એકસ્ટ્રા અફેર

સજાતિય સંબંધો ગેરકાયદેસર, સંસદની સર્વોપરિતાનો સ્વીકાર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સજાતિય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા માટે કરાયેલી અરજીઓ પર ચુકાદો આપી દીધો. આ ચુકાદો લગ્ન કરવા માગતાં સજાતિય યુગલો માટે આંચકા સમાન છે કેમ કે સુપ્રીમ કોર્ટે સજાતિય લગ્નને માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે સાથે સજાતિય સંબંધો ધરાવતાં લોકોને બાળકો દત્તક લેવાનો અધિકાર પણ આપ્યો નથી.
સુપ્રીમ કોર્ટે સજાતિય સંબંધોને કાયદેસર જાહેર કર્યા તેના કારણે સજાતિય લગ્નોને પણ માન્યતા મળશે એવી આશા હતી. સુપ્રીમ કોર્ટે આ વરસના મે મહિનામાં ૧૦ દિવસની લાંબી સુનાવણી પછી આ મુદ્દે ચુકાદો અનામત રાખ્યો ત્યારે સૌને આશા હતી કે, સુપ્રીમ કોર્ટ સજાતિય લગ્નોને પણ કાયદેસરતા આપવા કશુંક કરશે પણ આ આશા ફળી નથી કેમ કે સુપ્રીમ કોર્ટ પાસે સજાતિય લગ્નને કાયદેસર જાહેર કરવાની સત્તા જ નથી.

આ ચુકાદો આપતાં ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડે સાફ શબ્દોમાં કહ્યું કે, સજાતિય લગ્નને માન્યતા માટે કાયદો બનાવવો સંસદના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે કેમ કે સુપ્રીમ કોર્ટનું કામ કાયદો બનાવવાનું નથી પણ કાયદાના અર્થઘટનનું છે. ચીફ જસ્ટિસની વાત સાચી છે કેમ કે અત્યારના કાયદા પ્રમાણે સ્પેશિયલ મેરેજ એક્ટમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચેનાં લગ્નને જ માન્યતા મળે છે. સજાતિય લગ્નોને માન્યતા આપવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટમાં સુધારો કરવો પડે ને એ કામ સંસદનું છે. સુપ્રીમ કોર્ટ કાયદામાં સુધારો ના કરી શકે તેથી સજાતિય સંબંધોને માન્યતા ના મળી.
સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચમાંથી ૩ જજ સજાતિય લગ્નને માન્યતાની વિરુદ્ધ હતા જ્યારે ૨ જજ તરફેણમાં હતા તેથી આ ચુકાદો સંપૂર્ણપણે સર્વાનુમતે લેવાયેલો નથી પણ બહુમતીથી લેવાયેલો છે. અલબત્ત તેનાથી કોઈ ફરક પડતો નથી કેમ કે મૂળ મુદ્દો સજાતિય લગ્નોને માન્યતા મળે છે કે નહીં તેનો હતો ને સુપ્રીમ કોર્ટે આ માન્યતા આપી નથી. આ ચુકાદાથી સજાતિય લગ્નોને માન્યતા મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે એમ કહીએ તો પણ ચાલે કેમ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તો પહેલાં જ કહી ચૂકી છે કે, પોતે સજાતિય લગ્નોને માન્યતા આપવાની તરફેણમાં નથી.

સુપ્રીમ કોર્ટે સજાતિય લગ્નોને કાયદેસર કરવાની માગણી કરતી ૧૮ અરજીઓ પર સુનાવણી શરૂ કરી એ પહેલાં જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો હતો. વાસ્તવમાં કેન્દ્ર સરકારના વિરોધને પગલે આ મામલો બંધારણીય બેંચને સોંપાયો હતો.

કેન્દ્રની એફિડેવિટમાં દલીલ કરાઈ હતી કે, સજાતિય લગ્ન ભારતીય પરંપરાથી વિરુદ્ધ છે. ભારતીય પરંપરામાં સ્ત્રી અને પુરૂષ પતિ-પત્ની તરીકે રહે ને તેમનાથી બાળકો પેદા થાય એ પ્રકારની સામાજિક વ્યવસ્થા છે પણ સજાતિય સંબંધોમાં એ વ્યવસ્થા તૂટે છે. સજાતિય સંબંધો ધરાવતાં યુગલોનાં બાળકો સદીઓથી બનેલી ભારતીય સામાજિક વ્યવસ્થા પ્રમાણે નથી હોતાં તેથી સજાતિય સંબંધો ધરાવતાં લોકોનાં લગ્ન ભારતીય પરંપરા પ્રમાણે ના કહેવાય.

કેન્દ્ર સરકારે તો સજાતિય સંબંધો ધરાવતાં યુગલો દ્વારા ઉછેરાતાં બાળકોની તુલના ભારતીય પરિવારમાં પતિ-પત્ની તરીકે પેદા થતાં અને ઉછરતાં બાળકોની સાથે કરી શકાય નહીં એવી દલીલ પણ કરી હતી. કેન્દ્ર સરકારે સજાતિય સંબંધોને કાયદેસર ગણવા સામે વાંધો નહોતો લીધો. બલ્કે દલીલ કરેલી કે, દેશના દરેક નાગરિકને પ્રેમ કરવાનો અને પોતાના પ્રેમને વ્યક્ત કરવાનો અધિકાર છે. આ અધિકારમાં કેન્દ્ર સરકાર દખલ કરતી નથી તેથી સજાતિય સંબંધોને અપરાધ ગણવાના ચુકાદા સામે કોઈ વાંધો નથી પણ તેનો અર્થ એ નથી કે સજાતિય સંબંધો ધરાવતાં લોકોને લગ્ન કરવાની મંજૂરી આપવી જોઈએ.

કેન્દ્ર સરકારે સ્પેશિયલ મેરેજ એક્ટનો ઉલ્લેખ પણ કરેલો. સ્પેશિયલ મેરેજ એક્ટમાં સ્ત્રી અને પુરુષના લગ્નનો ઉલ્લેખ છે પણ સજાતિય સંબંધો ધરાવતાં લોકોના લગ્નને કાયદાકીય માન્યતા આપવામાં આવશે તો સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવાનો હેતુ નષ્ટ થશે અને તેની અસર સમગ્ર સમાજ પર પડશે એવી દલીલ પણ કેન્દ્ર સરકારે કરી હતી. કેન્દ્રના વિરોધને પગલે સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય બેંચને આ મામલો સોંપ્યો હતો.

કેન્દ્ર સરકારે આ સુનાવણી પહેલાં સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ કરીને સજાતિય લગ્નની તરફેણમાં કરાયેલી દલીલો સામે સવાલ ઉઠાવ્યા હતા. આ કાઉન્ટર એફિડેવિટમાં આક્ષેપ કરાયેલો કે, સજાતિય સંબંધો ધરાવતાં લોકોનાં લગ્નને કાયદેસર બનાવવાની માગ શહેરી એલિટ ક્લાસની છે, સામાન્ય લોકોને તેની સાથે લેવાદેવા નથી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આ તમામ દલીલોને માન્ય રાખી નથી પણ સજાતિય સંબંધોને કાયદેસરતા આપવાનો અધિકાર સંસદને હોવાનું સ્વીકાર્યું છે. હવે મોદી સરકાર સજાતિય લગ્નની તરફેણમાં જ નથી ત્યારે કાયદામાં ફેરફાર કરીને તેને કાયદેસરતા આપે એવી આશા તો ક્યાંથી રાખી શકાય ? ટૂંકમાં ભારતમાં સજાતિય સંબંધોને માન્યતા આપવાનું પ્રકરણ અહીં પૂરું થાય છે.
મોદી સરકારનું વલણ ઘણાંને આંચકાજનક લાગે પણ ભારતમાં બહુમતી વર્ગ સજાતિય સંબધોને સારી નજરે જોતો નથી એ જોતાં મોદી સરકારે પોપ્યુલારિસ્ટ એપ્રોચ એટલે કે લોકપ્રિય થવાય એવો અભિગમ અપનાવ્યો હતો. સજાતિય લગ્નો સામે તમામ ધર્મના વડાઓનો વિરોધ છે. સુપ્રીમ કોર્ટે સજાતિય સંબંધોને માન્યતા આપી ત્યારે પણ તેમણે વિરોધ કરેલો ને સજાતિય લગ્નને માન્યતાની વાત આવી ત્યારે પણ વિરોધ કરેલો એ જોતાં મોદી સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

સુપ્રીમ કોર્ટે પણ સાવચેતીભર્યો અભિગમ અપનાવીને સંઘર્ષ ટાળ્યો છે. સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ ૩૭૭ નાબૂદ કરીને સજાતિય સંબંધોને માન્યતા આપી છે. આઈપીસીની કલમ ૩૭૭ પણ સંસદે જ બનાવેલી હતી પણ સુપ્રીમ કોર્ટે તેને ગેરકાયદેસર જાહેર કરી હતી એ જોતાં આ વખતે પણ સુપ્રીમ કોર્ટ એવું વલણ અપનાવે તેવી શક્યતા હતી પણ સુપ્રીમ કોર્ટે તેના બદલે સંસદના અધિકારને માન્ય રાખીને સારું કર્યું.

ભારતમાં સજાતિય સંબંધોને માન્યતા છે પણ લગ્નને નથી એ વિરોધાભાસી કહેવાય. બે વ્યક્તિ સજાતિય સંબંધ રાખી શકે પણ લગ્ન ના કરી શકે એ વિચિત્ર લાગે પણ દેશની સંસદે બનાવેલા કાયદાને બધાંએ માનવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

Back to top button