતા સુરેન્દ્ર મોહન પાઠકે તે દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે તેમની કોલેજમાં જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ મળે તેમને હૉસ્ટેલ સહિતની ફેસિલિટીમાં ખાસ કોઈ ચોઈસ આપવામા આવતી ન હતી. આથી જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવે તેમને સજારૂપે જીગજીત સિંહના રૂમ પાસે રૂમ લેવાનું કહેવામાં આવતું.
આનું કારણ એ હતું કે જગજીત સિંહ સવારે પાંચથી સાત વાગ્યા સુધી બે કલાક ગાયકીનો રિયાઝ કરતા. આ લોકો ઘણીવાર જગજીત સિંહને કહેતા પણ ખરા કે ભી તારે તો પાસ થવું નથી, અમને તો થવા દે અને જગજીત સિંહ તેમને કહેતા કે સાલો…એક દિવસ પૈસા આપીને મને સાંભળવા આવશો. તેમની આ વાત સાચી પડી અને ખરેખર એક સમય એવો આવ્યો કે જગજીત સિંહને લાઈવ સાંભળવા કે તેમની સાથે એક ફોટો પડાવવા માટે લાઈનો લાગતી.
Also read : Badass Ravikumar Review: હિમેશ રેશમિયાની આ રેટ્રો મસાલાએ ક્રિટિક્સ અને ઓડિયન્સને આપી સરપ્રાઈઝ
જગજીત સિંહે ગાયિકા ચિત્રા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને તેમને વિવેક નામનો એક પુત્ર હતો, જે યુવાનવયે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. દંપતી માટે આ કારમો ઘા ઝીલવો ભારે અઘરો હતો અને લાંબા સમય સુધી તેઓ ગાયકી અને પ્રોગ્રામ્સથી દૂર રહ્યા હતા. ઑક્ટોબર, 2011માં તેમનું નિધન થયું. જોકે તેમનો મખમલી અવાજ અને હૃદય સોંસરવી ઉતરતી ગઝલો આજે પણ એટલી જ લોકપ્રિય છે.