ચહેરા મોહરા – પ્રકરણ: 33
![chehra-mohra-chapter-33](/wp-content/uploads/2025/01/face-of-mohra-chapter-3-image.webp)
પ્રફુલ્લ કાનાબાર
એ હજુ તો લગ્નજીવનના સુખનો અહેસાસ કરે એ પહેલાં તો કુદરતે એને કારમી થપાટ મારી દીધી હતી. કેટલાકનાં નસીબમાં સુખ માત્ર વીજળીના ચમકારા જેવું જ હોય છે! હમ્મ… તો છેલ્લે મુંબઈમાં પકડાયેલ ડ્રગ્સના મોટા જથ્થાનું પગેરું અહીં સુધી પહોંચ્યું હતું. હા.. નંદગીરી ગોસ્વામીના નેપાળથી આવતા નકલી રુદ્રાક્ષનું રેકેટ ડ્રગ્સ સાથે પણ સંકળાયેલું હતું! બીજે જ દિવસે જાહેર જનતા સમક્ષ કરોડોનાં ડ્રગ્સ અને નકલી રુદ્રાક્ષના કૌભાંડનો પર્દાફાશ થયો એ સાથે જ ટીવીમાં બ્રેક્રિગ ન્યુઝમાં તમામ આરોપીઓ સાથે ઝડપાયેલા નકલી રુદ્રાક્ષ અને ડ્રગ્સના જથ્થાનાં દૃશ્યો પણ દર્શાવાઈ રહ્યાં હતાં. તુલસીરામ બાપુ, અંકુશ, નંદગીરી ગોસ્વામીની સાથે મુંબઈ અને નેપાળના અનેક શકમંદોની પણ ધરપકડના સમાચાર એમાં હતા. એંશી વર્ષના ઉદ્યોગપતિ બળવંતરાય પાટડિયા અને એમના ત્રીસ વર્ષ પહેલાં ખોવાયેલા પૌત્ર સોહનના સુભગ મિલનના ફોટા સાથે મીડિયાએ એમને ખાસ્સું કવરેજ આપ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાતનાં તમામ અખબારોમાં દાદાજી અને પૌત્રના ફોટા પ્રથમ પાને ચમક્યા હતા.
સોહન હવે દાદાજીના ત્રણ હજાર કરોડની પ્રોપર્ટીનો એકમાત્ર વારસદાર હતો. મુંબઈના બળવંતરાયની હવે એકમાત્ર અંતિમ ઇચ્છા સોહનને ઘોડે ચડતો જોવાની હતી. બીજી તરફ, સોહન લગ્ન કરવાની હા પાડતો નહોતો. કોઈ પણ માણસના જીવનમાં કેટલીક ચોટ એવી હોય છે, જે ભુલાઈ ગયેલી હોવા છતાં અમુક સંજોગોમાં માણસની જાણ બહાર જુસ્સાભેર સપાટી પર આવી જતી હોય છે!
સોહનને એની એક સમયની ફ્રેન્ડ-પ્રેમિકા શિવાની યાદ આવી ગઈ. કોઈ પણ વ્યક્તિ માટે પ્રથમ પ્રેમને ભૂલવું આસાન નથી હોતું. સોહનની પણ એ જ દશા હતી. શિવાનીની બેવફાઈ બાદ લાખ કોશિશ કરવા છતાં પણ એ એને ભૂલી શક્યો નહોતો. જીવનમાં કેટલાક નિર્ણયો પરિસ્થિતિને અનુરૂપ હોય છે. સોહનથી એના પાલક પિતાનું ખૂન થઈ ગયું અને શિવાની એને છોડીને એના જીવનમાંથી જતી રહી એ ઘટના સમય અને સંજોગોને આધીન હતી એવું સોહનને આટલાં વર્ષો બાદ લાગી રહ્યું હતું. સોહન મનોમન વિચારી રહ્યો.. ક્યાં હશે શિવાની? કાશ, જીવનમાં એકાદ વાર પણ એને મળવાનું થાય તો એને પ્રપોઝ કરવું જ છે. જોકે, સૌથી મોટો યક્ષપ્રશ્ન તો એ હતો કે આજ સુધી એ કુંવારી હશે ખરી?
મુંબઈમાં રહેતી મિડલ ક્લાસ ફૅમિલીની એક યુવતી અખબારમાં છપાયેલા સોહમના ફોટાને શિવાની સજળ નેત્રે ધ્યાનપૂર્વક નિહાળી રહી હતી. ટીનએજથી જ સોહમ પ્રત્યેનો ધરબાયેલો પ્રેમ આજે અખબારમાં એના ફોટાને જોઈને ફરીથી આળસ મરડીને બેઠો થયો હતો! એ મનોમન વિચારી રહી.. સોહમ તો એ જ હતો બસ એનું નામ `સોહન’ થઈ ગયું છે. અચાનક એનું મન વિદ્રોહ કરવા લાગ્યું.. ના .. માત્ર સોહમનું નામ જ નહોતું બદલાયું. એની સ્થિતિ-પરિસ્થિતિ પણ બદલાઈ ચૂકી હતી-છે. એનું સ્ટેટસ – એનું ભાગ્ય પણ પલટાઈ ચૂક્યું હતું. હવે એ ગર્ભશ્રીમંત પરિવારનો એક માત્ર કરોડપતિ વારસદાર બની ગયો છે!
સતત ચોવીસ કલાક સોહમના જ વિચોરોમાં મશગૂલ શિવાની બીજે દિવસે સવારે સ્નાન કરીને સાડી પહેરીને ભીના રેશમી વાળ સાથે બાથરૂમના ફૂલ સાઈઝના મિરર સામે ઊભી રહી. અચાનક એને ખ્યાલ આવ્યો કે આજે એણે પહેરેલી સાડી જોગાનુજોગ સફેદ રંગની હતી. એ વિચારી રહી.. સોહમને સફેદ કલર ખૂબ જ ગમતો હતો. અચાનક સામે દેખાતું પ્રતિબિંબ જાણે બોલી ઊઠ્યું: સોહમનાં સપનાં જોવાનાં રહેવા દે.. શિવાની, હવે એ સોહમમાંથી સોહન થઈ ગયો છે.'
તો શું થયું? એના હૃદયમાં દિલ તો મારા સોહમનું જ ધડકે છે ને?’ શિવાની બોલી ઊઠી. `શિવાની, હવે તારું સ્ટેટસ પણ બદલાઈ ગયું છે. તારી પણ એક અજાણ્યા યુવક સાથે સગાઈ થઈ ચૂકી હતી ને હવે તું…..!’ પ્રતિબિંબ બોલી ઊઠ્યું. શિવાનીએ એના બંને કાન આડે હાથ રાખી દીધા.
`શિવાની, કાન આડે હાથ રાખવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી.’ પ્રતિબિંબ ફરીથી બોલી ઊઠ્યું. હા..સોહમ સાથેના બ્રેક અપ બાદ શિવાનીની સગાઈ મૌલિન સાથે થઈ હતી. પિતાની જવાબદારી ઓછી થાય અને અપર માના ત્રાસથી છૂટવા માટે લગ્ન કર્યા સિવાય છૂટકો પણ ક્યાં હતો? પિતાએ ગોઠવેલાં એ લગ્ન હતાં. મધ્યમ વર્ગના મૌલિનનો પરિવાર જાન લઈને મુંબઈથી અમદાવાદ આવે એવું નક્કી થયું હતું. એરેન્જ મેરેજમાં બંને પાત્રને એકબીજાને સમજવા માટે ખાસ્સો સમય લાગી જતો હોય છે. શિવાની માટે એ દિવસો ભારે કસોટીમય હતા. જેને એ ચાહતી હતી એ સોહમને ભૂલીને એક તદ્દન અજાણ્યા પાત્રની સાથે લગ્નજીવન માંડવું એ શિવાની માટે અગ્નિપરીક્ષા સમાન હતું! મૌલિન સાથે નવી જિંદગીની હજુ તો શરૂઆત થવાની હતી ત્યાં શિવાનીના જીવનમાં કરુણ વળાંક આવ્યો હતો. લગ્નના હજુ માત્ર પંદર દિવસ બાકી હતા ત્યાં મુંબઈમાં લોકલ ટે્રનના એક અકસ્માતમાં મૌલિને જીવ ગુમાવ્યો હતો… શિવાની હજુ તો લગ્નજીવનના સુખનો અહેસાસ કરે એ પહેલાં તો કુદરતે એને કારમી થપાટ મારી દીધી હતી. કેટલાકનાં નસીબમાં સુખ માત્ર વીજળીના ચમકારા જેવું જ હોય છે!
શિવાનીને અપર મા પાસે રહેવું ન હતું. એ પિતાની ઇચ્છા વિરુદ્ધ અમદાવાદ છોડીને મુંબઈ સ્થળાંતર કરીને અહીં જ એક જૉબમાં જોડાઈ ગઈ હતી. જૉબ કરતી હતી તેથી આત્મનિર્ભર તો હતી જ. કોઈ પણ માણસની જિંદગી જિગ્સો પઝલ જેવી હોય છે. જેના ચોખંડા બરોબર ગોઠવાઈ જાય એને વાંધો નથી આવતો, પણ કેટલાકના ચોખંડા બરોબર ગોઠવાય એ નિયતિને મંજૂર નથી હોતું. સુંદર શિવાની માટે પણ નવા જ શહેરમાં ભૂખ્યા વરુ જેવા પુરુષોની લોલુપ નજરમાંથી બચીને રહેવાનું પડકારજનક તો હતું જ. સમય વીતતો ગયો. ધીમે ધીમે મુંબઈમાં એકલી રહીને નોકરી કરતી લાખો યુવતીની જેમ શિવાનીએ પણ પોતાની જાતને નવા જ વાતાવરણમાં ગોઠવી દીધી હતી. યુવાનીના આવેગ ક્યારેક શિવાનીના મનને ઘેરી લેતા ત્યારે એના મનનો કબજો સોહમ જ લઈ લેતો.
શિવાની ફરીથી વિચારોના ચક્રવાતમાં અટવાઈ પડી. કાશ.. સોહમની જેલમાંથી છૂટવા સુધી રાહ જોઈ હોત તો? જીવનમાં આવતાં કેટલાંક વાવાઝોડાં માણસને એકલતાના અલગ કિનારે લઈ જવા માટે જ આવતાં હોય છે! એકલતાના અજગરે શિવાનીના જીવનનો જબરદસ્ત ભરડો લીધો હતો. એ વિચારી રહી.. સોહમને જ્યારે એના સાથની જરૂર હતી ત્યારે એણે સોહમ સાથે છેડો ફાડી નાખ્યો હતો એ દૃષ્ટિએ તો શિવાની બેવફા જ હતી!
બીજું કે હવે જો એ સોહમ પાસે સામે ચાલીને જાય તો સોહમ તો એમ જ માને કે એના ધનવૈભવને કારણે જ શિવાની એની પાસે પરત આવી છે! શિવાનીએ જોયું કે પેલું પ્રતિબંબ એની સામે જોઈને એના પર હસી રહ્યું હતું. શિવાની એકદમ જ અકળાઈ ગઈ. એ ચીસ પાડીને બોલી: `હા..હું લગ્ન પહેલાં વિધવા બની છું… આજે પણ મારા દિલમાં સોહમ પ્રત્યેનો પ્રેમ ધબકે છે. મને પણ ફરીથી લગ્ન કરવાનો અધિકાર છે.’
શિવાની, અધિકાર છે, તો જા પહોંચી જા તારા એ પ્રથમ પ્રેમ પાસે… અને કરી લે ઝેરનાં પારખાં..’ પ્રતિબિંબ બોલી ઊઠ્યું. ઝેરનાં પારખાં’ શબ્દ શિવાનીની છાતી ચીરીને આરપાર નીકળી ગયો. એણે સામે દેખાતા મિરર સામે ધ્યાનપૂર્વક જોયું. પેલું પ્રતિબિંબ ગાયબ થઈ ચૂક્યું હતું. શિવાનીએ ટોવેલ વડે મિરર પર બાઝેલો ભેજ દૂર કર્યો. બપોર પછી શિવાની થોડી સ્વસ્થ થઈ. આજે રવિવારની રજા હતી. એણે ટેલીફોન ડિરેક્ટરીમાંથી બળવંતરાયના મલબારહિલના બંગલાનો લૅન્ડ લાઈન નંબર શોધી કાઢ્યો. હિંમત કરીને ફોન લગાવ્યો. સામે છેડે રિંગ વાગવાનો અવાજ સંભળાતો હતો. શિવાનીના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. સામે છેડે રિંગ વાગી રહી હતી ત્યારે શિવાનીએ મનોમન ખુદની સાચી જ ઓળખ આપવાનું નક્કી કરી લીધું હતું. દસેક રિંગ વાગ્યા બાદ બળવંતરાયે ફોન ઉપાડ્યો. વૃદ્ધ અવાજ સાંભળીને શિવાનીએ મક્કમતાથી પણ નમ્રતાના ભાવ સાથે કહ્યું : `સર, મારું નામ શિવાની છે. હું સોહન સાથે સ્કૂલમાં હતી. અમદાવાદમાં એના પડોશમાં જ રહેતી હતી. સોહન સાથે વાત કરી શકું?’ શિવાની એક જ શ્વાસે બોલી ગઈ.
સોહન બહાર ગયો છે. દીકરી, તારે એને રૂબરૂ મળવું હોય તો એ એકાદ કલાકમાં ઘરે પરત આવી જશે.’ બળવંતરાયના અવાજમાં જે લાગણી છલકાતી હતી એ અનુભવીને શિવાનીથી અનાયાસે જ બોલાઈ ગયું:ઓકે, હું ત્યાં આવું છું.’ફોન કટ થયા બાદ શિવાનીએ વિચાર્યું કે બે ટે્રન બદલીને ત્યાં સુધી પહોંચતાં દોઢેક કલાક તો થઈ જ જશે. શિવાનીએ સફેદ સાડીમાં જ ત્યાં જવાનું નક્કી કરી લીધું. કોઈ પણ સંજોગોમાં સત્યનો સાથ નહીં છોડવાનું પણ મનોમન નક્કી કરી લીધું. એ ઘરેથી નીકળી ત્યારે એ એકલી નહોતી એનો આત્મવિશ્વાસ પણ એની સાથે જ હતો.
સિક્યોરિટી સ્ટાફે શિવાનીનું નામ જાણીને તરત જ અંદર જવા દીધી એટલે એ સમજી ગઈ કે દાદાજીએ જ એના થનારા આગમન વિશે સ્ટાફને અગાઉથી જણાવી દીધું હોવું જોઈએ. બંગલામાં પ્રવેશ્યા બાદ શિવાનીએ જોયું કે વિશાળ ડ્રોઈંગ હોલમાં વોલ ટૂ વોલ કાર્પેટ, છત પર લટકતાં ઈરાની ઝુમ્મરો અને દીવાલ પર લગાવેલાં મોંઘાં ઈમ્પોર્ટેડ પોટે્રટ બંગલાની જાહોજલાલીની ચાડી ખાતાં હતાં… કલાત્મક સીડી પરથી બ્લ્યુ જીન્સ અને રેડ ટીશર્ટ પહેરેલો સોહન ધીમા પગલે ડ્રોઈંગ હોલમાં ઊતર્યો. ઓહ, શિવાની, આટલાં વર્ષે?’ એ શિવાનીની સફેદ સાડી તરફ તાકી રહ્યો.હા સોહન, મારાં લગ્ન નક્કી થઈ ગયાં હતાં, પણ લગ્નના માત્ર પંદર દિવસ પહેલાં મારા ભાવિ પતિનું ટે્રન અકસ્માતમાં..’
શિવાની ધ્રૂસકે ચઢી. એ આગળ બોલી ન શકી. મારે એ બધી તારી વાત જાણીને તને વધારે દુ:ખી નથી કરવી. હું તને હજુ પણ અપનાવવા માગું છું.’ સોહને સીધી મુદ્દાની વાત કરી.ખરેખર?’ શિવાનીને એના કાન પર ભરોસો બેસતો નહોતો. `હા ખરેખર.. પણ સાચું કહું તો હું અહીં સુધી આવ્યો હતો ધન-દોલતની લાલચથી…. પણ હવે મારા વિચારો બદલાઈ ગયા છે. હું આજે જ પહેરેલ કપડે અહીંથી નીકળી જવાનો છું. બોલ, તું મને સાથ આપીશ?’
સોહન, મારા માટે તો તું જ દુનિયાની સૌથી મોટી ધન-દોલત છે. મને કોઈ બહારના વૈભવની જરૂર નથી.. જો તું સાથે હોય તો… આમ પણ આપણી પાસે ત્યારે પણ શું હતું? સિવાય કે પરસ્પરનો પ્રેમ અને લાગણી.. હું તો તારી પાસે આજે પણ એ જ ઝંખું છું!’ શિવાનીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જવાબ આપ્યો. અચાનક અંદરના હોલમાંથી તાળીઓ પાડતાં દાદાજી આવી પહોંચ્યા:દીકરી, સોહને મને થોડી વાર પહેલાં જ તમારા બાળપણમાં જ પાંગરેલા પ્રેમ વિશે વિગતવાર માહિતી આપી છે. તું આટલાં વર્ષો બાદ અહીં માત્ર સોહન માટે જ આવી છો કે એના પૈસા માટે એ જાણવું મારા માટે અત્યંત જરૂરી હતું. દીકરી, તું મારી પરીક્ષામાં પાસ થઈ ગઈ છો. મને તારા પર ગર્વ છે.’ બળવંતરાયે પ્રેમથી શિવાનીના માથે હાથ ફેરવ્યો.
સોહન અને શિવાની દાદાજીના પગમાં પડી ગયાં.
(સમાપ્ત)