SBI, PNB અને Canara Bank માં છે બેંક એકાઉન્ટ? 11મી ફેબ્રુઆરીથી બદલાશે આ નિયમો, અત્યારે જાણી લેશો તો…
ભારતમાં દર થોડા સમયે બેંકિંગ સેક્ટરમાં અનેક નવા અને મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફાર પાછળનો બેંકોનો હેતુ ખૂબ જ સ્પષ્ટ હોય છે કે જેમ બને તેમ ગ્રાહકોને વધારે સારામાં સારી સુવિધા પૂરી પાડવામાં આવે. આજે અમે અહીં તમને આવા જ નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાર દિવસ બાદ એટલે કે 11મી ફેબ્રુઆરીથી આ નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આ ફેરફાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંકના ખાતાધારકો પર લાગુ થશે. જો તમારું બેંક એકાઉન્ટ પણ આ બેંકોમાં છે તો આ નવા નિયમો વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે, નહીં તો તમને મુશ્કેલી પડી શકે છે.
Also read : Cyber Fraud રોકવા RBI નો મોટો નિર્ણય, બેંકો માટે શરૂ કરશે આ સુવિધા
આજે અમે તમને આ ચાર નિયમો વિશે વિસ્તારથી માહિતી આપીશું.
સૌથી પહેલાં તો વાત કરીએ બદલાઈ રહેલાં ચાર નિયમો કયા છે- 11મી ફેબ્રુઆરીથી બદલાઈ રહેલાં આ ચાર નિયમોમાં એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ, એટીએમ ટ્રાન્ઝેક્શનની લિમિટ, ચેકબુક ફી અને ઓનલાઈન ટ્રાન્ઝેકશન પર આપવામાં આવનારી છૂટ જેવા મહત્ત્વના નિયમોનો સમાવેશ થાય છે.
સૌથી પહેલાં વાત કરીએ મિનિમમ બેલેન્સ વિશે તો મિનિમમ બેલેન્સને લઈને વિવિધ બેંકોની પોલિસી અલગ અલગ હોય છે. પરંતુ હવે નક્કી કરવામાં આવેલી નવી પોલિસી અનુસાર શહેરી વિસ્તારમાં મિનિમમ બેંકની મર્યાદા 10,000 રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ મર્યાદા 5000 રૂપિયા સુધીની છે. જો ખાતાધારકો દ્વારા આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો ખાતાધારકને પેનલ્ટી લગાવવામાં આવશે.
એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર. એટીએમના ટ્રાન્ઝેક્શનને લઈને પણ નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગ્રાહકોને હવે ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની લિમિટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મેટ્રો સિટીમાં 3 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન, ગ્રામીણ અને નોન મેટ્રોસિટીમાં આ મર્યાદા પાંચ ટ્રાન્ઝેક્શન સુધીની નક્કી કરવામાં આવી છે. ત્યાર બાદ કરવામાં આવેલા દરેક ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયાની ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવશે.
આગળ વધીએ અને વાત કરીએ ચેક બૂક ફી વિશે. ચેકબુકની ફીને લઈને પણ બેંકો દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ખાતાધારકોને 20 પાનાની ચેક બુક ફ્રીમાં આપવામાં આવશે અને ત્યાર બાદ વધારાની ચેકબુક માટે 50 રૂપિયા પ્રતિ ચેકબુકનો ચાર્જ વસુલવામાં આવશે. આ પગલું ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઉઠાવવામાં આવ્યું છે.
Also read : હૃદયનાથ મંગેશકર સાથે શું થયું હતું, જેને લઇને પીએમ મોદીએ કૉંગ્રેસને ઘેરી
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુમાં વધુ પ્રોત્સાહન મળે એ માટે બેંકોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વધારાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ અનુસાર યુપીઆઈ અને એનઈએફટી ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ પ્રકારની ફી નહીં વસૂલવામાં આવે. જ્યારે આરટીજીએસ ટ્રાન્ઝેક્શન પર બે રૂપિયાની છૂટ બેંકો દ્વારા આપવામાં આવી છે.