આદિવાસીઓના જમીન સંપાદનના વળતરની ઉચાપત કરવા બદલ ચારની ધરપકડ
![Mandvi murder: Chargesheet filed against love-struck youth within 7 days](/wp-content/uploads/2025/01/Crime-branch-arrest-bogus-clerk.webp)
થાણે: થાણે જિલ્લામાં મુંબઈ-વડોદરા હાઇવે માટે જેમની જમીન સંપાદિત કરવામાં આવી હતી, એ 10 આદિવાસીના 74.5 લાખના વળતરની ઉચાપત કરવા પ્રકરણે ચાર વ્યક્તિની ધરપકડ કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે બદલાપુરના કુલગાંવ પોલીસ સ્ટેશનમાં સાત જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જેમાંથી ચારની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બાકીના ત્રણ જણની શોધ ચલાવવામાં આવી રહી છે.
સિનિયર ઇન્સ્પેક્ટર ગોવિંદ પાટીલે જણાવ્યું હતું કે અંબરનાથ તાલુકામાં રહેતી જીજાબાઇ દિવેકરે 24 જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હાઇવે પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલી જમીનના વળતરની રકમની ઉચાપત કરાઇ હતી.
દિવેકરે આક્ષેપ કર્યો હતો કે તેની ખેતીની જમીન પ્રોજેક્ટ માટે સંપાદિત કરાઇ હતી અને 5.7 કરોડ રૂપિયા વળતર તરીકે તેના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા.
આ પણ વાંચો : થાણેમાં એકમાત્ર કમળ! ગણેશ નાઈકની જાહેરાતથી શિવસેનામાં અસ્વસ્થતા…
કાનૂની જરૂરિયાત અનુસાર આ રકમનો એક ભાગ પાછળથી દસ વારસદારોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર દિવેકરનો પરિચિત એવા એક આરોપીએ ફેબ્રુઆરી, 2021માં બેન્કમાંથી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાને બહાને જમીનમાલિકોને ભોળવીને બેન્કની રસીદો પર તેમના અંગૂઠાના નિશાન લઇ લીધા હતા.
રકમ સોંપવાને બદલે તેણે તેમને માત્ર એક લાખ રૂપિયા આપ્યા હતા અને નવ લાખ રૂપિયા એક અલગ ખાતામાંથી ઉપાડી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે આવા વ્યવહારો ચાલુ રહ્યા અને 74.5 લાખ રૂપિયા અનધિકૃત ખાતાંઓમાં વાળવામાં આવ્યા હતા. (પીટીઆઇ)