એશિયામાં હવે પૉન્ટિંગ કે બોર્ડર નહીં, સ્ટીવ સ્મિથ છે `ઑસ્ટ્રેલિયન કિંગ’
ઑસ્ટ્રેલિયન બૅટર હવે વિરાટથી ઘણો આગળ નીકળી ગયો છે, દ્રવિડ-રૂટની બરાબરીમાં થઈ ગયો
![Steve smith puts Gavaskar, Lara, Jayawardane, Younis Khan behind](/wp-content/uploads/2025/01/Steve-smith-puts-Gavaskar-Lara-Jayawardane-Younis-Khan-behind.webp)
ગૉલઃ ઑસ્ટ્રેલિયાના હાલના ટોચના ટેસ્ટ-બૅટર સ્ટીવ સ્મિથે (120 નૉટઆઉટ, 239 બૉલ, એક સિક્સર, નવ ફોર) આજે અહીં શ્રીલંકા સામેની બીજી (સવારે 10.00 વાગ્યાથી)તથા છેલ્લી ટેસ્ટના બીજા દિવસે કરીઅરની 36મી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે વિકેટકીપર ઍલેક્સ કૅરી (139 નૉટઆઉટ, 156 બૉલ, બે સિક્સર, તેર ફોર) સાથે ચોથી વિકેટ માટે 239 રનની અતૂટ ભાગીદારી કરી હતી. સ્મિથે કેટલાક વિક્રમ પોતાના નામે કર્યા છે. શ્રીલંકા વતી ત્રણમાંથી બે વિકેટ નિશાન પેઇરિસે લીધી હતી.
એશિયામાં ટેસ્ટ મૅચો રમી ચૂકેલા ઑસ્ટ્રેલિયન ખેલાડીઓમાંથી જેમણે એશિયામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે એમાં અત્યાર સુધી રિકી પૉન્ટિંગ 1,889 રન સાથે નંબર-વન હતો, પરંતુ હવે કાર્યવાહક કૅપ્ટન સ્મિથ 1,983 રન સાથે મોખરે થઈ ગયો છે અને પૉન્ટિંગ બીજા નંબરે છે. ઑસ્ટ્રેલિયનોમાંથી ઍલન બોર્ડરની છ સેન્ચુરી એશિયામાં સૌથી વધુ હતી, પણ હવે સ્મિથે એશિયામાં સાતમી સદી સાથે નંબર-વન થઈને બોર્ડરને બીજા નંબર પર મોકલી દીધા છે.
આ પણ વાંચો: સ્ટીવ સ્મિથે વધુ એક સદી ફટકારીને ચાર દિગ્ગજોને પાછળ મૂકી દીધા
આજે ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સ અગાઉ શ્રીલંકાની ટીમ પહેલા દાવમાં 257 રનના સ્કોર પર આઉટ થઈ હતી. એમાં વિકેટકીપર કુસાલ મેન્ડિસના અણનમ 85 રન અને દિનેશ ચંદીમલના 74 રન સામેલ હતા. ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક તથા મૅથ્યૂ કુહનેમને ત્રણ-ત્રણ વિકેટ તેમ જ સ્પિનર નૅથન લાયને પણ ત્રણ વિકેટ લીધી હતી. એક વિકેટ ટ્રેવિસ હેડને મળી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 51 સેન્ચુરી ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકરના નામે છે અને તેની તુલનામાં સ્ટીવ સ્મિથની 36 સદી ઘણે દૂર કહેવાય, પરંતુ સ્મિથે રાહુલ દ્રવિડઠ અને ઇંગ્લૅન્ડના વર્તમાન મુખ્ય બૅટર જૉ રૂટની બરાબરી જરૂર કરી લીધી છે.
દ્રવિડે 36 સેન્ચુરી ફટકારી હતી, જ્યારે રૂટના નામે પણ હાલમાં 36 સદી છે. રસપ્રદ બાબત એ છે કે એક સમયે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જૉ રૂટ અને કેન વિલિયમસનમાંથી કોણ ચડિયાતું એવી સરખામણી થતી હતી. જોકે સ્મિથ અને રૂટ હવે 36-36 સેન્ચુરી સાથે સરખેસરખા છે, જ્યારે વિલિયમસનની 33 સદી છે, પરંતુ કોહલી 30 સેન્ચુરી સાથે આ ત્રણેયથી ઘણો પાછળ છે.
ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ એક દાવ અને 242 રનથી જીતી લીધી હતી.