ટોપ ન્યૂઝનેશનલ

LoC પર ભારતીય સેનાને મળી મોટી સફળતા, ઘુસણખોરીનો પ્રયાસ કરતા સાત પાકિસ્તાનીને કર્યા ઠાર…

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. ભારતીય જવાનોએ પૂંચમાં નિયંત્રણ રેખા (LoC) પાર કરવાનો પ્રયાસ કરી રહેલા સાત પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની બૉર્ડર એક્શન ટીમ (BAT)ના આતંકવાદીઓ પણ સામેલ છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે તેમણે ચાર અને પાંચ ફેબ્રુઆરીની રાતે LoC પર પાકિસ્તાની ઘુસણખોરોએ કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સુરક્ષા દળની કાર્યવાહીમાં સાત પાકિસ્તાની ઘુસણખોર માર્યા ગયા હતા. આ ઘુસણખોરોમાં પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લાના કૃષ્ણા ખીણ સેક્ટરમાં બની હતી.

Also read : ‘UPA સરકાર સમયે અમેરિકાએ નમવું પડ્યું હતું…’ કોંગ્રેસે યાદ કરાવ્યો દેવયાની કેસ; જાણો શું હતો મામલો

પાકિસ્તાની ઘુસણખોરો તેમની બૉર્ડર એક્શન ટીમની સહાયથી ભારતીય જવાનો પર હુમલો કરવા માગતા હતા. બૉર્ડર એક્શન ટીમના લોકોને ભારતમાં ઘુસણખોરી કરવાની ખાસ તાલીમ આપવામાં આવી હોય છે અને તેઓ આ ટેક્નિક અન્ય ઘુસણખોરોને શીખવતા હોય છે. BATની ટીમે અગાઉ પણ ભારતીય જવાનો પર હુમલા કર્યા છે અને તેમની પાસે ભારતીય જવાનો પર હુમલા કરવાનો અનુભવ પણ છે. એના જ આધારે તેઓ ફરી એક વાર ભારતીય સેનાના જવાનો પર હુમલો કરવા માગતા હતા, પણ ભારતીય સેનાએ તેમની મનશા પર પાણી ફેરવી દીધું હતું. ભારતીય જવાનોએ જેવા પાકિસ્તાની ઘુસણખોરો દેખાયા કે તુરંત જ ઠાર માર્યા હતા. માર્યા ગયેલાઓમાં આતંકવાદી સંગઠન અલ બદ્રના આતંકીઓ પણ સામેલ હતા.

Also read : નેશનલ હાઇવે પર અકસ્માતો ઘટાડવા સરકારે શું કર્યું? સંસદમાં નીતિન ગડકરીએ કરી વાત

પાંચમી ફેબ્રુઆરીનો દિવસ પાકિસ્તાન કાશ્મીર એક્તા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે લાહોરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આતંકવાદી હાફિઝ સઇદના પુત્ર તલ્હા સઇદે ભાગ લીધો હતો અને તેણે ભારત વિરુદ્ધ આગ ઓકતું ભાષણ આપ્યું હતું અને કાશ્મીરને આઝાદ કરાવવાની વાત કરી હતી. આ રેલીમાં તલ્હા સઇદે એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાને તેના નિર્ણયોની સમીક્ષા કરવી જોઇએ અને તેના પિતા હાફિઝ સઇદને જેલમાંથી મુક્ત કરવા જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button