સુરત

સુરતમાં બે વર્ષના બાળકના મોત બાદ જાગ્યું તંત્રઃ ચાર અધિકારીને ફટકારી નોટિસ

સુરત: સુરતના નવા કતારગામ વિસ્તારમાં ત્રણ ફૂટની ઉંડી ખુલ્લી ગટરમાં પડેલા બે વર્ષના બાળકની 24 કલાકની શોધખોળ બાદ મૃતદેહ ગુરુવારે મળ્યો હતો. એક માસૂમ બાળકના મોત બાદ સુરત મહાનગર પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા કરવામાં આવી કાર્યવાહી કરીને ચાર અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો:સુરતમાં પાલિકાની બેદરકારીએ માસૂમનો લીધો ભોગ, 24 કલાકને અંતે મૃત અવસ્થામાં બાળક મળ્યું

ચાર અધિકારીઓને નોટિસ

વરિયાવ ખાતે બે વર્ષના બાળકના મોત બાદ SMCની ઘોર નિંદ્રા તૂટી છે. હવે આ મામલે કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કમિશનર દ્વારા પાલિકાના ચાર અધિકારીઓને શો કોઝ નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે. રાંદેર ઝોનના કાર્યાપાલક ઈજનેર તેજસ ટી.પટેલને નોટિસ આપીને સાત દિવસમાં જવાબ આપવા તાકીદ કરવામાં આવી છે.

ઉપરાંત ડેપ્યુટી ઈજનેર નિતીન એમ. ચૌધરી તેમજ જુનીયર ઈજનેર રાકેશ ટી. પટેલને પણ નોટિસ આપવામાં આવી છે જેમાં પાંચ દિવસમાં જવાબ આપવાની તાકીદ કરવામાં આવી છે. સુપરવાઈઝર ચેતન પી. રાણાને પણ નોટિસ આપવામાં આવી છે જેમાં જવાબ આપવાનું સૂચવાયું છે.

પોલીસ દ્વારા પણ ગુનો નોંધાયો

માસૂમ બાળકના મોત બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોડી રાત્રે નિર્ણંય લેવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ બનાવ બાદ પોલીસ દ્વારા પણ ગુનો નોંધવામાં આવ્યો.

ખુલ્લી ગટરમાં પડી જતાં થયું હતું બાળકનું મોત

બનાવની વિગતો અનુસાર સુરતના નવા કતારગામ વિસ્તારમાં 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. કેદાર નામના બાળકની શોધખોળ માટે વડોદરાથી NDRFની ટીમની મદદ લેવામાં આવી હતી. જોકે તંત્રની કલાકોની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. તંત્રની આ ઘોર બેદરકારીની સામે વિરોધ પક્ષે પણ આકરો વિરોધ નોંધાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button