નવી નગરપાલિકાના વિકાસ માટે સરકારે ખોલ્યો ખજાનો; 208 કરોડની કરી ફાળવણી
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની રચના કરી છે. આ મહાનગરપાલિકાઓ જનસુખાકારીના વિવિધ કામો ઝડપી પૂરી કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે સરકારે રૂ. 208 કરોડની રકમની મંજૂરી આપી છે.
પાંચ મહાનગર પાલિકાને પણ ફંડ ફાળવણી
ફાળવેલી રકમ દ્વારા નવી મહાનગરપાલિકાઓમાં સિટી બ્યુટિફિફેશન, સફાઈ, સ્ટ્રીટલાઈટ, રોડ-રસ્તા, વેસ્ટ કલેક્શન અને ડિસ્પોઝલ, વિવિધ યાંત્રિક સાધનોની ખરીદી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ સહિતના કાર્યો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને પણ જનસુખાકારીના કામો માટે 502 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
સિદ્ધપુર, પાટણ, વડનગર અને કડી માટે વિવિધ કાર્યો હાથ ધરાશે
સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓ દ્વારા આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટન સહિતના કામો હાથ ધરવામાં આવશે. એ જ રીતે સિદ્ધપુર, પાટણ, વડનગર અને કડી નગરપાલિકાઓમાં પણ જનહિતના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે. કુલ મળીને, રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારો માટે રૂ. 710 કરોડની ફાળવણી ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ કરી છે, જે અંતર્ગત, નવી મહાનગરપાલિકાઓને નીચે મુજબની ફાળવણી કરવામાં આવશે.
આણંદ: રૂ. 45 કરોડ
મોરબી: રૂ. 80 કરોડ
નડિયાદ: રૂ. 21.90 કરોડ
વાપી: રૂ. 21.50 કરોડ
નવસારી: રૂ. 20 કરોડ
ગાંધીધામ: રૂ. 20 કરોડ