તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 9 લોકોએ જીવ ગુમાવ્યા
તમિલનાડુમાં 2 અલગ અલગ ફટાકડાનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં બ્લાસ્ટની ઘટના બની છે જેમાંથી એક ઘટનામાં 9 લોકો મૃત્યુ પામ્યા છે. અગ્નિશમન અને બચાવ વિભાગ મુજબ પહેલો વિસ્ફોટ વિરુધુનગર જિલ્લાના શિવાકાશી પાસે આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયો હતો જો કે અહીં કોઇને જાનહાનિ થઇ નથી, અન્ય એક ઘટનામાં વિરુધુનગર જિલ્લામાં જ આવેલા કમ્માપટ્ટી ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 9 લોકો મૃત્યુ પામ્યા છે.
તમિલનાડુમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં અવારનવાર દુર્ઘટનાઓ થતી રહેતી હોય છે. આ ફેક્ટરીઓમાં કામ કરનારા શ્રમિકો સતત ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે. ગત 9 ઓક્ટોબરના રોજ તમિલનાડુના અરિયાલુરમાં આવી જ એક ઘટનામાં 3 મહિલાઓ સહિત 11 મજૂરો મોતને ભેટ્યા હતા.
આજની ઘટનામાં પોલીસે ફેક્ટરી માલિક રાજેન્દ્ર અને અરૂણકુમારની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને કારણે રાજેન્દ્રનએ વધુ 30 શ્રમિકોને ઓવરટાઇમ કરાવવા માટે રોક્યા હતા અને આ દુર્ઘટના સર્જાઇ હતી.