આજે જયા એકાદશીઃ જાણો વ્રતનો સમય અને તેનો મહિમા
![Today is Jaya Ekadashi: Know the time of fasting and its glory](/wp-content/uploads/2025/02/jaya-ekadashi-vrat.webp)
હિન્દુ કેલેન્ડર પ્રમાણે માહ મહિનાની શુક્લ પક્ષની તિથીએ આવતી એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વૈષ્ણવપંથીઓ સહિત ઘણા લોકો એકાદશીનું વ્રત રાખે છે. અગિયારસ તરીકે ઓળખાતા આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. વર્ષમાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની મળીને 24 એકાદશી આવે છે. આ વ્રત કરવાથી વૈકુંઠ પામીએ તેવો ભાવ ભક્તોમાં હોય છે.
જયા એકાદશી 7 ફેબ્રુઆરીએ એટલે કે ગઈકાલે રાત્રે 09:26 વાગ્યે શરૂ થઈ છે અને તિથિ 8મી ફેબ્રુઆરીએ એટલે કે આજે રાત્રે 08:14 વાગ્યે સમાપ્ત થશે. વ્રત આજે રાખવામાં આવશે અને પૂજાવિધિ પણ આજે થશે.
જયા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઊઠીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. હવે ભગવાન વિષ્ણુને સામે દીવો કરી ફળ અને તલ ધરો. આ ઉપરાંત તમે તમારી ઈચ્છા પ્રમાણેની મીઠાઈ પણ ધરી શકો છો. જ્યારે પણ ભગવાન વિષ્ણની પૂજા કરો ત્યારે વિષ્ણુ સહસ્ત્રનામના સ્તોત્રનો જાપ કરો, પણ માત્ર ભગવાન સામે બેસો ત્યારે નહીં, આખો દિવસ તમારે વિષ્ણુજાપ કરવો, જેથી મન ખોટા વિચારો અને વિકારોથી દૂર રહે અને પવિત્ર દિવસે તમે ભક્તિભાવ સાથે વ્રત રાખી શકો. એકાદશીના બીજા દિવસે દ્વાદશીના રોજ ઉપવાસ તોડવો.
આ પણ વાંચો…Valentines Day: જ્યારે Nita Ambaniએ મુકેશ અંબાણી સાથે લગ્ન કરવા સસરા સામે મૂકી હતી આ શરત…
જો તમે કોઈપણ કારણસર વ્રત ન રાખી શકો કે ઉપવાસ ન કરી શકો તો પણ મંત્રજાપ તો કરી જ શકો. આ સાથે જેમ બને તેમ નકારાત્મકતાથી દૂર રહો. ઉપવાસ કરવાનું બીજું કારણ આરોગ્ય પણ છે. દર પંદર દિવસે એકાદશી આવે છે. જો તમે આ દિવસે શરીરમાં અન્ન અને મસાલા વગેરે ઓછા આરોગો અને બને તેટલું પાણી અને પ્રવાહી લો તો તમારા શરીરને પણ ફાયદો થશે.
આ પ્રાથમિક માહિતી છે આપ આપના પંડિતને અનુસરો તે હિતાવહ છે.