ટેરિફ વોર: શું યુએસએ વધુ એક વાર ગ્રેટ ડિપ્રેશન’ તરફ ધકેલાશે?મહા મંદી’નું દૃશ્ય

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
કોઈ એક જૂની ફિલ્મનો કોમેડી સીન યાદ આવે છે. એક પાર્ટીમાં મહાલી રહેલા એક સજ્જનનો કોટ કોઈક કારણસર ફાટી જાય છે. પેલા સજ્જન વળતા પગલા તરીકે બીજા એક સજ્જનનો કોટ ફાડી નાખે છે. અને પછી તો એકબીજાનાં કપડાં ફાડવાની જે હોડ લાગે છે એના પરિણામે પાર્ટીનું દૃશ્ય હુલ્લડમાં પલટાઈ જાય છે….
આજે આવો જ સિનારિયો સર્જાયો છે. અત્યારે વિશ્વના મોટા મોટા નેતાઓ આવું જ હુલ્લડ મચાવવાના મૂડમાં છે. ટ્રમ્પે બીજી ટર્મ શરૂ થતાવેંત ચીન, મેક્સિકો અને કેનેડાથી આયાત થતી પ્રોડક્ટ્સ પર ભારેખમ જકાત લાદીને ટેરિફ વોર'નું રણશિંગુ ફૂંક્યું છે. જવાબમાં આ ત્રણેય દેશોએ પણ અમેરિકી સામાન પરના ટેરિફ દરોમાં વધારો કર્યો છે. આવનારા દિવસોમાં યુરોપ પણ આ બબાલમાં લપેટાયા વિના રહેવાનું નથી. આ
ટેરિફ વોર’નો અંજામ શું આવશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે, પણ ટેરિફ વોરના અમુક ઐતિહાસિક પ્રસંગો જાણવા જેવા છે.
સાદી ભાષામાં `ટેરિફ’ એટલે વિદેશમાંથી આયાત થયેલા માલ ઉપર લાગતી જકાત. જ્યારે બે દેશ વચ્ચે રાજકીય સંબંધો બગડે અથવા વધુ પડતી આયાતને કારણે કોઈ એક દેશના અર્થતંત્રને નુકસાન થતું હોય ત્યારે આયાતી માલ પર ધરખમ જકાત લાદવામાં આવે છે, જેથી દેશની પ્રજા વિદેશી માલનો મોહ છોડીને દેશી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલો માલ ખરીદવા પ્રેરાય. નિષ્ણાતો માને છે કે ટેરિફ લાદવાથી દેશના અર્થતંત્રમાં નજીકનો ફાયદો અને દૂરનું નુકસાન જોવા મળે છે.
જો કે આ મામલો બહુ પેચીદો છે. અહી બે ઉદાહરણ જાણવા જેવા છે. આ બંને ઉદાહરણ 1920-1930 વચ્ચેના છે. એ સમયે જર્મની અને પોલેન્ડને એકબીજા સાથે અણબનાવ. (આ એ સમય હતો જ્યારે જર્મની દેશનું સત્તાવાર નામ પણ થોડાં વર્ષો માટે બદલાઈ ગયેલું! જેની વાત ફરી ક્યારેક.) પોલેન્ડને જર્મનીએ દાઢમાં રાખેલું. એને આર્થિક ફટકો મારવાની તક માટે જર્મની ચુકે નહિ. બીજી તરફ, પોલેન્ડની પોતાની પરિસ્થિતિ સાવ ડામાડોળ. વધારાનો આર્થિક ફટકો વાગે તો પોલેન્ડનું અર્થતંત્ર તૂટી પડે. ભૌગોલિક પરિસ્થિતિ એવી કે પોલેન્ડે પશ્ચિમ યુરોપ સુધી પોતાનો માલ પહોંચાડવો હોય તો જર્મનીમાંથી પસાર થવું પડે. જર્મનીએ મોકાનો ફાયદો ઉઠાવીને પોલેન્ડથી આયાત થતા સ્ટીલ અને કોલસા ઉપર ભારે કર નાખ્યો. શરૂઆતમાં જર્મની જે ઈચ્છતું હતું એ મુજબનાં જ પરિણામ દેખાયાં . પોલેન્ડમાં ભારે આર્થિક મંદી આવી, પણ પછી પોલેન્ડે વળતી લડત આપી. કોલસો અને સ્ટીલ જેવા પોતાના ઉત્પાદનોને ઘરઆંગણે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા, જેને પરિણામે પોલેન્ડમાં બે મહત્ત્વના ડેવલપમેન્ટ થયા. એક તો પોલિશ કોલ ટ્રંક લાઈન' નામનું દેશનું સૌથી મોટું રેલ નેટવર્ક વિકસ્યું. અને બીજું મહત્ત્વનું કામ એટલે
પોર્ટ ઓફ ગીડિન્યા’ નામક અત્યંત મહત્ત્વના બંદરનો વિકાસ. આ પોર્ટને કારણે પોલેન્ડને પોતાનો માલસામાન પશ્ચિમી યુરોપ સુધી પહોંચાડવાનો માર્ગ મળી ગયો. ટૂંકમાં જર્મનીએ લાદેલા ટેરિફ પોલેન્ડ માટે લાંબા ગાળે આશીર્વાદરૂપ નીવડ્યા. નવા વેપારી માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પોલેન્ડને યુરોપમાંથી નવા ટે્રડ પાર્ટનર દેશ મળ્યા.
બીજી તરફ જર્મનીના કુલ વેપારના 4-5% જેટલો જ વેપાર પોલેન્ડ સાથે હતો એટલે જર્મનીને પણ ખાસ ફરક પડ્યો નહિ.
ટેરિફ વોરનો બીજો દાખલો ખુદ અમેરિકાનો છે. 1922માં અમેરિકામાં વોરન હાર્ડિંગ પ્રમુખપદે હતા. એ વખતે જોસેફ ફોર્ડની અને પોર્ટર મકુમ્બર નામક બે સેનેટર્સની બનેલી કમિટીએ વધારાના ટેરિફ લાદવાની ભલામણ કરી.
ઇતિહાસમાં આ ટેરિફ `ફોર્ડની-મક્કુમ્બર ટેરિફ’ તરીકે જાણીતા છે. બંને મહાનુભાવનો હેતુ એક્સ્ટ્રા ટેરિફ વડે વિદેશી માલને અમેરિકી માલ કરતાં મોંઘો કરવાનો હતો, જેથી અમેરિક્નસ વિદેશી માલનો મોહ છોડીને પ્રમાણમાં સસ્તો અમેરિકી -સ્વદેશી માલ અપનાવે. એમ થાય તો અમેરિકન કંપનીઓને અને સરવાળે દેશના અર્થતંત્રને ફાયદો થાય, એ પણ પાસાં અવળા પડ્યાં અને ઊલટાની મોંઘવારી વધી ગઈ. અમેરિકી કંપનીઝને કાચા માલની આયાત મોંઘી પડતી હતી. લોકો વિવિધ પ્રોડક્ટ્સ ઉપર જે વેલ્યૂ એડેડ ટેક્સ ચૂકવતા હતા, એ વધીને 38 ટકા જેટલા ઊંચા સ્તરે પહોંચ્યો! અહીં બીજો એક એન્ગલ પણ હતો, જે અર્થતંત્રની આંટીઘૂંટી સમજવામાં ઉપયોગી થાય એવો છે. વાત એવી હતી કે જે જે દેશ અમેરિકાને પોતાનો માલ નિકાસ કરતા હતા એમની કમાણી ગોળ ફરીને પાછી અમેરિકામાં જ જતી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આ દેશોએ અમેરિકા પાસેથી મોટા પાયે `વોર લોન’ લીધેલી. અમેરિકાને માલસામાન વેચીને જે કમાણી થાય, એમાંથી જ તો લોનના હપ્તા ભરાતા હતા. અમેરિકાએ ટેરિફ લાદ્યા એમાં આ આખી સાઈકલ ખોરવાઈ ગઈ. એનું નુકસાન અમેરિકાની બેન્ક્સને પણ ભોગવવાનો વારો આવ્યો! નિષ્ણાતોના મતે ટેરિફની દૂરગામી અસરો આનાથી ય ક્યાંય વધુ ખતરનાક હતી. અમેરિકાએ ટેરિફ લાદ્યો એના જવાબી પગલા તરીકે બીજા દેશોએ અમેરિકી માલસામાન પર વળતો ટેરિફ ફટકાર્યો! ફ્રાન્સ દ્વારા અમેરિકી ઓટોમોબાઈલ્સની આયાત પર 45થી 100% જેટલો, જ્યારે સ્પેન દ્વારા અમેરિકન માલ પર 40% ટેક્સ લાદવામાં આવ્યો. જર્મની અને ઈટાલીએ અમેરિકન ઘઉં ઉપર ટેરિફ નાખ્યો. એક સમયે અમેરિકી અર્થતંત્ર ફૂલગુલાબી તેજીમાં હતું, પણ ટેરિફવોરને પ્રતાપે એમાં મોટાં ગાબડાં પડ્યાં.
1929માં શેરબજારમાં ભયંકર કડાકો બોલી ગયો. ડાઉ જોન્સ 381ની સપાટી તોડીને 181 સુધી ગગડ્યો! એ પછીના દસ વર્ષ અમેરિકામાં ભયંકર આર્થિક મંદી રહી. ઇતિહાસના પાને આ સમયગાળો `ગ્રેટ ડિપ્રેશન’ના નામે અંકિત થયો. અર્થશાસ્ત્રીઓ માને છે કે અમેરિકાને ગ્રેટ ડિપ્રેશન તરફ ધકેલવામાં બીજા પરિબળોની સાથે સાથે ટેરિફ વોરનો બહુ મોટો ફાળો હતો. હાલ શરૂ થયેલી ટેરિફ વોરનાં કેવાં પરિણામ આવશે એ તો આવનારો સમય જ કહેશે.