1925: 40% ફિલ્મ ગુજરાતી ડિરેક્ટરની..!
100 વર્ષ પહેલાં મણિલાલ જોશીએ બનાવેલી `મોજીલી મુંબઈ' ફિલ્મની જાહેરાતથી પ્રેક્ષકોમાં ઉત્કંઠા જાગી હતી મણિલાલ જોશીની ફિલ્મનું ટાઈટલ કુતૂહલ પેદા કરે છે
![Vintage poster of the 1925 Gujarati film 'Mojili Mumbai' directed by Manilal Joshi.](/wp-content/uploads/2025/02/mojili-mumbai-vintage-film-poster.webp)
ફ્લૅશ બૅક – હેન્રી શાસ્ત્રી
ગુજરાતીઓને લક્ષ્મી સાથે સંબંધ ખરો, સરસ્વતી સાથે નહીં…’ એવું મજાકમાં કે દાઢમાં બોલાતું હોય છે. કલાજગત સાથે ઘરોબો નહીં, પણઅર્થજગત’ સાથે સાત જન્મનો સહવાસ એવો અર્થ કાઢવામાં આવે છે. ફિલ્મ જગત એ કલા વિશ્વનો જ હિસ્સો છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિવિધ પહેલુઓ સાથે ગુજરાતીઓને વિવિધ તબક્કે નિકટનો નાતો રહ્યો છે એ હકીકત છે. ફિલ્મઉદ્યોગના ઇતિહાસ પર નજર નાખતા એક વાત ઊડીને આંખે વળગે છે કે મૂંગી ફિલ્મોના દોરમાં તેમ જ બોલપટ શરૂ થયા પછી માઈથોલૉજિકલ અને સ્ટંટ ફિલ્મોના દિગ્દર્શનમાં ગુજરાતી મેકરોની બોલબાલા હતી.
આજથી 100 વર્ષ પહેલાં એટલે કે 1925માં રિલીઝ થયેલી ફિલ્મો પર નજર નાખતાં આ દલીલને સમર્થન મળે છે. એટલું જ નહીં, મરાઠી ભાષિક ફિલ્મ મેકરોનું પણ એ વર્ષે નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. ભરોસાપાત્ર માહિતી અનુસાર 1925માં 96 ફિલ્મ રિલીઝ થઈ હતી. આ 96માંથી 38 ફિલ્મના દિગ્દર્શક ગુજરાતી હતા. ટકાવારી ગણીએ તો 39.58 થાય. એટલે કે 40% ફિલ્મ ગુજરાતી દિગ્દર્શકોએ બનાવી હતી. અન્ય 58 ફિલ્મોમાંથી 27 ફિલ્મ મરાઠી દિગ્દર્શકોએ તૈયાર કરી હતી. એકંદરે 96 ફિલ્મમાંથી 65 ફિલ્મમાં સુકાન ગુજરાતી+મરાઠી દિગ્દર્શકોએ સંભાળ્યું હતું. મતલબ કે 68% (67.70) ફિલ્મ આ બે ભાષાના દિગ્દર્શકોએ ડિરેક્ટ કરી હતી. ગુજરાતીઓ અને મરાઠીઓનો ફિલ્મ મેકિગમાં કેવો દબદબો હતો એ સમજાય છે.
ગુજરાતી દિગ્દર્શકોની વાત કરીએ તો મણિલાલ જોશી 10 ફિલ્મ સાથે નંબર-વનના સ્થાન પર છે. મૂંગી અને બોલપટ એમ બંને દોરમાં ડિરેક્શન કરનારા જોશી સાહેબે દિગ્દર્શનની શરૂઆત વીર અભિમન્યુ' નામની પૌરાણિક ફિલ્મથી કરી હતી. અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેએ શરૂ કરેલા
સ્ટાર ફિલ્મ કંપની લિમિટેડ’ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ એ સમયની બિગ બજેટ ફિલ્મ તરીકે ચર્ચામાં હતી. જે સમયે આખી ફિલ્મ 60-70 કે 75 હજારમાં બની જતી એ સમયે એક લાખનું બજેટ હતું વીર અભિમન્યુ’નું. 1925માં મણિલાલભાઈએ બનાવેલી 10 ફિલ્મ (દેશના દુશ્મન, દેવદાસી, ઈન્દ્રસભા, કાલા ચોર, ખાનદાની ખવીસ, મોજીલી મુંબઈ, રાજ યોગી, સતી સીમંતિની, સુવર્ણા અને વીર કુણાલ)માંથી સૌથી વધુ ગાજી હતીમોજીલી મુંબઈ’.
મુંબઈના સામાજિક જીવન પર પ્રકાશ ફેંકતી આ ફિલ્મની જાહેરખબર સિનેરસિકોમાં ગજબનું કુતૂહલ નિર્માણ કરી શકી હતી. એડવર્ટાઈઝમેન્ટ આ પ્રમાણે હતી:વાહ રે મુંબઈ! અલબેલી અને મોજીલી મુંબઈ. ઊંચા કાંગરા અને બરછીના ભાલા જેવાં શિખરોથી દીપતી. ઉપરથી અચ્છી ઔર ભીતર કી રામ જાને જેવી ધમાચકડી અમે દમામદાર ડાકણની દીકરી પેઠે છલકાતી મલકાતી દીપી રહી છે. આવી આ મુંબઈ નગરીની એક કથામોજીલી મુંબઈ.’સમયાંતરે મોહમયી નગરી મુંબઈ ફરતે આકાર લેતી કથા પરથી બનેલી ફિલ્મો અને એને કેન્દ્રમાં રાખી તૈયાર થયેલાં ગીતો માટે પ્રેક્ષકોને આકર્ષણ રહ્યું છે. જોકે, મૂંગી ફિલ્મોના દોરમાં આવી કોશિશ અને હિંમત મણિલાલ જોશીએ કરી હતી.
કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રસિદ્ધ નવલકથા પૃથ્વીવલ્લભ’ પરથી 1943માં સોહરાબ મોદીએ ફિલ્મ બનાવી હતી એ સહુ કોઈ જાણે છે. જોકે, જાણવા જેવી વાત એ છે કે મુનશીની આ નવલકથા હપ્તાવાર પ્રગટ થઈ રહી હતી એ સમયે મણિલાલ જોશીનું ધ્યાન એના પર પડ્યું અને આના પરથી સરસ મજાની ફિલ્મ બની શકે એવું એમનું માનવું હતું. આ માન્યતાને એમણે અમલમાં મૂકીપૃથ્વીવલ્લભ’ ફિલ્મ બનાવી, જે હિટ સાબિત થઈ હતી. 1925માં મણિલાલ જોશીએ સતી સીમંતિની’ નામની ફિલ્મ બનાવી હતી. સીમંતિની એટલે જેની અઘરણી કે સીમંત થઈ ગયું હોય એવી સ્ત્રી. ગર્ભાવસ્થાના છઠ્ઠા કે સાતમા મહિને કરવામાં આવતી આ વિધિ પછી સ્ત્રી સંતાનને જન્મ આપવાના આનંદમાં રાચતી હોય છે. આવે સમયે સતી થવાની વાતનો વિચાર દૂર દૂર સુધી ન આવે. તો પછીસતી સીમંતિની’ ફિલ્મની કથા શું હશે એ કુતૂહલ પેદા કરે છે.કમનસીબે ફિલ્મની વાર્તા વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જોકે, એટલું જરૂર સમજાય છે કે છેક 1925માં આવી ફિલ્મ બનાવવાનો વિચાર એક ગુજરાતી દિગ્દર્શકને આવ્યો હતો.
પારસીઓ ગુજરાતી જ ગણાય અને એ નાતે 1925માં હોમી માસ્તરે 9 ફિલ્મ (ઘર જમાઈ, ફાંકડો ફિતૂરી, હીરજી કામદાર, કુલીન કાંતા, કુંજ વિહારી, લંકાની લાડી, મારી ધણિયાણી, રાજનગરની રંભા અને સંસાર સ્વપ્ન) બનાવી હતી. કૉમેડી અને સામાજિક ફિલ્મોને પ્રાધાન્ય આપનારા આ પારસી કલાકારની કારકિર્દીનો પ્રારંભ એક્ટર તરીકે થયો હતો. સેન્સર બોર્ડ દ્વારા બેન કરવામાં આવેલી પ્રથમ ભારતીય ફિલ્મ ભક્ત વિદુર'માં હોમીજીએ દુર્યોધનનો રોલ કર્યો હતો. એમની ફિલ્મોની એક લાક્ષણિકતા એ છે કે 1925માં એમણે બનાવેલી બે ફિલ્મ
ઘર જમાઈ’ અને ફાંકડો ફિતૂરી’ અનુક્રમે 1935 અને 1939માં બોલપટ સ્વરૂપમાં ફરી બનાવવામાં આવી હતી. એમાંથીઘર જમાઈ’ બૉક્સ ઑફિસ પર હિટ સાબિત થઈ હતી. એક આડવાત : `ઘર જમાઈ’ ફિલ્મના મુખ્ય કલાકારમાં એક નામ છે નૂર જહાં, પણ પાકિસ્તાન ચાલી ગયેલી એક્ટે્રસ – સિંગર નૂર જહાં નહીં, કારણ કે એમનો જન્મ 1926માં થયો હતો અને બાળ કલાકાર તરીકે એમણે પ્રથમ ફિલ્મ 1935માં 9 વર્ષની ઉંમરે કરી હતી.