શુભમન ગિલનો બૅટિંગ ઍવરેજમાં વર્લ્ડ રેકોર્ડ: વિરાટ, બેવન, ડિવિલિયર્સને પણ ઝાંખા પાડી દીધા
ગુરુવારના મૅન ઑફ ધ મૅચ ગિલે શું કહ્યું? તેના જ શબ્દોમાં જાણીએ…
નાગપુર: શુભમન ગિલે ગઈ કાલે અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને ભારતને વિજય અપાવવાની સાથે સિરીઝમાં 1-0ની સરસાઈ અપાવી એ ઉપરાંત તેણે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં નવો વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કર્યો હતો. વન-ડેના ઈતિહાસમાં તેની બૅટિંગ ઍવરેજ અત્યારે સર્વશ્રેષ્ઠ છે.
ઇંગ્લૅન્ડ સામે ભારતને જીતવા માટે 249 રનનો લક્ષ્યાંક મળ્યો ત્યાર બાદ ભારતનો સ્કોર પાંચમી ઓવરમાં જ્યારે એક વિકેટે માત્ર 19 રન હતો ત્યારે ત્રીજા નંબર પર બૅટિંગમાં આવેલો શુભમન ગિલ મૅચના લગભગ અંત સુધી ક્રીઝ પર ટકી રહ્યો હતો અને 96 બૉલમાં તેણે 14 ફોરની મદદથી 87 રન બનાવ્યા હતા. ગિલ 37મી ઓવરમાં આઉટ થયો ત્યારે ભારતે જીતવા માટે 13 ઓવરમાં માત્ર 14 રન બનાવવાના બાકી હતા. ગિલની વિકેટ પડ્યા પછી હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયાની નૌકા સલામત રીતે પાર કરી હતી.
મૅન ઑફ ધ મૅચ શુભમન ગિલે શ્રેયસ ઐયર સાથે 94 રનની અને પછી અક્ષર પટેલ સાથે 108 રનની ભાગીદારી કરી હતી.
ભારતે 249 રનના લક્ષ્યાંક સામે 38.4 ઓવરમાં છ વિકેટે 251 રન બનાવીને ચાર વિકેટે વિજય મેળવી લીધો હતો. એમાં ઐયરનું 59 રનનું અને અક્ષરનું બાવન રનનું યોગદાન હતું. હવે ફરી શુભમન ગિલની બૅટિંગ ઍવરેજની વાત કરીએ તો તેની 58.90ની બૅટિંગ ઍવરેજ વન-ડે ક્રિકેટમાં 2,000થી વધુ રન કરી ચૂકેલા તમામ બૅટર્સમાં હાઈએસ્ટ છે. વન-ડેમાં તેના નામે કુલ 2,415 રન છે. કુલ 13,906 રન બનાવનાર વિરાટ કોહલીની ઍવરેજ 58.18 છે જે ગિલ કરતાં ઓછી છે. બાબર આઝમ, માઇકલ બેવન અને એબી ડિવિલિયર્સ જેવા ખ્યાતનામ બૅટર્સના નામ પણ ગિલ પછી છે.
ગિલ 2022 અને 2023ની સાલમાં વન-ડેમાં જબરદસ્ત ફોર્મમાં હતો. ઍ વે વર્ષમાં તેની બૅટિંગ-સરેરાશ અનુક્રમે
70.88 અને 63.36 હતી. ગુરુવારના મુકાબલાના મૅન ઑફ ધ મૅચ શુભમન ગિલે મૅચ પછી કહ્યું હતું કે `19 રનમાં પહેલી વિકેટ પડી ત્યારે મેં હકારાત્મક અભિગમ સાથે રમવાનું શરૂ કર્યું હતું. મેં બૅકફૂટ પર બહુ જવાનું ટાળ્યું હતું અને સમજદારીથી જ શૉટ મારવાનું નક્કી કર્યું હતું. જ્યારે કોઈ ખેલાડી આવી પૉઝિટિવ માનસિકતા સાથે રમે ત્યારે હરીફો પણ બૅકફૂટ પર જતા રહેતા હોય છે.’
Also read: ગાવસકર કેમ શુભમન ગિલથી નારાજ છે?
ગિલ વાઇસ-કૅપ્ટન છે એટલે ફીલ્ડિંગ દરમ્યાન પણ તેની ઘણી જવાબદારી હોય છે. તેણે કહ્યું, `હું ફીલ્ડિંગ દરમ્યાન રોહિતભાઈ પાસેથી ઘણું જાણતો હોઉં છું અને તેમને મદદરૂપ પણ થાઉં છું.’
વન-ડેની બૅટિંગ ઍવરેજમાં ટોચના પાંચ સ્થાનમાં કોણ-કોણ છે?
(1) શુભમન ગિલ: 2,415 રન, 58.90ની ઍવરેજ
(2) વિરાટ કોહલી: 13,906 રન, 58.18ની ઍવરેજ
(3) બાબર આઝમ: 5,957 રન, 56.73ની ઍવરેજ
(4) માઇકલ બેવન: 6,912 રન, 53.58ની ઍવરેજ
(5) એબી ડિવિલિયર્સ: 9,577 રન, 53.50ની ઍવરેજ
નોંધ: (1) વન-ડેમાં સચિન 18,426 રન સાથે અવ્વલ સ્થાને છે, પરંતુ તેની બૅટિંગ સરેરાશ 44.83 છે. રોહિત શર્મા, ધોની અને વિવ રિચર્ડ્સ જેવા દિગ્ગજો પણ ઍવરેજની બાબતમાં ટૉપ-ફાઇવમાં નથી.