સ્થાપત્યમાં જરૂરી દૃશ્ય-અનુભૂતિ
![Visual perception in architecture, building design and visual elements](/wp-content/uploads/2025/02/visual-perception-in-architecture.webp)
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
એ તો સ્વાભાવિક છે કે મકાન ઉપયોગીતા માટે બનાવાય છે. સ્થાપત્યની રચના પાછળનું મૂળ હેતુ માનવીના જે તે વ્યક્તિગત કે સામૂહિક કાર્ય માટે સગવડતા ઉભી કરવાનો હોય છે. સાથે સાથે એ પણ જરૂરી છે કે સ્થાપત્યમાં ચોક્કસ પ્રકારની દૃશ્ય અનુભૂતિ સ્થપાય. યોગ્ય રીતે નિર્ધારિત કરાયેલ દૃશ્ય અનુભૂતિ મકાનની પ્રારંભિક સ્વીકૃતિમાં મદદરૂપ થતી જોવા મળે છે. જો મકાન પહેલી નજરે જ પ્રશ્નો ઊભા કરે તો લાંબા સમયે આ પ્રશ્નો વધવાની તેમ જ જટિલ થવાની સંભાવના હોય છે. બેંકનું મકાન મલ્ટિપ્લેક્સની શૈલીમાં ન બનાવાય અને મલ્ટિપ્લેક્સનું મકાન લશ્કરી છાવણી જેવું ન લાગવું જોઈએ. માનવીના મનમાં પ્રત્યેક મકાન માટે એક છબી અંકિત થયેલી હોય છે, તેની સાથે અમર્યાદિત છૂટછાટ લેવી હિતાવહ નથી. તે પ્રકારની રચના કોઈપણ સંજોગોમાં સહજતામાં સ્વીકાર્ય ન બને.
બેંકમાં લોકો પોતાની જીવનભરની મૂડી મૂકતા હોય છે અને તેથી બેંકના મકાનની અનુભૂતિમાં સ્થાયિત્વનો ભાવ ઊભરે તે ઇચ્છનીય ગણાય. સાથે સાથે, બેંકના મકાનમાં વિશ્વસનીયતા તેમજ સલામતી પણ વ્યક્ત થવી જોઈએ. આની માટે બાંધકામની સામગ્રીની પસંદગી ઉપરાંત ચોક્કસ પ્રકારનું દળદાર બાંધકામ મદદરૂપ થઈ શકે. અનુશાસન એ શિક્ષણનો એક ભાગ છે. અનુશાસનને કારણે શિક્ષણ વધુ સરળ બની રહે તેમ વૈજ્ઞાનિક રીતે સ્થાપિત કરાયું છે. તેથી શૈક્ષણિક સંસ્થાના મકાનમાં શિસ્ત દેખાવી જોઈએ, અને આ શિસ્ત સાથે થોડી મુક્તતાની સંભાવના પણ હોવી જોઈએ. મકાનમાં શિસ્તની અનુભૂતિની સ્થાપના માટે મકાનના વિવિધ ભાગોના પુનરાવર્તનમાં નિયમબદ્ધતા સ્થાપી શકાય. સાથે સાથે, આ માટે, ભૌમિતિક આકારોનું પ્રયોજન પણ મદદરૂપ થઈ શકે.
માનવી જ્યારે થાકી જાય ત્યારે મનોરંજન તરફ વળે. મનોરંજન માટે તે ચોક્કસ પ્રકારની નવીનતાનો આગ્રહ રાખતો હોય તે સ્વાભાવિક છે. રોજિંદુ જીવન તો તેનું જતું જ હોય છે, પરંતુ જ્યારે માનવી થાકે ત્યારે તે કંઈક જુદું જ અનુભવવા ઈચ્છે છે. તેથી જ મલ્ટિપ્લેક્સ જેવા મનોરંજન માટેના મકાનોમાં નાટકીયતા દેખાવી જોઈએ. અહીં રંગ, વિધ વિધ પ્રકારના આકારો, સપાટીની ઇચ્છિત બરછટતા જેવી બાબતોનો સંતુલિત ઉપયોગથી આ પ્રકારનો ભાવ ઉભારી શકાય. સરકારી કામકાજ માટે ચોક્કસ સ્થાને જવું તો પડે જ. આવા મકાનની મુલાકાત એક રીતે મજબૂરી સમાન હોય છે. આવું મકાન જો આવકારતું હોય તો માનવીને સારું ફીલ થાય. મકાનની દૃશ્ય અનુભૂતિ દ્વારા એ પણ સ્થાપિત થવું જોઈએ કે અહીં માત્ર નિયમોનું પાલન થશે. તેથી જ સરકારી કાર્યાલયના મકાનોમાં પણ નિયમબદ્ધ આયોજન જરૂરી છે. આ મકાનની અનુભૂતિમાં પણ વિશ્વસનીયતા સ્થપાય એ જરૂરી છે. આ પ્રકારની વિશ્વસનીયતા સાથે આ મકાનો આવકારતાં પણ લાગવા જોઈએ. અહીં વ્યક્તિને એવી અનુભૂતિ ન થવી જોઈએ કે `અહીં પ્રવેશ કરવા જેવો નથી.’ વ્યક્તિને અહીં પોતાપણું અનુભવાવું જોઈએ. આ માટે જે તે વિસ્તારની પરંપરાગત શૈલી તથા માનવીય પ્રમાણમાપનો પ્રયોગ ઇચ્છનીય ગણાય. સાથે સાથે જે તે વિસ્તારની પરંપરાગત બાંધકામની સામગ્રીનું ચયન પણ મદદરૂપ થાય.
સામાજિક સંસ્થાઓ સમાજના માળખાના કેન્દ્રમાં હોય છે. અહીં સમાજનો અગ્રતાક્રમ તથા પરંપરા દૃઢતાથી વ્યક્ત થાય તે જરૂરી છે. તેથી જ સામાજિક સંસ્થાના મકાનોમાં સામાજિક પરંપરા માટે સન્માન વ્યક્ત થવું જોઈએ. સામાજિક સંસ્થાના મકાનો સંસ્કૃતિના વિકાસની શૃંખલામાં એક કડી સમાન હોય છે. આ કડીની બનાવટ સ્થાપત્યની સ્થાનિક શૈલી તથા જે તે વ્યક્તિ સમૂહની સાંસ્કૃતિક વિરાસત અનુસારની હોવી જોઈએ. આ પ્રકારના મકાનોમાં આવી અનુભૂતિ સ્થાપવા માટે ત્યાંના ઐતિહાસિક સ્થાપત્ય-શૈલીનો સહારો લઈ શકાય. આ સિવાય પણ જે તે સાંસ્કૃતિક – સામાજિક પ્રતિકોનો ઉપયોગ પણ મદદરૂપ થઈ શકે.
મંદિરને ધાર્મિકતા તેમ જ આધ્યાત્મિકતાનું કેન્દ્ર ગણવામાં આવે છે. અહીં ઈશ્વર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંવાદ સ્થપાવવાની સંભાવના હોય છે. મંદિર સ્થાપત્ય તો આમ પણ વિશેષ ગણાય છે. અહીં સિદ્ધાંતો સાથે બાંધછોડ શક્ય નથી. આ પ્રકારના સ્થાપત્યમાં શુદ્ધતા, ચોકસાઈ, પરંપરાગત સ્થાપત્યકિય મૂલ્યો તથા આધ્યાત્મિક તત્વજ્ઞાનનું યથાર્થ અર્થઘટન મહત્ત્વનાં બની રહે છે. મંદિરમાં આ ભાવ સ્થાપિત કરવા માટે ભૌમિતિક આકારોની ભૌમિતિક ગોઠવણ સૌથી અગત્યની ગણાય છે. આ આકારો પણ પ્રાથમિક અને શુદ્ધ હોય તે જરૂરી છે. તે ઉપરાંત બાંધકામની સામગ્રી પણ ચોક્કસ પ્રકારનો ભાવ ઉભો કરવા સમર્થ હોય છે.
આ બધા સાથે આવાસની ચર્ચા પણ જરૂરી છે. આવાસ એ વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. તે વ્યક્તિના અગ્રતાક્રમ તેમ જ પસંદગીની પ્રસ્તુતિ છે, વ્યક્તિના સામર્થ્ય તેમજ સમાજમાં તેના સ્થાનની રજૂઆત છે. વ્યક્તિનો પરંપરા તેમ જ સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ આવાસમાં વ્યક્ત થતો હોય છે. એકંદરે આવાસ એ વ્યક્તિના પ્રસાર સમાન છે એમ કહી શકાય. તેથી આવાસની અનુભૂતિમાં જે તે વ્યક્તિ સંપૂર્ણતામાં પ્રતિબિંબિત થવો જોઈએ. તેના આવાસમાં તેનો ભૂતકાળ સચવાયેલો હોવો જોઈએ, તેનો વર્તમાન ઊભરવો જોઈએ અને તેનું સંભવિત ભવિષ્ય પણ કંડારાયેલું હોવું જોઈએ. આ સંદર્ભમાં આવાસ એક જટિલ રચના બની રહે. તેમાં વ્યક્તિગતતા સૌથી વધુ મહત્ત્વની હોવાથી અન્ય મકાનોમાં જે શક્ય છે તે પ્રમાણેનું આલેખન સંભવી ન શકે.
ઉદાહરણ બીજા પણ આપી શકાય. અહીં મુદ્દો એ છે કે મકાનની દૃશ્ય અનુભૂતિનું પણ એક મહત્ત્વ છે. જો યોગ્ય સંદર્ભમાં, યોગ્ય પરિસ્થિતિ પ્રમાણે, યોગ્ય શૈલીની અનુભૂતિ સર્જવામાં આવે તો મકાનની સ્વીકૃતિ વધી જાય, જેને પરિણામે તેની ઉપયોગીતા પણ વધે અને ઉપયોગીતાની અસરકારકતા પણ વધે.