નોરતામાં આ સેલેબ્સ આવ્યા ગુજરાતની મુલાકાતે..
નવરાત્રિ એક એવો તહેવાર છે જે ફક્ત ગુજરાત પૂરતો સીમિત નથી, દેશવિદેશના અનેક નાનામોટા સેલિબ્રિટીઝને ગુજરાતના ગરબાએ ઘેલું લગાડ્યું છે. હાલમાં જ પહેલા નોરતા દરમિયાન આયુષ્માન ખુરાનાએ જામનગરની મુલાકાત લીધી હતી, એ પછી વરૂણ ધવન અને હવે કંગના રનૌતે અમદાવાદમાં ગરબાની રમઝટ માણી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચી હતી.
કંગનાએ તેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતના ફોટો પણ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. પ્રતિમાની મુલાકાત બાદ તેણે સમગ્ર પરિસરની મુલાકાત લીધી હતી અને લોકલાડીલા નેતા સરદાર પટેલે આઝાદી માટે કરેલા પ્રયાસો અને રજવાડાને એક કરવા માટે શરૂ કરેલા અભિયાન અંગે જાણકારી મેળવી હતી. સ્થાનિક વહીવટી અધિકારી ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લા ક્લેક્ટર શ્વેતા તેવટિયાએ કંગનાનું સ્વાગત કર્યું હતું.
કંગનાએ એકતાનગરમાં થઈ રહેલા દરેક પ્રોજેક્ટ અને વિકાસ અંગે માહિતી મેળવી હતી. ઉપરાતં અહીં રહેલી નોંધપોથીમાં પણ પોતાના પ્રતિભાવો લખ્યા હતા. પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરીને તેમણે સ્થળ અંગે પોતાના વિચારોને શબ્દો આપ્યા હતા. પ્રતિમા જોયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલની આ પ્રતિમા આખા દેશનું ગૌરવ છે. આ પ્રતિભાને સેલ્યુટ કરવાનો મને મોકો મળ્યો છે. કંગનાએ અહીંની સ્વચ્છતા, સંચાલન અને સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી.