ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી ચૂંટણી પરિણામઃ મતગણતરી શરૂ, આ બેઠકો પર રહેશે નજર

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની (delhi assembly election results) મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ વખતે ચૂંટણી મેદાનમાં 699 ઉમેદવારો છે. સવારે 9 વાગ્યા આસપાસ પ્રથમ વલણ (trend) સામે આવી શકે છે. 5 ફેબ્રુઆરીએ આશરે 13 હજારથી વધારે મતદાન મથકો પર વોટિંગ થયું હતું. જેમાં સરેરાશ 60.54 ટકા વોટિંગ થયું હતું. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મોડી રાત સુધીમાં તમામ 70 વિધાનસભા સીટના પરિણામ જાહેર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં (exit poll) ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના (AAP) કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

આ સીટો પર રહેશે નજર

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના પરવેશ વર્મા અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સાથે છે. અરવિંદ કેજરીવાલ 2013 ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતને હરાવીને આ બેઠક પરથી જીત્યા હતા. તેમણે સતત ત્રણ વખત આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાંઆ બેઠક કેજરીવાલ પાસે છે.

Also read: આ તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, CECએ કરી જાહેરાત

આમ આદમી પાર્ટીએ કાલકાજી બેઠક પરથી મુખ્ય પ્રધાન આતિશીને ટિકિટ આપી છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય અલકા લામ્બાને મેદાનમાં ઉતાર્યા છે. ચહેરાને કારણે કાલકાજી બેઠક ફરી એકવાર હોટ સીટ બની ગઈ છે. આ બેઠક પરથી ભાજપે રમેશ બિધુરીને મેદાનમાં ઉતાર્યા છે. કાલકાજી બેઠકના ઉમેદવાર બિધુરી પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહે છે.

જંગપુરા વિધાનસભા બેઠક આ વખતે ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીએ મનીષ સિસોદિયાને અહીંથી ટિકિટ આપી છે. આ પહેલા મનીષ સિસોદિયા પટપડગંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા હતા. જંગપુરામાં આપના વર્તમાન ધારાસભ્ય પ્રવીણ કુમાર છે, જેઓ પોતાની નોકરી છોડીને અન્ના આંદોલનમાં જોડાયા હતા. પ્રવણી કુમારે 2020ની વિધાનસભા ચૂંટણીમાં 45,086 મતોના અંતરથી જંગપુરા બેઠક જીતી હતી. કૉગ્રેસે ફરહાદ સૂરી અને ભાજપે તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા છે.

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ રાય બાબરપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગોપાલ રાય છેલ્લા 10 વર્ષથી કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ બેઠક પર સૌની નજર રહેશે. લોકો આ બેઠકના ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ સતત ચોથી વખત ગ્રેટર કૈલાશ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના શિખા રાય અને કૉગ્રેસના ગર્વિત સિંઘવી સામે છે. ત્યાં એક વીઆઇપી બેઠક છે. સૌરભ ભારદ્વાજ ચોથી વખત અહીં જીતે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button