મેટિની

આ છે આપણા કમાલના કૉમેડિયનો…

મનોરંજનના અસ્સલ હીરો!

સ્ટાર-યાર-કલાકાર – સંજય છેલ

ભારત સ્વભાવે જરા ગંભીર દેશ છે અથવા કળાની વાત કરો તો એવું જ લાગે. કોઈ માનશે કે એક જમાનામાં ઑલ ઇંડિયા લેવલ પર કૉમેડી ફિલ્મો ચાલતી નહીં. મુંબઈ ટેરેટેરી એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં શહેરોમાં ચાલતી, પણ આખા દેશમાં વિતરકો કૉમેડી ફિલ્મોથી દૂર ભાગતા. એકાદ-બે અપવાદને બાદ કરીએ અગાઉ ટેલેન્ટેડ કૉમેડિયનને પણ એવાં માન-સમ્માન કે પૈસા નહોતા મળતા. કિશોરકુમારને અભિનય માટે કોઇ એવોર્ડ મળ્યો નથી તેમ છતાંય અમુક હાસ્ય કલાકારોએ કૉમેડીની મશાલ ઝળહળતી રાખી,જેમ કે

મહેમૂદ: મહેમૂદ એટલે જોકરનાં આંસુની મીઠાશ. હાવભાવ કે ડાયલોગ ફેંકવાની અદાથી મહેમૂદ એવો સુપરસ્ટાર કૉમેડિયન હતો, જેને ક્યારેક ધર્મેન્દ્ર, જિતેન્દ્ર કે વિશ્વજિત જેવા હીરો કરતાં વધારે પૈસા મળતા. મહેમૂદને કારણે ફિલ્મો વેચાવા માંડેલી ને માત્ર એમની કૉમેડી જોવા લોકો આવતા. હાસ્યકારની કલા પાછળ દર્દ છુપાયેલ હોય છે. નાનાં ભાઈ-બહેનો, ભણતરનો અભાવ, કારમી ગરીબી, અસંખ્ય અપમાન ને દિમાગ કામ ન કરે એવા સંઘર્ષે જ મહેમૂદને દિમાગ ફાડી નાખે એવો શાર્પ-ચતુર કલાકારમાં પલટાવી નાખ્યો હતો.

ગુમનામ'માં હૈદરાબાદી લઢણને-બોલીને અમર કરી દીધી અને તેય માત્ર એક જ શબ્દખયાલો મેં?’ બોલીને! તો ચિત્રલેખા’ જેવી ગંભીર ફિલોસોફિકલ ફિલ્મમાં પણ જુનિયર સાધુના રોલમાં મહેમૂદ અવિસ્મરણીય છે. મહેમૂદમાં માણસ તરીકે અનેક કમજોરી, પણ કલાકાર તરીકે રંગબેરંગી દિલ હતું. એકમાત્ર મહેમૂદ જ પૉલિયોની જાગૃતિ માટેકુંવારા બાપ’ જેવી સંવેદનશીલ ફિલ્મ બનાવી શકે. એમણે જ ફિલ્મોદ્યોગને આર.ડી. બર્મન, રાજેશ રોશન જેવા નવા સંગીતકારોની ભેટ આપી. એ છ ફૂટના અમિતાભ જેવા કોઈ નવાસવા નિષ્ફળ ગંભીર હીરોને રહેવા માટે ઘર અને `બૉમ્બે ટુ ગોવા’ જેવી ફિલ્મ અપાવી શકે છે.

આમ આદમીનો ક્લાકાર મહેમૂદ સદાય મનોરંજનનો મહારથી બની રહેશે.

કિશોર કુમાર: જિનિયસ-સિમ્પલી અફ્લાતૂન ગીતકાર-સંગીતકાર, ગાયક-હીરો, કૉમેડિયન એની શું વ્યાખ્યા કરીએ? એને માત્ર કૉમેડિયન કહેવું એ કિશોર કુમારનું અપમાન છે. ઉઈ હુઈ હુઈ' હોય કેઅરે બાંગડું’ હોય કે `ભોલે… ભોલે સૂર કો પકડ’ હોય કે પછી હાફ ચડ્ડીમાં બાળકનો અભિનય હોય… કિશોર કુમાર એટલે અપ્રતિમ કલાકાર અને કેલિડોસ્કોપ જેવો એક રંગબેરંગી મિજાજા ધરાવતો કલાકાર.

અભિનેત્રી યોગીતા બાલીને પરણ્યા બાદ હનીમૂનમાં બીજે દિવસે સવારે યોગીતાજી ટોઇલેટમાંથી નીકળી તો કિશોર કુમારે પૂછ્યું: `અરે, તારા જેવી સુંદરી પણ ટોઈલેટ વાપરે?’આવી મેડ, હ્યુમરવાળા હતા જીનિયસ કલાકાર કિશોર કુમાર.

જોની વોકર: તીણો અવાજ, હોઠની અદા, ગમે ત્યારે કૅમેરા સામે જોઈ વાત કરવાની સ્ટાઈલે એમને બસ કંડક્ટરમાંથી સેલેબલ કૉમેડી સ્ટાર બનાવ્યા. પ્યાસા, નયા દૌર જેવી ગંભીર ક્લાસિકલ ફિલ્મોમાં પણ એનાં ગીત વિના ડિસ્ટ્રિબ્યુટરો ફિલ્મ ખરીદવા તૈયાર નહોતા એ જ એમની સફળતાની ઊંચાઇ સૂચવે છે. મિત્રોને બોલાવીને પોતાના ઘટિયા શેર સંભળાવતી વખતે જો કોઈનું ધ્યાન આમતેમ જાય તો તરત કહે કે `નાશ્તે કા ખયાલ રહે મિયાં!’

સુંદર: બોલ્યા પછી તરત કૅમેરા સામે જોઈ ચોંકવું એટલે કે ડબલ થોટ… આ શૈલીને હિંદી ફિલ્મોમાં કૉમેડિયન સુંદર લાવ્યો. અતિશય રમૂજી ચહેરો, દેખ કબીરા રોયા’ જેવી લવસ્ટોરીનો આખેઆખો ક્લાઈમેક્સ સુંદર પર હતો. પડદા પર અને અંગત જીવનમાંય ભારે રમૂજી. કિશોર કુમારના ઘરે માતાનું ઉઠમણું હતું. સુંદર ત્યાં આવ્યો. કિશોર કુમારે તરત એને સાઈડમાં લઈ જઈને કહ્યું,પ્લીઝ તમે જાઓ, તમને જોઈને મારાથી હસી પડાશે!’

જોની લીવર: મિમિક્રીનો બેતાજ બાદશાહ, કૉમન મેનનું પ્રતીક, અનેક ભાષા જાણનાર 1980-90માં એના વિના ફિલ્મો બનવી અસંભવ. અનેક ફિલ્મોનો અને સ્ટેન્ડ-અપ કૉમેડીનો કિગ. જોની લીવર જેટલો ઉમદા હાસ્યકલાકાર એટલો જ ઉમદા દાનવીર અને દર્દીઓનું હિલિંગ કરનાર અદના ઇન્સાન તરીકે બોલિવૂડ અને લોકોમાં સદા લોકપ્રિય છે.

અસરાની: ફિલ્મશિક્ષક, અનેક સ્ટાર્સ એને સર’ કહે છે.શોલે’ના અંગ્રેઝો કે ઝમાને કા જેલર' કેગુડ્ડી’નો સ્ટ્રગલર એક્ટર કે `અભિમાન’નો ફિલ્મી સેક્રેટરી… અસરાનીના ઉચ્ચારોની શૈલી અને અદાએ વર્ષો સુધી એને ટોપ પર રાખ્યા, પણ દરેક સ્ટારની જેમ પોતાની ઈમેજના બોજમાં એક હદ સુધી આવીને અટકી ગયા.

રાજેન્દ્રનાથ: યાની કે મિસ્ટર પોપટલાલ' આંખો ઊંચી-નીચી કરવાની અદા અને બેવકૂફ જેવા ચહેરે કંઈ પણ બોલવાની અદા.જબ પ્યાર કિસી સે હોતા હૈ’નો આ પોપટલાલ આજે 50 વર્ષે પણ લોકોને યાદ છે.

કાદર ખાન: ઇતિહાસ મત પૂછો..’ જેવા તકિયા કલામ લખનાર-બોલનાર, મૂળ સ્ટેજનો અને ફિલ્મનો સ્ટાર એક્ટર, અનેક પંચલાઇન આપી, સંવાદ લેખક તરીકે અમિતાભ બચ્ચનનેઅમર-અકબર-એન્થની’ અને `નમક હલાલ’માં કૉમેડી ટેપ પર અભિનય સાથે મોકલતા અને અમિતાભે એને સાંભળી સાંભળીને પડદા પર બેનમૂન કૉમેડી કરી છે. કાદર ખાનની ફિલ્મજગતના લોકોએ ક્યારેય ખરી કદર નથી કરી, પણ અમિતાભને કૉમેડી કરાવવાનું શ્રેય જાણે-અજાણે એને જાય છે અને એમાં બધું આવી જાય છે.

જગદીપ: હીરો તરીકે ભાભી' જેવી ફિલ્મ કરનારો કે બાળકલાકાર તરીકેદો બીઘા ઝમીન’માં કામ કરનારો જગદીપ પોતાની સંવાદશૈલીથી અમર છે. આ..ચા..ચૂ..ચે.. છે..છું’ એવું કંઈ પણ વિચિત્ર બોલીને નજીવા સીનને ચમકાવી શકે.’શોલે’નો `સુરમા ભોપાલી’ જે માત્ર 3-4 સીનમાં આવે છે એ હિંદી ફિલ્મ ઇતિહાસનું યાદગાર પાત્ર છે.

પરેશ રાવલ: હેરાફેરી'નો બાબુરાવ કેગોલમાલ’નો અંધજન કે દોડ'નો વિલન કેમાલામાલ’નો ગ્રામીણ માણસ…. પરેશ રાવલે કૉમેડીને એક સ્ટાન્ડર્ડ આપ્યું છે. ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ હોય તો કૉમેડીનો બ્રાન્ડ એમ્બેસેડર પરેશ રાવલ છે – ગુજરાતનું પ્રાઇડ. સક્ષમ ઑલરાઉન્ડર અદાકાર. સૌથી ચતુર, શાર્પ ને વિચારવંત ક્લાકાર. પરેશ રાવલને માત્ર કૉમેડિયન કહેવા એ અન્યાય છે. એમણે વિલનની જાનલેવા ઈમેજને તોડીને કૉમેડીને એક દરજ્જો આપ્યો છે. આમ તો અનેક કૉમેડિયનોનો કાફલો છે.. કિસ કિસ કા નામ લેં.. પણ એ બધા વિશે ફરી કયારેક!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button