મનોરંજન

Loveyapa movie review : સાઉથની કૉપી પણ જુનૈદ-ખુશી કપૂરે તાજગી ઉમેરી

બોલીવૂડ પાસે સાઉથની સ્ટોરીને હિન્દીમાં બનાવવા સિવાય કંઈ કામ જ નથી કે શું, તેવો સવાલ દરેક બોલીવૂડના રસિયાઓને થાય તે સ્વાભાવિક છે. વળી, આ એ સમય છે કે તમારે વિશ્વના ગમે તે ખૂણામાં બનેલી, ગમે તે ભાષાની ફિલ્મ જોવી હોય તો અવેલેબલ થતાં વાર લાગતી નથી, તેમ છતાં બોલીવૂડના નિર્માતાઓ અન્ય ફિલ્મોની સ્ટોરી તો ઉઠાવે છે, પરંતુ તેની ડીટો કૉપી કરતા પણ અચકાતા નથી. આવી જ ફિલ્મ ફરી થિયેટરોમાં આજથી રિલિઝ થઈ રહી છે, પરંતુ જેન ઝેડની આ લવ રોમ-કોમ એટલે કે ભઈ રોમેન્ટિક કૉમેડી તમને થોડીઘણી મજા કરાવવામાં કામિયાબ રહેશે. આનું કારણ ફિલ્મના મેઈન સ્ટાર્સ જુનૈદ ખાન (junaid Khan)અને ખુશી કપૂર (Khushi Kapoor) પણ છે. નેપોટિઝમની ટીકા કરતા લોકોના મોઢા પર ભલે તાળું ન મારી શકાય, પણ આ બન્નેએ મોરના ઈંડા ચિતરવા ન પડે તે તો સાબિત કર્યું છે. બન્નેની પહેલી ફિલ્મ નથી, પણ આ ફિલ્મથી તેમની નોંધ લેવાશે તેમ ચોક્કસ કરી શકાય…

Loveyapa movie review: Junaid-Khushi Kapoor added freshness to even the South's copy
Image Source : ABP Live

શું છે વાર્તા
ફિલ્મની સ્ટોરી લગભગ આજના દરેક ઘરમાં જોવા મળશે. આખો દિવસ મોબાઈલમાં જ માથું ઘાલીને પડ્યા રહેતા યુવાનોની આ લવસ્ટોરી છે. ફિલ્મ 2022માં આવેલી તમિળ ફિલ્મ લવ ટુડે પર બેઈઝ્ડ છે. બે યુવાનો એકબીજાના પ્રેમમાં પડે છે. લગ્ન માટે છોકરીના પિતા પાસે જાય છે.ચ છોકરીના પિતા એક શરતે માનવા તૈયાર થાય છે. આ શરત એ છે કે બન્નેએ પોતાના મોબાઈલ એકબીજા સાથે 24 કલાક માટે શેર કરવાના છે. મોબાઈલ માત્ર ફોન નથી રહ્યો, એક વ્યક્તિનો ઓરિજનલ બાયોડેટા કે ચરિત્રચિત્રણ થઈ ગયો છે તે જાણતા પિતાની આ ચેલેન્જ બન્નેની લવસ્ટોરીમાં કેવો વળાંક લાવે છે તેના પર ફિલ્મ બની છે. (Loveyapa Movie review in Gujarati)

કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન
મહારાજા ફિલ્મથી જુનૈદ અને આર્ચી ફિલ્મથી ખુશી બોલીવૂડમાં એન્ટ્રી કરી ચૂક્યા છે. મહારાજમાં પણ જુનૈદનો અભિનય વખાણાયો હતો, પરંતુ લવયાપામાં તે પૂરબહાર ખિલ્યો છે. જ્હાનવીની બહેન ખુશી કપૂર સોશિયલ મીડિયા પોસ્ટ સિવાય ખાસ કોઈને નજરમાં આવતી નથી, પરંતુ તેણે પણ 19-20 વર્ષની મોર્ડન છોકરી તરીકે શાનદાર અભિનય કર્યો છે. બન્ને એકદમ નેચરલ લાગે છે કારણ કે આ તેમના જીવનની આસપાસ ફરતા જ પાત્રો છે. આશુતોષ રાણા પણ પોતાના પાત્રમાં સારું કામ કરી ગયો છે. જુનૈદ અને ખુશીને પ્રમોશન દરમિયાન ટ્રોલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની ફિલ્મે આ ટ્રોલર્સને જવાબ આપી દીધો છે.

આ પણ વાંચો…સોનુ સૂદની ધરપકડ થઇ શકે છે! આ કેસમાં લુધિયાણા કોર્ટે વોરંટ જાહેર કર્યું

ડિરેક્શનની વાત કરીએ તો અદ્વૈત ચંદન ફિલ્મની વાર્તા કહેવામાં મહ્દ અંશે સફળ રહ્યા છે. ફિલ્મ વાસ્તિવક અને મેલોડ્રામાથી દૂર રહી છે. ડાયલૉગ્સ, ઈમોશન્સ બધું જ યોગ્ય રીતે સ્ક્રીન પર આવ્યું છે. ફિલ્મ ક્યારેય બોરિંગ નથી થતી, પણ ફર્સ્ટ પાર્ટ કરતા સેકન્ડ પાર્ટ ઘણો જ દમદાર છે. જોકે જો તમે તમિળ ફિલ્મ જોઈ હશે તો તમને ઘણા સિન્સ ડીટ્ટો કૉપી થયાનું લાગશે. જુનૈદ જ્યારે ખુશીને ફોન કરે ત્યારે ખુશીનુપં થૂં થૂં કહેવું કે પછી આશુતોષનું બે હાથ ફેલાવી મોબાઈલ એક્સચેન્જ કરવાનું કહેવું વગેરે અલગ રીતે દર્શાવી શકાયું હોત. કરિશ્મા પ્રણવ ભાવસારે લેખનમાં તાજગી લાવવાની કોશિશ કરી છે, પરંતુ ડિરેક્શન ક્યાંક લથડે છે. મ્યુઝિક ફિલ્મને એકદમ એપ્ટ છે. સરવાળે ફિલ્મ યુવાનો અને તેમના માતા-પિતાને ગમે તેવી છે કારણ કે બન્નેના જીવનમાં સાથે કનેક્ટ થતી આજના સમયની વાત છે. આ સાથે ફિલ્મ એન્ટરટેઈનિંગ છે. જો તમે તમિળ ફિલ્મ ન જોઈ હોય તો તમને ગમશે. આ વીકએન્ડમાં રિલેક્સ થવાનો પ્લાન હોય તો લવયાપા સારું ઑપ્શન છે.

મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 3.5/5

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button