મનોરંજન

Mrs: movie review: વાર્તા સ્ત્રીઓનાં આનંદની રેસિપીની, પણ દરેક પુરુષે જોવા જેવી ફિલ્મ

તમે ફિલ્મ જુઓ અને તેમાં વારંવાર એક જ સિન આવ્યા કરે તો? હીરોઈન એ જ હોય, તેના કપડાં લગભગ એકસરખા હોય, તે એક જ જગ્યાએ એકસરખું કામ કરતી જોવા મળે, તેનાં પાત્રને બોલવાનું ઓછું અને કામ કરવાનું વધારે હોય, તે તમને ખાસ કંઈ એન્ટરટેઈન ન કરે. આવી ફિલ્મ જોવાય ખરી? હા, ચોક્કસ જોવાય, શા માટે તે જાણો આ ફિલ્મ રિવ્યુમાં.

ફિલ્મો ઘણીવાર તમને ખૂબ જ સરસ સંદેશા આપી જાય છે. જોકે સંદેશો આપવાની રીત મનોરંજક હોવી જોઈએ. ઓટીટી પ્લેટફોર્મ પર આજે રિલિઝ થયેલી ફિલ્મ મિસિસ આવા સંદેશા સાથે જ છે. આ ફિલ્મ પણ બોલીવૂડની દેન નથી. મલિયાલમ ફિલ્મ ધ ગ્રેટ ઈનેડિયન કિચનની હિન્દી રિમેક છે. આ ફિલ્મ તમિળમાં પણ બની ચૂકી છે. હિન્દી નિર્માતાઓને રહી રહીને યાદ આવ્યું કે આપણે પણ આવી એક ફિલ્મ બનાવી નાખીએ.

શું છે ફિલ્મની વાર્તા

આ ફિલ્મ તમારા અને મારા ઘરની દરેક સ્ત્રી અને ખાસ કરીને હાઉસવાઈફની વાત લઈને આવે છે. પોતાનું ડાન્સ ટીચર તરીકેનું કરિયર છોડી ઋચા નામની એક યુવાન છોકરી પરણીને સાસરે આવે છે. તમારી દીકરી હવે અમારી દીકરી કહી પરિવાર તેને ઘેર લાવે છે. પતિ ગાયનેકોલોજિસ્ટ છે, પરિવાર સદ્ધર અને શિક્ષિત છે. થોડા દિવસોમાં જ નવી વહુ જૂની થઈ જાય છે અને રસોડામાં ખોવાઈ જાય છે. સવારે એક્ઝેટ ટાઈમે ઊઠીને તૈયાર ચાનો કપ આપવાથી માંડી રાત્રે કિચનની લાઈટ ઓફ કરવા સુધી તે જે જે પ્રવૃત્તિઓ કરે છે, અને પોતાની જાતને શોધતી રહે છે તેના પર ફિલ્મ બની છે.

પતિ કે પુરુષો માત્ર ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાંથી ઓર્ડર આપે છે, ચાનો કપ પણ કિચનમાં મૂકવાની તસ્દી લેતા નથી. દીકરો ગાયનેકોલોજિસ્ટ છે અને સ્ત્રીઓના શરીરની પરેશાની દૂર કરે છે, પણ પોતાની પત્નીની શારિરીક ઈચ્છાઓ કે તેના મનને સમજવામાં ફેલ છે. તેનો વાંક નથી તેને શિખાવાડ્યું જ નથી કે સ્ત્રીને, પત્નીને એક મન પણ હોય છે. શાક-દાળના વધારમાં ખોવાયેલી અને ગરમ ગરમ રોટલી પર ઘીની જેમ પોતાની ઈચ્છાઓ ઓગાળતી દરેક હાઉસવાઈફની આ વાત છે.

કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન

ફિલ્મની હીરોઈન ઋચાના પાત્રમાં છે સાન્યા મલ્હોત્રા. કાસ્ટિંગ ડિરેક્ટરે સાન્યાને સાઈન કરી અક્કલનું કામ કર્યું છે. માત્ર રૂપડકી કે ફેમસ ચહેરાને લઈ તેને એક હાઉસવાઈફના પાત્રમાં જોવાનું દર્શકો માટે અઘરું બની રહેત. સાન્યાએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. ફિલ્મમાં તેણે તાજગી ભરી છે અને દરેક ઈમોશન્સને તોલમાપ સાથે સ્ક્રીન પર લાવવામાં લગભગ સફળ રહી છે. કંવલજીત સસરાના પાત્રમાં રૂઆબદાર છે. નિશાંત દહિયા, વરૂણ બડોલા, લવલીન મિશ્રાએ પણ સારી એક્ટિંગ કરી છે.

ડિરેક્શનની વાત કરીએ તો આરતી કડવ રેસિપીમાં પોતાનો વઘાર કરતા ભૂલી ગઈ છે. ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડિયન કિચનની કૉપી લાગે છે. તે ફિલ્મમાં પતિને શિક્ષણ દર્શાવવામાં આવ્યો હતો. અહીં પતિને ગાયનેકોલોજિસ્ટ બતાવી સારું કામ કર્યું છે. ડાયલૉગ્સમાં થોડો ગરમમસાલો ભભરાવવાની જરૂર હતી, જે બતાવવું હતું તે એક જ પ્રકારના સિન્સ રિપિટ ન કરતા અલગ અલગ રીતે બતાવીશકાયું હોત. નવી ઘટના અને કલ્પનાઓએ ફિલ્મને વધારે સ્વાદિષ્ટ બનાવી હોત. એકંદરે ડિરેક્શનમાં સરપ્રાઈઝ એલિમેન્ટ નથી.

Also read: Loveyapa movie review : સાઉથની કૉપી પણ જુનૈદ-ખુશી કપૂરે તાજગી ઉમેરી

જોકે અગાઉ લખ્યું તેમ આ ફિલ્મ ભલે મનોરંજન થોડું ઓછું પિરસે છતાં તેનો સંદેશ ખરેખર ઘરે ઘરે પહોંચવો જરૂરી છે. જે બોરિંગ રિપિટેડ સિન્સ અઢી કલાકની ફિલ્મમાં જોઈને તમે કંટાળી જાઓ છો તેવી જિંદગી દેશની 70 ટકા કરતા વધુ સ્ત્રીઓ જીવે છે. પતિ અને પરિવારનો ખ્યાલ રાખવો ભલે સ્ત્રીઓનું કામ હોય, પણ તેની ચાકરી કરવી તેની સાથે અમાનવીય વર્તન જ છે. મહિલાઓની સિદ્ધિઓના રંગીન ચિત્રો ભલે રોજ છાપાઓમાં છપાય, પણ આજે પણ પોતાની આગવી ઓળખ બનાવવાના ઓરતા મનમાં જ ધરબી કરોડો સ્ત્રીઓ માત્ર ‘મિસિસ’ બનીને જ રહી જાય છે અને લગ્નજીવનના ત્રીસેક વર્ષમાં વારંવાર સાંભળે છે તમે આખો દિવસ ઘરમાં કરો છો શું?

હાઉસવાઈફની પોતાની ઓળખ, ઈચ્છાઓ, ગમા-અણગમાઓ હોય છે. પતિ રસોડામાં જઈને શાક ન સમારે, પણ ગેસ પાસે ગરમીમાં તપીને બનાવેલા શાકને વખાણી તો શકે જ. સ્વાદમાં જો કચાશ રહી ગઈ હોય તો અવગણી શકાય જ. જેમ પતિના મન સુધી જવાનો રસ્તો સ્ત્રીને શિખવાડવામાં આવે છે તેમ સ્ત્રીના મન સુધી જવાનું પતિ-પુરુષને પણ શિખવાડવાની જરૂર છે.

આ ફિલ્મ ઓટીટી પર છે, જો પરિવાર સાથે જોશો તો વધારે સારું, પણ પુરુષોનો ઈગો ક્યાંક હર્ટ થશે કે ક્યાંક એમ્બેરેસમેન્ટ પણ ફીલ થશે. તો જો આ બધાનો સામનો કરવાની તૈયારી ન હોય તો એકલા એકલા પોતાના મોબાઈલમાં જોજો અને તમારા ઘરની ઋચા, પછી તે પત્ની હોય કે માતા કે બહેન, ભાભી હોય તેના ફિક્કા જીવનની રેસિપિમાં તમે મસાલો છાંટી તેને ચટપટું મજેદાર કઈ રીતે બનાવી શકો તે ચોક્કસ વિચારજો.

મુંબઈ સમાચાર રેટિંગઃ 4

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button