રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના વંશજ ભાજપમાં જોડાયા, છે આ વ્યૂહરચના
ચૂંટણીની મોસમ આવે એટલે રાજકીય પક્ષોમાં ભરતીપ્રક્રિયાઓ શરૂ થઇ જતી હોય છે. જયપુરના રાજપરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વંશજ વિશ્વરાજસિંહ મેવાડે મંગળવારે ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલ, ભાજપના પ્રદેશ પ્રભારી અરૂણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને દિયા કુમારીએ તેમને સભ્યતાના શપથ લેવડાવ્યા.
રાજસ્થાનમાં રાજપૂત વોટબેન્ક પર પોતાની પકડ મજબૂત કરવા માટે ભાજપે આ વ્યૂહ અપનાવ્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મેવાડની એન્ટ્રી માટે રાજસ્થાનના સાંસદ દિયાકુમારીએ મહત્વનું યોગદાન આપ્યું હોવાની ચર્ચા છે.
વિશ્વરાજસિંહ મેવાડ નાથદ્વારાથી ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડીને વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશી સામે લડીને નસીબ અજમાવશે. જો કે મેવાડના પિતરાઇ ભાઇ લક્ષ્યરાજસિંહ મેવાડ પણ ભાજપમાં જોડાવાના હોવાની અટકળો ચાલી રહી હતી. વિશ્વરાજસિંહ મેવાડના પિતા મહેન્દ્ર સિંહ મેવાડ ચિત્તોડગઢ લોકસભાથી ભાજપના સાંસદ રહી ચુક્યા છે. જો કે તેઓ એકવાર ચૂંટણી હારી ગયા હતા.
હાલમાં જ ભાજપે રાજસ્થાન ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદી જાહેર થયા બાદ પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેના નજીકના ગણાતા અનેક નેતાઓનું વર્તન બદલાઇ ગયું. ભરતપુર વિધાનસભાથી ભાજપ ધારાસભ્ય અનિતા સિંહ ગુર્જરને ટિકિટ ન મળવાને કારણે નારાજ થઇને અપક્ષ લડવાનો નિર્ણય કર્યો છે. રાજેના નજીકના ગણાતા ભવાનીસિંહ રાજાવતે પણ જાહેરાત કરી હતી કે તેઓ આગામી ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે આગામી ચૂંટણી લડશે. તેમણે એવું પણ કહ્યું હતું કે જે પક્ષ તેમને ટિકિટ આપે તેમાં તેઓ સામેલ થઇ જશે.
વિદ્રોહી નેતા અનિતાસિંહ ગુર્જરે નિવેદન આપ્યું હતું કે મેં મારું સમગ્ર જીવન આ પક્ષને આપ્યું પરંતુ મારી સાથે દગો થયો. જનતા ઇચ્છે છે કે હું ચૂંટણી લડું, પણ પક્ષ મને દૂર રાખવા ઇચ્છી રહી છે. ભાજપ ધારાસભ્ય નરપતસિંહ રાજવી, રાજપાલસિંહ શેખાવત સહિત પાર્ટીના અનેક નેતાઓએ વિદ્યાધર નગર અને ઝોટવાડા વિધાનસભા ક્ષેત્રોથી પક્ષ દ્વારા ટિકિટ ન મળવાને લીધે નારાજગી વ્યક્ત કરી હતી. તેમની જગ્યાએ દિયાકુમારી અને રાજ્યવર્ધનસિંહ રાઠોરને ટિકિટ આપવામાં આવી છે.