બદલાપુર યૌન શોષણઃ આરોપીના માતા-પિતા હવે દીકરાનો કેસ લડવા માગતા નથી, જાણો કેમ?
મુંબઈ: પોલીસ સાથેની કથિત અથડામણમાં માર્યા ગયેલા બદલાપુર યૌન શોષણના આરોપી અક્ષય શિંદેના માતા-પિતાએ આજે મુંબઈ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ હવે પુત્રના મૃત્યુ સાથે જોડાયેલો કેસ લડવા નથી માંગતા.
શિંદેના માતા-પિતાએ ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની ખંડપીઠ સમક્ષ આ અપીલ કરી હતી. ખંડપીઠ તેમના પુત્રના કસ્ટોડિયલ મૃત્યુ સંબંધિત અરજીની સુનાવણી કરી રહી છે.
આ પણ વાંચો: બદલાપુર જાતીય હુમલાના આરોપીઓના એન્કાઉન્ટર પર સેના (યુબીટી)નું ફડણવીસ પર નિશાન
આ અરજી શિંદેના પિતા અન્ના શિંદેએ દાખલ કરી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પોલીસે તેમના પુત્રને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખ્યો હતો. ગુરુવારે કાર્યવાહીના અંતે દંપતીએ ખંડપીઠનો સંપર્ક સાધી આ કેસને આગળ વધારવા ઉત્સુક નહીં હોવાનું જણાવી કેસ બંધ કરવા જણાવ્યું હતું. કોઈના દબાણથી નહીં પણ પોતાની મરજીથી આ નિર્ણય લીધો હોવાનું દંપતીએ જણાવ્યું હતું.
અક્ષય શિંદે (24) પર ગયા વર્ષે થાણા જિલ્લાના બદલાપુર શહેરની એક શાળાના શૌચાલયની અંદર બે સગીર છોકરીઓનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. આરોપી શાળામાં એટેન્ડન્ટ હતો. નવી મુંબઈની તલોજા જેલથી થાણે પૂછપરછ માટે વાનમાં લઈ જતી વખતે પોલીસ સાથેના કથિત એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો હતો. આ મામલે શુક્રવારે વધુ સુનાવણી થશે.